આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩૨
સરદાર વલ્લભભાઈ

માફક તેમની પણ અસરકારક કામ કરવાની શક્તિ ઓછી થશે. મેં સુભાષબાબુને એ પ્રમાણે કહ્યું છે પણ ખરું.”

ગાંધીજીએ પણ સુભાષબાબુને તાર કરીને પોતાનો અભિપ્રાય જણાવેલ કે આ વરસે તેમણે પ્રમુખપદ માટે હરીફાઈ કરવી એ ઉચિત નથી. છતાં સુભાષબાબુ મક્કમ રહ્યા. તા. ૨૯મીએ ચૂંટણી થઈ. એમાં ડૉ. પટ્ટાભી કરતાં સુભાષબાબુને ૯૫ મત વધારે મળ્યા. ચૂંટણીનું પરિણામ બહાર પડ્યું એટલે ગાંધીજીએ આ ચૂંટણીને પોતાની અંગત હાર માની અને તા. ૩૧-૧-'૩૯ ના રોજ 'હરિજનબંધુ' માં 'મારી હાર' નામનો નીચે મુજબનો લેખ લખ્યો :

" શ્રી સુભાષબાબુએ તેમના હરીફ ડૉ. પટ્ટાભી સીતારામૈયા સામે સંગીન જીત મેળવી છે. મારે કબૂલ કરવું જોઈએ કે સુભાષબાબુ બીજે વરસે પણ ફરી વાર કૉંગ્રેસના પ્રમુખ નિમાય તેનો હું મૂળથી જ વિરુદ્ધ હતો. આ ચૂંટણીને અંગે સુભાષબાબુએ જે નિવેદન કાઢ્યાં છે તેમાં ૨જૂ કરેલી બીનાઓ તેમ જ દલીલો જોડે હું મળતો નથી થતો. મને લાગે છે કે પોતાના સાથીઓ સામે તેમણે કરેલા આક્ષેપ ગેરવાજબી અને અણછાજતા છે.

“ આમ છતાં સુભાષબાબુની જીતથી હું ખુશ થયો છું. જ્યારે મૌલાના સાહેબે પ્રમુખપદની ઉમેદવારી પાછી ખેંચી લીધી ત્યારે ડૉ. પટ્ટાભીને તેમની ઉમેદવારી પાછી ન ખેંચી લેવાનું સમજાવવામાં હું નિમિત્ત બન્યો હતો. તેથી આ હાર ડૉ. પટ્ટાભીની છે, તે કરતાં વધારે મારી છે. હું જો ચોક્કસ સિદ્ધાંત અને નીતિનો પ્રતિનિધિ ન હોઉંં તો હું કંઈ જ નથી. એટલે આ ચૂંટણીથી મને એ સ્પષ્ટ થયું છે કે જે સિદ્ધાંતો અને નીતિનો હિમાયતી છું તે કૉંગ્રેસના પ્રતિનિધિઓને માન્ય નથી. આ હારથી હું રાચું છું, કારણ આથી જે સલાહ છેલ્લી દિલ્હી ખાતેની કૉંગ્રેસ વેળાએ સભાત્યાગ કરી જનાર લધુમતીને મેં આપી હતી તેનો અમલ જાતે કરી બતાવવાની મને તક મળે છે. સુભાષબાબુ પણ પોતે જેને નરમ પક્ષ કહે છે તે પક્ષના સાથીઓની દયા ઉપર નભીને પ્રમુખ થવાને બદલે રસાકસીભરી ચૂંટણીમાં ચૂંટાઈને પ્રમુખ બન્યા છે એટલે હવે તેઓ પોતાને મનપસંદ અને પોતાના વિચારવાળી કારોબારી સમિતિ પસંદ કરી શકશે અને પોતાનો કાર્યક્રમ બિન રોકટોક અમલમાં મૂકી શકશે.

“ એક વાત તો બહુમતી તેમ જ લઘુમતી બેઉને માન્ય છે અને તે કૉંગ્રેસના તંત્રમાં પડેલ અંદરનો સડો સાફ કરવાની છે. 'હરિજન'માંનાં મારાં લખાણોએ બતાવી આપ્યું છે કે કૉંગ્રેસના તંત્રમાં જે સડો પેઠો છે અને જે એને જોશભેર કોરી રહ્યો છે તે એ છે કે આજે એનાં દફ્તર ઉપર પાર વિનાના ખાટા સભ્યો દાખલ થયેલા છે. છેલ્લા કેટલાક મહિનાઓ થયાં આ દફ્તરોને સાફ કરીને નવેસર તૈયાર કરાવવા હું સૂચવી રહ્યો છું. એ પ્રમાણે કરવામાં આવે તો મને શંકા નથી કે એવા ખોટા નોંધાયેલા સભ્યોના મતને જોરે આવેલા કેટલાયે પ્રતિનિધિઓ બાતલ થાય.