આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧૫
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩


તા. ૧૯મીએ સવારે રાજ્ય તરફથી હથિયાર સાથે ફરવાની મનાઈ કરતો હુકમ બહાર પાડવામાં આવ્યા. પણ એ હુકમ કેવળ કાગળ ઉપર રહ્યો. સવારે ૯ વાગ્યે લગભગ બસો ગુંડાએ લાકડીઓ, ધારિયાં વગેરે સાથે પ્રમુખના ઉતારાને ઘેરી વળ્યા, જેથી તેઓ પરિષદમાં જઈ શકે નહીં. ખેડૂતોના બીજા ઉતારાઓ ઉપર તેવી જ રીતે ઘેરાઓ નાખવામાં આવ્યા હતા.

બપોરે સવાબારની ગાડીમાં શ્રીમતી લીલાવતી મુનશી, શ્રી શાંતિલાલ શાહ સૉલિસિટર તથા ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રી શ્રી જીવણલાલ દીવાન આવવાના હતા. પરિષદનો બખત બપોરે અઢી વાગ્યાનો રાખેલ હતો પણ દશ વાગ્યાથી જ હજાર ઉપરાંત માણસો પરિષદના મંડપમાં એકઠાં થઈ ગયાં હતાં. અગિયાર વાગ્યે પ્રજામંડળની કચેરીમાં સમાચાર આવ્યા કે ગુંડાઓએ પરિષદ મંડપમાં પેસી જઈ ને ત્રાસ વર્તાવ્યો હતો. હજારમાંથી લગભગ સાતસો માણસોને નાની મોટી ઈજા પહોંચાડવામાં આવી હતી. કેટલાનાં માથાં ફૂટ્યાં હતાં. અને કેટલાયને શરીર પર ગંભીર ઈજા થઈ હતી. પ્રજામંડળના કાર્યકર્તાઓ આ બધાની સારવારમાં મંડી પડ્યા. ધાયલ થયેલામાંથી જેમને ગંભીર ઈજા થઈ હતી તેમને રાજ્યની ઇસ્પિતાલમાં અથવા ખાનગી દવાખાનાંઓમાં લઈ જવામાં આવ્યા. આ બધો વખત ગુંડાઓ પરિષદના ઉતારાઓ ઉપર હુમલા કરી નુકસાન કરી રહ્યા હતા.

આ તોફાનો ચાલી રહ્યાં હતાં છતાં પ્રજામંડળના કાર્યકર્તાઓનો નિશ્ચય હતો કે પરિષદના નક્કી કરેલા વખતે બપોરે અઢી વાગ્યે પરિષદ ભરવી તો ખરી જ. મંડપ તો ગુંડાઓએ તોડી નાખ્યો હતો એટલે પરિષદના એક ઉતારે શ્રીમતી લીલાવતી મુનશીના પ્રમુખપણા નીચે પરિષદ ભરીને બે ઠરાવ કર્યા. એક, જવાબદાર રાજ્યતંત્રનો અને બીજો, આ તોફાનોને વખોડી કાઢનારો તથા તેની નિષ્પક્ષ તપાસ માગનારો.

સાંજે ચાર વાગ્યે ગુંડાઓને હુકમ મળ્યો કે હવે તોફાન બંધ કરો. એટલે જાદુઈ લાકડી ફરે અને બને તેમ બધા ગુંડાઓ અદશ્ય થઈ ગયા. શહેરમાં સ્મશાન જેવી શાંતિ પથરાઈ ગઈ

શ્રીમતી લીલાવતી મુનશી, તથા મહેમાન ઘાયલ થયેલાઓને જોવા ઇસ્પિતાલમાં ગયાં. બધું જોયા પછી એમણે એક સંયુક્ત નિવેદન બહાર પાડયું. તેમાંથી થોડા ફકરા આપ્યા છે :

“ અમે શહેરમાં દાખલ થયાં ત્યારે ઘણે ઠેકાણે માણસોને એકઠા થયેલા જોયા. તેમની પાસે કાળા વાવટા હતા અને હાથમાં લાઠીઓ હતી. દરેકે પોતાના શરીર ઉપર લાલ અથવા લીલી પટ્ટી ધારણ કરેલી હતી.