આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧૮
સરદાર વલ્લભભાઈ

 હજારો લોકોના જનમાલ જોખમમાં મુકાયા હતા છતાં, ચક્રવર્તી સત્તાએ એક આંગળી પણ ઊંચી ન કરી.

આ બધું ચાલતું હતું ત્યારે યુવરાજે પોતાની સુધારાની યોજનાઓ બહાર પાડવા માંડી. ચાલીસ ગામનું એક નાનકડું રાજય, તેમાં શહેરસભા, રાજયસભા, ગ્રામપંચાયતો અને એ બધી સભાઓનું સમૂહતંત્ર (Federation) એવાં એવાં ભારે નામો, આ ચીજનાઓમાં આવતાં હતાં. પણ બધી જ યોજનાઓ પોલી હતી. પ્રજાને રાજ્યકારભારમાં જવાબદારી આપવાની એક પણ વાત આ યોજનાઓમાં ન હતી. છતાં ૩૦મી ઑક્ટોબરે કાઠિયાવાડના રાજાઓની એક પરિષદ થઈ. તેમાં ઠરાવ થયો કે,

“ રાજાઓએ લીમડી રાજ્યની સુધારાની યોજનાને વિચાર કર્યો અને રાજકોટ કરતાં પણ રાજ્યવહીવટને વધારે ઉદાર બનાવવામાં કેટલેક દરજ્જે તે આગળ જાચ છે તે માટે લીમડીના યુવરાજને ધન્યવાદ આપ્યો.”

જ્યાં પ્રજાના પ્રાથમિક હક્કનો જ ઇન્કાર કરવામાં આવતો હતો ત્યાં આવા “ ઉદાર સુધારા ” માટે ધન્યવાદ આપવામાં આવે એ એક બેવકૂફીભરેલી અને હાંસીપાત્ર વાત સિવાય બીજું કશું ન હતું. લીમડીના પ્રજામંડળે તે રાજકીય સુધારાની કશી વાત પણ કરી નહોતી. તત્કાળ પૂરતો તો એમનો કાર્યક્રમ ગામડાંમાં જઈને લોકોને પોતાના હક્કો વિષે કેળવણી જ આપવાનો હતો, પણ એનીયે બરદાસ કરવા રાજ્ય તૈયાર નહોતું.

ગામડાંઓ ઉપર ધાડ પાડી રાજ્યે રોકેલા ગુંડાઓએ મારફાડ અને લૂંટફાટ કરવા માંડી અને તેના લાંબા તાર ગાંધીજીને કરવામાં આવ્યા, ત્યારે ' લીમડીની અંધેરશાહી' એ નામનો લેખ તેમણે ‘હરિજનબંધુ'માં લખ્યો હતો. ત્યાર પછી ગાંધીજી પાસે લીમડીના અત્યાચારના સમાચાર તો આવ્યાં જ કરતા હતા. છેવટે ૩૧મી ઑગસ્ટે તેમણે 'લીમડી વિષે' એક લેખ લખ્યો. તેમાં જણાવ્યું કે,

"લીમડીના લોકો જોડે મારે લાંબો પત્રવ્યવહાર ચાલ્યાં કર્યો છે. પણ તેમના ઉપર જે વીતી રહેલ છે તે વિષે ઘણા વખતથી કશું પણ મેં કહેવાનું ટાળ્યું છે. મને એવી આશા હતી કે, જેઓ રાજા તેમ જ પ્રજા વચ્ચે સુલેહ કરાવવા મથી રહ્યા છે તેમના પ્રચત્નને યશ મળશે. પણ એ આશા ઠગારી નીવડી.

“ ... મારી પાસે આવેલી હકીકત સાચી હોય અને એવી ન હોવાનું માનવાને મને કશું જ કારણ નથી - તો ખેડૂતોને તેમના ઘરમાંથી શિકારનાં પ્રાણીઓની જેમ રંજાડવા અને તગડવામાં આવ્યા છે. આકરામાં આકરો સિતમ તો પેલા વાણિયા વર્ગ, જે એક કાળે રાજ્યનો મિત્ર અને આધારસ્તંભ હતા, તેમના ઉપર વરસ્યો છે. . . . આ હિજરતી વેપારીઓની દુકાનો તેમ જ ઘરબાર સાચું જોતાં લુંટવામાં જ આવ્યાં છે. એની પાછળ લોકોને થથરાવીને ડરાવી નાખવાની જ કલ્પના હતી. આ સ્થિતિમાં કેટલાક ઢીલા પડ્યા તેમાં કશું આશ્ચર્ય પામવા