આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩૯
ત્રિપુરી કૉંગ્રેસ

પ્રચાર કરવા માંડ્યો હતો કે તેમણે પોતાનાં પદોને ખોટો લાભ લઈ ને તથા પોતાની લાગવગના જોરે ત્રિપુરીવાળા ઠરાવ પસાર કરાવ્યા છે. આ પ્રચારમાં પ્રધાનમંડળના બીજા વિરોધીઓ પણ ભળ્યા હતા. એટલે પ્રધાનોને અપમાનિત કરવાની અને એમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની હિલચાલ શરૂ થઈ. એ હિલચાલને દાબી દેવા મુંબઈની મહાસમિતિમાં એવો ઠરાવ લાવવામાં આવ્યો કે કૉંગ્રેસની કે કૉંગ્રેસના પ્રધાનમંડળની પ્રતિષ્ઠાને આંચ આવે એવી જાતનું કશું કામ કોઈ કૉંગ્રેસીએ ન કરવું તથા એવા કામમાં સાથ પણ ન આપવો. સુભાષબાબુ તથા એમના અનુયાયીઓએ આ ઠરાવનો સખત વિરોધ કર્યો. પણ ઘણી ભારે બહુમતીથી એ ઠરાવ મહાસમિતિની બેઠકમાં પસાર થયો. ત્યાર પછી તો સુભાષબાબુએ એક નિવેદન બહાર પાડીને તા. ૯મી જુલાઈનો દિવસ આ ઠરાવના વિરોધ દિન તરીકે ઊજવવો એવી સૂચના પોતાના અનુયાયીઓને આપી. આવી રીતે કૉંગ્રેસની મહાસમિતિના ઠરાવની અવગણના ન કરવા રાજેન્દ્રબાબુએ પ્રમુખ તરીકે કાગળ લખીને સુભાષબાબુને સૂચના આપી. પણ પ્રમુખની વાત તેમણે માની નહીં અને વિરોધી દેખાવો ચાલુ રાખ્યા, એટલું જ નહી પણ પોતે જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં કૉંગ્રેસની વિરુદ્ધ જબરો પ્રચાર કરવા માંડ્યો. એટલે એમની સામે શિસ્તભંગનાં પગલાં લેવાની કૉંગ્રેસ કારોબારી સમિતિને ફરજ પડી. ઑગસ્ટના બીજા અઠવાડિયામાં કારોબારી સમિતિની તાકીદની બેઠક બોલાવવામાં આવી. તે પહેલાં પ્રમુખે કાગળ લખીને તમારી સામે શિસ્તનાં પગલાં શા માટે ન લેવાં એને ખુલાસો પુછાવ્યો. એના જવાબમાં સુભાષબાબુએ પોતે કરેલા કામનો બચાવ કર્યો. તેઓ કૉંગ્રેસની એક અગ્રગણ્ય વ્યક્તિ હતા. બે વાર તેઓ કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા હતા. વળી એમના ત્યાગ અને કષ્ટસહન માટે સૌને ઘણો આદર હતો. એટલે એમની સામે શિસ્તનું પગલું લેવાનું કારોબારી સમિતિના સભ્યોને જરાયે ગમતું નહોતું. પોતાના બચાવમાં એમણે કરેલી દલીલનો સાર એ નીકળતો હતો કે કૉંગ્રેસના દરેક સભ્યને કૉંગ્રેસના બંધારણનો પોતાને મનપસંદ અર્થ કરવાની છૂટ છે. આ વસ્તુ સ્વીકારવામાં આવે તો કૉંગ્રેસમાં અરાજકતા ફેલાય અને કૉંગ્રેસ તૂટી જાય. એટલે કારોબારી સમિતિએ બહુ જ દિલગીરી સાથે એમણે શિસ્તભંગ કર્યો છે એવો ઠરાવ કર્યો અને બંગાળની પ્રાંતિક સમિતિના પ્રમુખના હોદ્દા માટે તથા કૉંગ્રેસ કમિટી ઉપર કોઈ પણ ચૂંટાયેલા સ્થાને આવવાને માટે ત્રણ વરસ સુધી તેમને ગેરલાયક ઠરાવ્યા.

સુભાષબાબુ ઉપર જે કાંઈ નામનો અંકુશ હતો તે પણ આ ઠરાવ પછી જતો રહ્યો. તેમણે ‘ફૉરવર્ડ બ્લૉક' અગ્રગામી દળ નામનું મંડળ કાઢી કૉંગ્રેસની વિરુદ્ધ છડેચોક પ્રચાર કરવા માંડ્યો.