આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪૫
કૉંગ્રેસ વનવાસી બને છે

-જેમણે પોતે આપેલાં વચન તોડ્યાં અને પરાજિત રાષ્ટ્રો પર સામ્રાજયશાહીં સુલેહ પરાણે ઠોકી બેસાડી - તેએા છેક જ નિષ્ફળ નીવડ્યા છે. એ તહનામાનું જે એક જ આશાજનક પરિણામ - રાષ્ટ્રસંઘ — હતું, તેને તેના જનેતા રાષ્ટ્રોએ જ શરૂઆતમાં મોઢે ડૂચો મારી ગળે ફાંસો દીધો અને પાછળથી એના પ્રાણ હર્યા.

“ ત્યાર પછીના ઇતિહાસે ફરી વાર બતાવી આપ્યું છે કે, ઉપર ઉપરથી જોતાં જિગરમાંથી નીકળતી શ્રદ્ધાની જાહેરાત કરેલી હોવા છતાં, પાછળથી નામોશીભરી રીતે પાછીપાની કરવામાં આવે છે. મંચુરિયામાં બ્રિટિશ સરકારે આક્રમણ પ્રત્યે આંખમીચામણાં કર્યાં, એબિસિનિચા ઉપરના બળાત્કારમાં સંમતિ આપી, ચેકોસ્લેવેકિયા અને સ્પેનમાં લોકશાસન જોખમમાં હતું ત્યારે એને ઇરાદાપૂર્વક દગો દેવામાં આવ્યો, અને સંયુક્ત સલામતીની આખી પદ્ધતિને વિષે જેઓએ અગાઉ પોતાની દઢ શ્રદ્ધા જાહેર કરી હતી તેમણે જ અંદરથી એને સુરગ ચાંપી.

“ એમ કહેવામાં આવે છે કે અત્યારે લોકશાસન ભચમાં આવી પડ્યું છે અને તેની રક્ષા કરવી જોઈએ. એ વાતમાં આ સમિતિ પૂરેપૂરી સંમત છે. સમિતિ માને છે કે પશ્ચિમની પ્રજાઓ આ આદર્શ અને હેતુથી પ્રેરાયેલી છે, અને તેને સારુ બલિદાન આપવા તૈયાર છે. પણ બીજી પ્રજાએાના અને જેમણે એ લડતમાં ભોગો આપેલા છે તેમના આદર્શો અને ભાવનાઓની ફરી ફરીને ઉપેક્ષા કરવામાં આવી છે ને તેમને આપેલા વચન પાળવામાં આવ્યાં નથી.

"આ લડાઈ જો સામ્રાજ્યોયે કબજે રાખેલા મુલકો, વસાહતો, પ્રસ્થાપિત હક્કો ને અધિકારો છે તેમના તેમ કાચમ જાળવી રાખવા માટે હોચ, તો હિંદુસ્તાનને તેની સાથે કશી નિસ્બત હોઈ શકે નહીં. પણ જો લોકશાસન અને લોકશાસન ઉપર સ્થપાયેલી જગતની વ્યવસ્થા એ લડાઈનો હેતુ હોય તે હિંદુસ્તાનને એમાં બહુ જ ઊંડૉ રસ છે. આ સમિતિની ખાતરી છે કે હિંદી લોકતંત્રનો સ્વાર્થ બ્રિટિશ લોકતંત્રના અથવા જગતના કોઈ લોકતંત્રના સ્વાર્થનો વિરોધી નથી.

"પણ હિંદુસ્તાન માટેના તેમ જ બીજેનાં લોકશાસન અને સામ્રાજ્યવાદ અને ફાસીઝમ વચ્ચે સ્વભાવગત અને ન ભૂંસી શકાય એવો વિરોધ છે. ગ્રેટબ્રિટન જો લોકશાસનની રક્ષા અને પ્રચાર માટે લડતું હોય તો તેણે પોતાના તાબાના મુલકોમાં સામ્રાજ્યશાહીનો અંત ખસૂસ આણવો જોઈએ, અને હિંદુસ્તાનમાં સંપૂર્ણ લોકશાસન સ્થાપવું જોઈએ. હિંદી પ્રજાને આત્મનિર્યણનો હક, બહારની દખલ વિના લોકપ્રતિનિધિ સભા મારફતે પોતાનું બંધારણ ઘડવાનો હક અને પોતાની રાજ્યનીતિ નક્કી કરવાનો હક હોવો જોઈએ. સ્વતંત્ર અને લોકશાસનવાળું હિંદુસ્તાન બીજી સ્વતંત્ર પ્રજાઓ સાથે પરસ્પર રક્ષણ અને આર્થિક સહકાર માટે ખુશીથી જોડાશે, સ્વતંત્રતા અને લોકશાસન પર રચાયેલી સાચી જગત વ્યવસ્થાની સ્થાપના માટે અને માનવજાતિની પ્રગતિ અને વિકાસને માટે જગતના જ્ઞાન અને સાધનસામગ્રીનો ઉપયોગ કરવામાં અમે જરૂ૨ સાથ આપીશું.

"યુરોપમાં જે વિષમ પ્રસંગ ઊભો થયો છે તે એકલા યુરોપનો નથી, પણ માનવજાતિનો છે. બીજા વિષમ પ્રસંગો કે વિગ્રહોની પેઠે તે જગતના અત્યારના મૂળભૂત મંડાણને અકબંધ રહેવા દઈને પસાર થઈ જાય એમ નથી. તેથી