આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧૧
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩

દીવાન શ્રી ફતેહસિંહજીને તપાસ માટે મોકલવામાં આવશે એમ ઠાકોરસાહેબે જણાવ્યું. પણ લોકોએ જયારે કહ્યું કે આ તોફાનોમાં અમને તો તેમનો જ હાથ હોય એવો શક છે ત્યારે ઠાકોર સાહેબે એ વાત પડતી મૂકી.

સરદારને આ અત્યાચારની ખબર પડી એટલે તેમણે તપાસ કરાવી અને તા. ૮મી ફેબ્રુઆરીએ નીચેનું નિવેદન બહાર પાડ્યું :

“ કાઠિયાવાડમાં આવેલા લીમડી રાજ્ચમાંથી અતિશય કમકમાટી ઉપજાવે એવા સમાચાર મળ્યા છે. મેં મોકલેલા પ્રજામડળના વિશ્વાસપાત્ર કાર્યકર્તાઓએ પૂરતી તપાસ કર્યા પછી એ સમાચાર મોકલ્યા છે. એટલે એ ખોટા માનવાનું કશું જ કારણ નથી. રાજકોટની સંધિ જે રેસિડેન્ટને ગમી નહોતી અને જેનો પાછળથી ભંગ થયો છે, તે પછી થોડા જ દિવસમાં કાઠિયાવાડના બધા રાજાઓ રેસિડેન્ટના આમંત્રણથી રાજકોટ રેસિડેસીમાં ભેગા થયા હતા. ત્યાં તેમણે પોતપોતાના રાજ્યમાં પ્રજામંડળને કચડી નાખવાની એકધારી નીતિ અનુસરવાનો નિશ્ચય કર્યો લાગે છે. ત્યારથી અનેક રાજ્યોમાં જુદા જુદા પ્રકારનાં સખતીનાં પગલાં લેવામાં આવ્યાં છે. મુસલમાન, ગરાસિયા, ભાયાત વગેરે નાના નાના વર્ગોને પ્રજામંડળની સામે ઊભા કરવામાં આવ્યા છે અને જવાબદાર રાજ્યતંત્ર માણવાની પ્રજાની પ્રવૃત્તિમાં વિઘ્ન નાખી તેને તોડી પાડવા આ લોકોને ઉશ્કેરી મૂકવામાં આવ્યા છે.

"રાજકોટના ઠાકોરસાહેબે ગંભીર કરારનો ભંગ કર્યો ત્યારથી ત્યાં, રેસિડેન્ટની ઉશ્કેરણીથી મારપીટ અને દમનનીતિનું ખરેખરું સત્ર શરૂ થઈ ગયું છે. પણ લીમડીએ તો રાજકોટની જંગલી અને પાશવી રીતોને આંટી દીધી છે. બંદુક, તલવાર, ધારિયાં, છરા વગેરેથી સજ્જ થયેલા ૮૦ માણસો ગામડાંમાં પ્રજામંડળના કાર્યકર્તાઓ ઉપર તૂટી પડ્યા. તેમણે કેટલાક લોકો ઉપર ઘાતકી હુમલા કર્યો. હજારો રૂપિયાની માલમતા લૂંટી અને સાથે આણેલી મોટરલોરીઓમાં તે ઉઠાવી ગયા. આ ધાડપાડુઓમાંના કેટલાક રાજ્યના નોકર હતા એમ લોકો એાળખી શક્યા હતા. વળી એમની પાસે મોટરોનો આવડો કાફલો હતો તે ઉપરથી પણ સમજી શકાય છે કે તેમને એ મદદ ક્યાંથી મળી હશે.

* મારી પાસે આવેલી ખબરો સાચી હોય તો આજે લીમડી રાજ્યમાં જાનમાલની જરાયે સલામતી રહી નથી. આ બાબતમાં હજી કશાં પગલાં લેવાયાં નથી. તેમ જ ઠાકોરસાહેબના પેટનું પાણી હાલ્યું નથી. ઠાકોરસાહેબના આ વલણ સામે વિરોધ દર્શાવવા ત્રણેક હજાર શહેરીઓએ મહેલની સામે ૪૮ કલાકથી ઉપવાસ આદર્યા છે. લોકોએ વાઈસરૉયને અને ગાંધીજીને તારો મોકલ્યા છે. આ ખબરોમાં થોડા ટકા પણ સત્યનો અંશ છે, એમ માનીએ તો સ્પષ્ટ જોઇ શકાય છે કે બીજે ચાલી રહેલી સખ્તીની રીતો પ્રજામંડળ ઉપર અજમાવીને તેને કચડી નાખવાનો વ્યવસ્થિત પ્રયત્ન ચાલી રહ્યો છે. જે બ્રિટિશ રેસિડેન્ટ જંગલી જમાનાના આપખુદ અવરોધોને રક્ષણ આપવાને આતુર છે તેને આ નિર્દોષ નિ:શસ્ત્ર પ્રજાની રક્ષા કરવાની પોતાની જરા પણ જવાબદારી લાગે છે ખરી ?