આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨૫
ત્રિપુરી કૉંગ્રેસ

સભ્યોએ એવી માન્યતા માટે કશું જ કારણ નહોતું આપ્યું; તોપણ તેઓ એમ માનતા કે સમૂહતંત્ર (ફેડરેશન)ની બાબતમાં આ નરમ વિચારના સભ્યો, જેમાં સરદારને તેઓ મુખ્ય ગણતા હતા તે, બ્રિટિશ સરકાર સાથે માંડવાળ કરવાનો વિચાર સેવે છે. જોકે એ વિષે હરિપુરા કૉંગ્રેસનો ઠરાવ તો બહુ સ્પષ્ટ હતો. બીજું સુભાષબાબુ એમ પણ માનતા હતા કે સરકારની સામે સામુદાયિક સવિનય ભંગની લડત આપવાનો આ ખરેખરો મોકો છે. વિશ્વયુદ્ધનાં વાદળ જે વખતે ઘેરાવા માંડ્યાં હતાં, તે વખતે આપણે જો આવી લડત આપીશું તો બ્રિટિશ સરકાર નમી પડશે એમ તેઓ માનતા હતા. જલપાઈગુરીમાં બંગાળના કૉંગ્રેસ પ્રતિનિધિઓ એકઠા થયા હતા ત્યારે સુભાષબાબુએ ઠરાવ પણ કરાવ્યો હતો કે ઈગ્લેંડને છ મહિનાની નોટિસ આપવી અને એ મુદત પૂરી થયે સામુદાયિક સવિનય ભંગની લડત ઉપાડવી. કૉંગ્રેસની કારોબારી સમિતિને આવી રીતની નોટિસ આ વખતે આપવાનું બિલકુલ યોગ્ય લાગતું ન હતું. સામુદાયિક સવિનય ભંગની લડત જો એની નેતાગીરી ગાંધીજી લે તો જ ઉપાડી શકાય એમ હતું અને ગાંધીજીને તો એ માટે હવા બિલકુલ પ્રતિકૂળ લાગતી હતી. તેઓ તો કહેતા કે દેશની અત્યારની હવામાં મને હિંસાની ગંધ આવે છે. એટલે હું તો સવિનય ભંગની લડતનો અત્યારે વિચાર જ કરી શકતો નથી.

પ્રમુખની ચૂંટણી જાન્યુઆરીની ર૯મી તારીખે થવાની હતી. પ્રમુખપદ માટે ત્રણ જણનાં નામ બોલાતાં હતાં : મૌ. અબુલ કલામ આઝાદ, ડૉ. પટ્ટાભી સીતારામૈયા અને બાબુ સુભાષચંદ્ર બોઝ. ગાંધીજી તે વખતે બારડોલીમાં હોવાથી કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠક જાન્યુઆરીની અધવચમાં બારડેલી મુકામે રાખી હતી. તે વખતે કોને પ્રમુખ નીમવા એ વિષે કારોબારી સમિતિએ કાંઈ વાત વિધિસર કરી નહોતી. પણ ગાંધીજીએ મૌલાના સાહેબ સાથે વાત કરેલી અને એઓએ પ્રમુખ બનવાનું સ્વીકાર્યું પણ હતું. સુભાષ બોઝ તથા એમના ભાઈ શરદચંદ્ર બોઝ સિવાયના કારોબારી સમિતિના બીજા બધા સભ્યોને તો મૌલાના પ્રમુખ થાય તે એકદમ પસંદ હતું. પણ કારોબારી સમિતિ પૂરી થઈ અને બધા સભ્ય વીખરાયા ત્યાર પછી મૌલાના સાહેબે પોતાને વિચાર બદલ્યો અને મુંબઈ ગયા હતા ત્યાંથી પાછા આવી ગાંધીજીને એ જણાવ્યું. એટલે ડો. પટ્ટાભીને પ્રમુખપદ સ્વીકારવાનું ગાંધીજીએ કહ્યું. સુભાષબાબુનોતો આગ્રહ જ હતો કે એમણે પોતે અથવા તેમના જેવા ઉદ્દામ વિચારવાળા બીજા કોઈએ પ્રમુખ થવું જોઈએ. એટલે એ પોતાનું નામ ખેંચી લેવા તૈયાર નહોતા. એટલે સુભાષબાબુ અને ડો. પટ્ટાભી વચ્ચે હરીફાઈ રહી.