આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩૩
ત્રિપુરી કૉંગ્રેસ

"લધુમતીવાળાઓએ નાસીપાસ થવાનું કોઈ કારણ નથી. જો તેઓ કોંગ્રેસના ચાલુ કાર્યક્રમમાં પાકી આસ્થા ધરાવનારા હશે તો તેઓ જોશે કે એ કાર્યક્રમ ચલાવી શકાય એમ છે, પછી ભલે તેઓ બહુમતીમાં હોય કે લધુમતીમાં હોચ, કૉંગ્રેસની અંદર હોય કે કૉંગ્રેસની બહાર હોચ.

“ એક જ કાર્યક્રમ ઉપર આ ફેરફારની અસર કદાચ થાય, અને તે ધારાસભાઓ મારફતનો કાર્યક્રમ. હાલના પ્રધાનો તો અત્યાર લગીની બહુમતીવાળાઓએ પસંદ કરેલા છે. હાલની ધારાસભાઓનો કાર્યક્રમ પણ એમનો ઘડેલો છે. પણ ધારાસભાઓનો કાર્યક્રમ આખરે તો કૉંગ્રેસના કાર્ચક્રમમાં ગૌણ વસ્તુ છે.

“ અને સુભાષબાબુ પણ દેશના કંઈ શત્રુ નથી. દેશને ખાતર એમણે કષ્ટ સહન કર્યા છે. એમની માન્યતા મુજબ એમની નીતિ અને કાર્યક્રમ બહુ આગળપડતા અને હિંમતવાળા છે. લઘુમતીવાળ એમનો સંપૂર્ણ વિજય ઇચ્છે છે. જો એમનાથી એમની દોટે ન દોડી શકાય તો કૉંગ્રેસમાંથી બહાર નીકળે. દોડી શકે તો તેઓ બહુમતીને જોર આપે.

"કોઈ પણ હાલતમાં લધુમતીવાળા વિઘ્નનીતિ તો અખત્યાર ન જ કરે. જ્યાં તેઓ સાથ ન આપી શકે ત્યાં તેઓ અળગા રહે. બધા કૉંગ્રેસીઓ સમજી લે કે જેઓ કૉંગ્રેસ પ્રત્યે નિષ્ઠાવાળા હોવા છતાં સમજપૂર્વક તેની બહાર રહે છે, તે તેના સહુથી વધારે સાચા પ્રતિનિધિ છે. તેથી જેમને કૉંગ્રેસની અંદર રહેવું અરુચિકર લાગે તેઓ બહાર નીકળે, કડવાશથી નહીં પણ કૉંગ્રેસની વધુ સંગીન સેવા બજાવવાના નિશ્ચિત હેતુથી.”

ગાંધીજીના આ નિવેદનથી લોકોમાં, ખાસ કરીને કૉંગ્રેસના પ્રતિનિધિઓમાં, ખળભળાટ પેદા થયો. જેમણે સુભાષબાબુને માટે મત આપ્યા હતા તેઓ પણ વિમાસણમાં પડ્યા. ઘણાને લાગ્યું કે ગાંધીજીએ પોતાનો અભિપ્રાય ચુંટણી પહેલાં કેમ ન જણાવ્યો ? ગાંધીજીનું કહેવું એમ હતું કે સરદાર અને બીજા છ સભ્યાના નિવેદનમાં મારું વલણ સૂચવનારાં એક બે વાક્યો તો હતાં જ. અને પ્રતિનિધિઓ જો મારી નીતિને ટેકો આપવા માગતા હોત તો એટલું સુચન તેમને માટે બસ હતું. છતાં ગાંધીજીના નિવેદનની એટલી અસર તો થઈ કે, જોકે સુભાષબાબુ પ્રતિનિધિઓની બહુમતીથી ચૂંટાયા હતા છતાં, કૉંગ્રેસની મહાસમિતિમાં અથવા કૉંગ્રેસની ખુલ્લી બેઠકમાં તેમને બહુમતી મળશે કે કેમ એ શંકાસ્પદ બની ગયું.

કૉંગ્રેસમાં ઘણાં વરસથી એ રિવાજ ચાલતો આવેલ હતો કે કૉંગ્રેસના અધિવેશન પહેલાં કારોબારી સમિતિ મળીને વિષયવિચારિણી સમિતિ આગળ રજૂ કરવાના ઠરાવોના ખરડા તૈયાર કરી રાખે છે. પણ આ કારોબારી સમિતના મોટા ભાગના સભ્યો સુભાષબાબુના વિચારો સાથે મળતા નહોતા થતા, એટલે એમણે વિચાર્યું કે સુભાષબાબુ પોતાને અનુકુળ વિચારવાળા લોકો જોડે મળીને ઠરાવો ઘડે એ યોગ્ય છે, કેમ કે કૉંગ્રેસનો ભાર એમને