આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨૮
સરદાર વલ્લભભાઈ



જૂના સભ્યો પૈકીના તેઓ એક છે. એમની જનસેવા લાંબી અને અખંડ છે. એટલે કૉંગ્રેસના પ્રતિનિધિઓને તેમને ચૂંટી કાઢવાની અમે ભલામણ કરીએ છીએ. તેમના સાથીઓ તરીકે અમે સુભાષબાબુને વીનવીએ છીએ કે તેઓ આ વસ્તુનો ફરી વિચાર કરે અને ડૉ. પટ્ટાભી સીતારામૈચાની ચૂંટણી સર્વાનુમતે થવા દે.”

આનો જવાબ આપતાં સુભાષબાબુએ જણાવ્યું કે,

‘મારે ૨૧મી તારીખે જે નિવેદન બહાર પાડવું પડ્યું હતું તે મૌલાના અબુલ કલામ આઝાદ સાહેબના નિવેદનને કારણે હતું. હવે સરદાર પટેલ અને બીજા નેતાઓએ મને પડકાર આપનારું જે નિવેદન બહાર પાડ્યું છે તેના જવાબરૂ રૂપે મારે આ નિવેદન બહાર પાડવું પડે છે. જ્યારે કારોબારી સમિતિના બે સભ્ય પ્રમુખપદ માટે હરીફ હોય ત્યારે બાકીના સભ્યોએ સંગઠિત થઈને કોઈ પણ એકનો પક્ષ લેવો એ ન્યાયી નથી. સરદાર પટેલ અને બીજા નેતાઓએ જે નિવેદન બહાર પાડ્યું છે તે કેવળ વ્યક્તિગત કૉંગ્રેસીઓ તરીકે નથી પણ કૉંગ્રેસની કારોબારીના સભ્યો તરીકે છે. જ્યારે કારોબારી સમિતિએ આ પ્રશ્નની ચર્ચા બિલકુલ કરી જ નથી ત્યારે તેના અમુક સભ્યોએ આવું નિવેદન બહાર પાડવું એ વાજબી નથી. જો ખરેખર પ્રમુખની ચુંટણી કરવાની જ હોય તે કૉંગ્રેસના પ્રતિનિધિઓને સ્વતંત્ર રીતે મત આપવા દેવા જોઈએ, તેમના ઉપર કશું નૈતિક દબાણ લાવવું જોઈએ નહીં. મેં તો ઘણી વાર બે ઉમેદવારોમાંથી કૉંગ્રેસના પ્રમુખ તરીકે એક ઉમેદવારને પસંદ કરીને મત આપેલ છે. છેલ્લાં થોડાં વરસોથી જ પ્રમુખની ચૂંટણી સર્વાનુમતે થતી આવી છે. વળી આજે વ્યાપક માન્યતા એવી છે કે આવતા વરસમાં કૉંગ્રેસના નરમ પક્ષના માણસો સમૂહતંત્રની યોજના બાબતમાં બ્રિટિશ સરકાર સાથે માંડવાળ કરે એવો સંભવ છે. આ સંજોગોમાં એ બહુ જ જરૂરનું છે કે આવતી કૉંગ્રેસનો પ્રમુખ એવો હવે જોઈએ જે પૂરા દિલથી સમૂહતંત્રનો વિરોધી હોય. આવો કોઈ બીજો ઉમેદવાર જડી આવે, દાખલા તરીકે આચાર્ય નરેન્દ્ર દેવ, તો મારે જ પ્રમુખ થવું એવો મને કાંઈ અભરખો નથી.”

ઉપરના નિવેદનના જવાબમાં સરદારે માત્ર પોતાની એકલાની સહીથી નીચેનું નિવેદન બહાર પાડ્યું:

“ સુભાષબાબુનું નિવેદન કાંઈક અજબ છે. હકીક્ત આ પ્રમાણે છે: ૧૯૨૦ પછી લગભગ દર વરસે કારોબારી સમિતિના કેટલાક સભ્યો કોને પ્રમુખ ચૂંટવા એની અવૈધ રીતે ચર્ચા કરે છે. જ્યારે ગાંધીજી કારોબારી સમિતિમાં હતા ત્યારે કોને પ્રમુખ ચૂંટવો એ બાબતમાં નામની ભલામણ કરીને તેઓ પોતે દોરવણી આપતા. પણ કૉંગ્રેસમાંથી નીકળી ગયા પછી તેઓ આવું કોઈ જાતનું નિવેદન બહાર પાડતા નથી. છતાં સભ્યો વ્યક્તિગત રીતે તેમ જ સામુદાયિક રીતે પસંદગીની બાબતમાં તેમની સલાહ લે છે. આ વરસે પણ મેં ઘણા સભ્યો સાથે આ બાબતમાં સલાહમસલત કરી છે. અમને દરેકને એમ લાગેલું કે આ વખતે પસંદ કરવા લાયક મૌલાનાસાહેબ જ છે. પણ અમે તેમને મનાવી શકયા નહી. બારડોલીમાં કારોબારી સમિતિની બેઠક હતી તે અઠવાડિયામાં ગાંધીજીએ મૌલાનાસાહેબને