આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩૬
સરદાર વલ્લભભાઈ

પ્રદર્શન કર્યું તેની, આપના જ શબ્દો વાપરું તો, ગંધ હજી મારા નાકમાંથી જતી નથી. તેમણે રાષ્ટ્રપતિ અને એમના વિચારના માણસો સામે જે પ્રચાર ત્યાં ચલાવ્યો તે એકમ હલકટ અને દ્વેષ તથા ઝેરથી ભરેલો હતો. તેમાં સત્ય અને અહિંસાનો તો છાંટો પણ નહોતો. . . . જેઓ આપના સિદ્ધાંતોની વાતો કરે છે તેઓએ ત્રિપુરીમાં રાષ્ટ્રપતિના માર્ગમાં અડચણ નાખવા સિવાચ બીજું કશું કર્યું નથી. પોતાનો હેતુ સાધવા માટે તેમની માંદગીનો તેમણે પૂરેપૂરો અને હલકટમાં હલકટ ઉપયોગ કર્યો છે. જૂની કારોબારી સમિતિના કેટલાક સભ્યો તો એટલે સુધી અવિરત અને ઝેરી પ્રચાર કરતાં ચૂક્યા નથી કે રાષ્ટ્રપતિની માંદગી તો કેવળ ઢોંગ છે, એ તો રાજદ્વારી માંદગી છે. . . . તમારા આ પ્રતિનિધિઓને, તમારા નામનો, લાગવગનો અને પ્રતિષ્ઠાનો ટેકો મેળવીને, કૉંગ્રેસનું તંત્ર ચલાવવા દેવામાં આવશે તો તમારી જિંદગી પર્યત જ તેઓ તે ચલાવી શકવાના છે. તમે નહીંં હો ત્યારે લોકો એમને ક્ચાંચ ફેંકી દેશે. પ્રમુખની ચૂંટણી થયા બાદ ચૂંટણીના પરિણામને તમારા જાહેર નિવેદનમાં પોતાની હાર તરીકે તમે વર્ણવ્યું છે. મને કહેવા દો કે એ વર્ણન તદ્દન ખોટું છે. કારણ તમારી તરફેણમાં અથવા વિરુદ્ધ પોતાનો મત આપવાને પ્રતિનિધિઓને કહેવામાં આવ્યું જ નહોતું. હા, કૉંગ્રેસના મુખ્ય કરતાકારવતાઓ, જેના મુખ્ય સિતારા તરીકે સરદાર પટેલ ચમકી રહ્યા છે, તેમની એ હાર હતી ખરી. . . . દેશનું એ કમનસીબ છે કે તમારી તબિયત નરમ પડવા માંડી ત્યારથી તમે ઘણી બાબતોમાં જાતે માહિતી મેળવી શકતા નથી અને જે મંડળ તમારી આસપાસ વીંટળાયેલું રહે છે અને જે તમારા કાનફફોસિયાં કર્યા કરે છે તેના ઉપર અજાણતાં પણ વધુ ને વધુ પ્રમાણમાં તમારે આધાર રાખવો પડે છે. . . . ત્રિપુરીમાં કૉંગ્રેસના પ્રધાનોએ ખુલ્લંખુલ્લી રીતે પોતાની લાગવગ – નૈતિક તેમ જ ભૌતિક – એક પક્ષની તરફેણમાં વાપરી છે. ત્યાં જે છેવટનું પરિણામ આવ્યું છે તેનું સૌથી મોટું કારણ આ વસ્તુ જ છે. જો કૉંગ્રેસના ઉપર પ્રધાનોનું વર્ચસ રહેશે તો તેનો નતીજો એ આવવાનો છે કે કૉંગ્રેસ એક નવા સ્થાપિત હિતનો અવાજ કાઢનારી બની જશે અને તેની નીતિઓ અને કાર્ચક્રમો ઘડવામાં કશી સ્વતંત્રતા કે લોકશાહીપણું રહેશે નહીં.”

ગાંધીજીના કહેવાથી સરદારે આ કાગળનો ટુંકો જવાબ લખી આપ્યો. તેમાંથી કેટલાક મહત્વના ફકરા નીચે આપ્યા છે:

“ શરદબાબુનો કાગળ વાંચી મને બહુ આશ્ચર્ય ને દુ:ખ થયું છે. આવા ક્રોધયુક્ત અને ગાળથી ભરેલા કાગળનો શું જવાબ આપી શકાય ? કારોબારી સમિતિના જૂના સભ્યો ઉ૫૨ તેમણે એવો આક્ષેપ મૂક્યો છે કે તેમણે રાષ્ટ્રપતિની સામે દ્વેષયુક્ત અને ઝેરી પ્રચાર ચલાવ્યો. અમારામાંથી કોઈએ તેમની સામે આવો પ્રચાર ચલાવ્યો જ નથી. એટલે અમારે તેનો ઇનકાર કરવા ઉપરાંત બીજું કશું કહેવાનું રહેતું નથી. . . . રાષ્ટ્રપતિ જયારે ત્રિપુરી આવ્યા ત્યારે તેમની તબિચતની હાલત અમારામાંના કેટલાકે નજરે જોઈ છે. એટલે તેમની બીમારી એ ઢોંગ છે એવો પ્રચાર અમે કર્યો એમ કહેવું એ તદ્દન પાયા વિનાનું છે. આવી વાતોને તેમણે કેમ વજૂદ આપ્યું તેની જ મને નવાઈ લાગે છે. કોંગ્રેસના