આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪૩
કૉંગ્રેસ વનવાસી બને છે

અંદર અંદર વહેચી લેવાનો બેત તેણે જ રચ્યો હતો. મિત્ર રાજ્યોએ એવું જાહેર કરેલું કે આ લડાઈ અમે નાનાં નાનાં રાજ્યની સ્વતંત્રતાને માટે લડીએ છીએ. પણ એમના મનમાં યુરોપનાં રાજ્યોની જ સ્વતંત્રતા હતી. એશિયા અને આફ્રિકાના દેશોને ઈંગ્લંડ પોતાની ચૂડમાંથી છોડવા માગતું નહોતું. લડાઈ પૂરી થયા પછી હિંદુસ્તાને સ્વતંત્રતા માટે સહેજ માથું ઊંચક્યું ત્યારે જલિયાંવાલા બાગની કતલ અને પંજાબના અમાનુષી અત્યાચારોથી તેનો જવાબ વાળવામાં આવ્યો હતો. આ બધી વસ્તુઓ કારોબારી સમિતિ ભૂલી શકે એમ નહોતું. એટલે તેનો વિચાર તો એ હતો કે કૉંગ્રેસે આ યુદ્ધમાં કોઇ ભાગ લેવો એ નક્કી કરતાં પહેલાં બ્રિટિશ સરકારને કહેવું કે તમારાં મીઠાં, મધુર વચનો જવા દો અને તમે આ યુદ્ધ કયા હેતુઓથી લડો છો એ સ્પષ્ટ ભાષામાં જાહેર કરો, અને એવી ભાષા કરતાં પણ તમારી જાહેરાતોને અમલમાં મૂકવા અત્યારે જ અમને કાંઈ નહીં તો અમારા આંતરિક કારભારમાં સ્વતંત્રતા આપો.

તરત જ કેંગ્રેસની કારોબારી સમિતિની બેઠક વર્ધામાં થઈ. ચાર દિવસ સુધી ખૂબ સલાહમસલત કર્યા પછી તેમણે તા. ૧૪મી સપ્ટેમ્બરે એક જાહેરનામું બહાર પાડ્યુંં. એનો મુસદ્દો પં. જવાહરલાલજીએ ઘડ્યો હતો. એ જાહેરનામું ઐતિહાસિક અગત્ય ધરાવતું હોઈ અને દુનિયાના રાજદ્વારી સાહિત્યમાં પણ મહત્ત્વના સ્થાનનું હોઈ શબ્દશ: નીચે આપ્યું છે :

“યુરોપમાં યુદ્ધ જાહેર થવાથી જે ગંભીર અને વિષમ પરિસ્થિતિ ઊભી થઈ છે તેના ઉપર કારોબારી સમિતિએ બહુ કાળજીપૂર્વક વિચાર કર્યો છે. યુદ્ધ થાય તો આપણા રાષ્ટ્રે કચા સિદ્ધાંતને અનુસરવું એ કૉંગ્રેસે ફરી ફરીને બતાવ્યું છે. એક મહિના પહેલાં જ આ સમિતિએ તેનો પુનરુચ્ચાર કર્યો છે, અને હિન્દુસ્તાનમાંની બ્રિટિશ સરકારે કરેલા હિન્દી લોકમતના અનાદરની સામે નાપસંદગી દર્શાવી છે.

"બ્રિટિશ સરકારની આ નીતિથી વિખૂટા પડવાના પ્રથમ પગથિચા તરીકે આ સમિતિએ વડી ધારાસભાના કૉંગ્રેસી સભ્યોને આવતી બેઠકમાં હાજર ન રહેવાનું ફરમાન કર્યું હતું. ત્યાર પછી બ્રિટિશ સરકારે હિન્દુરતાનને યુદ્ધમાં ઊતરેલો દેશ જાહેર કર્યો છે, ઑર્ડિનન્સો કાઢ્યા છે, રાજયબંધારણના કાયદામાં ફેરફાર કરનારો ખરડો પસાર કર્યો છે, અને બીજાં દુરવર્તી પરિણામવાળાં પગલાં ભર્યાં છે, જેનાથી પ્રાંતિક સરકારની સત્તાઓ અને પ્રવૃત્તિઓ સંકુચિત અને મર્યાદિત બની છે. તેની હિન્દીઓની ઉપર માર્મિક અસર થઈ છે.

“ આ બધું હિંદી પ્રજાની સંમતિ વિના કરવામાં આવ્યું છે. આ બાબતમાં પ્રજાની જાહેર કરેલી ઇચ્છાઓની બ્રિટિશ સરકારે ઇરાદાપૂર્વક ઉપેક્ષા કરેલી છે. આ બધા બનાવો કારોબારી સમિતિને અતિશય ગંભીર લાગ્યા વિના રહે તેમ નથી.