આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪૮
સરદાર વલ્લભભાઈ

યુદ્ધનું અને માનવી અધ:પાતનું કારણ છે – તેને ટકાવી રાખવાને સારુ લડવામાં આવે તો તે ભારે કરુણ ધટના થઈ પડશે.

“કારોબારી સમિતિ જાહેર કરવા ઇચ્છે છે કે જર્મન પ્રજા કે જાપાની પ્રજા કે બીજી કોઈ પણ પ્રજા જોડે હિન્દી પ્રજાને કજિયો નથી. પણ જે રાજ્યો બીજાંને સ્વતંત્રતા આપતાં નથી અને જેની રચના હિંસા તથા આક્રમણના પાયા ઉપર થયેલી છે તેની સામે ખસૂસ તેને ભારે કજિયો છે. હિન્દી પ્રજાની મનીષા એક પ્રજાનો બીજી ઉપર વિજય થાય અથવા તો કોઈ ને પણ બળજબરીથી સુલેહ સ્વીકારવી પડે એ જોવાની નથી. પણ સર્વ દેશની સર્વ પ્રજાઓ માટેના સાચા લોકશાસનનો વિજય થાય અને જગત હિંંસા અને સામ્રાજ્યવાદી જુલમના ઓથારમાંથી મુક્ત થાય એ જોવાની છે.

“ સમિતિ હિન્દી પ્રજાને હૃદયપૂર્વક વીનવે છે કે સર્વે આંતરિક કલહો અને ચર્ચાઓને તે બંધ પાડે અને આ આપત્તિની ભીષણ ઘડીએ એક અને અખંડ એવી પ્રજા તરીકે સુસજ્જ થાય, આંતરિક ઐક્ચને ટકાવી રાખે અને શાંતિપૂર્વક જગતની વિશાળ સ્વતંત્રતામાં હિંદુસ્તાનની સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના નિશ્ચયમાં અડગ રહે.”

આ જાહેરનામા ઉપર ગાંધીજીએ તા. ૧૫-૯-'૩૯ના રોજ 'હરિજન'માં નીચેનો લેખ લખ્યો :

"દુનિયામાં ફાટી નીકળેલા મહાયુદ્ધને અંગે કૉંગ્રેસની કારોબારી સમિતિએ કાઢેલું જાહેરનામું ચર્ચાતાં અને તેના છેલ્લા સ્વરૂપમાં તૈયાર થતાં ચાર દિવસ લાગ્યા. રજૂ થયેલા મુસદ્દા ઉપર દરેક સભ્યે પોતાનો અભિપ્રાય પૂરેપૂરી છૂટથી દર્શાવ્યો હતો. સમિતિની માગણીથી ૫ં. જવાહરલાલે મુસદ્દો તૈયાર કર્યો હતો. આજના મામલામાં બ્રિટનને જે કંઈ ટેકો આપવાનો હોય તે વગર શરતે અપાવો જોઈએ એવું સૂચવનારમાં હું એકલો જ હતો એ જોઈ હું દિલગીર થયો. આ બિનશરતી ટેકો શુદ્ધ અહિંંસાની ભૂમિકા ઉપર જ હોઈ શકે, પણ સમિતિને ભારે જવાબદારી અદા કરવાની હતી. તેનાથી નવું નિર્ભેળ અહિંંસક વલણ લઈ શકાય તેમ નહોતું. તેને લાગતું હતું કે વિરોધીની મુશ્કેલીનો લાભ લેવામાં હીણપત માને એટલે સુધીની અહિંસા પ્રજાએ હજુ પચાવી નથી. આમ છતાં પોતાના નિર્ણયનાં કારણો આપતાં સમિતિએ અંગ્રેજ પ્રજાનો વધુમાં વધુ ખ્યાલ રાખવા ઈંતેજારી રાખી છે.

“મુસદ્દો ઘડનાર જવાહરલાલજી એક આબાદ કલાકાર છે. કોઈ પણ સ્વરૂપની કે પ્રકારની સામ્રાજ્યશાહી સામેના વિરોધમાં કોઇ તેમની સરસાઈ કરી શકે તેમ નથી. છતાં તેઓ અંગ્રેજ પ્રજાના મિત્ર છે. પોતાના વિચારોમાં અને ઘડતરમાં ખરું જોતાં તેઓ હિન્દુસ્તાની કરતાં અંગ્રેજ જ વિશેષ છે. ઘણી વાર પોતાના દેશબંધુઓના કરતાં અંગ્રેજો જોડે જ તેમને વધુ ફાવટ આવે છે. વળી તેઓ ભૂતદયા અને માનવતાના એવા તો પ્રેમી છે કે પૃથ્વીના પડ ઉપર કોઈ ૫ણ જગ્યાએ થતા અન્યાય કે દુષ્કૃત્ય તેમને અસ્વસ્થ કરે છે. તેથી જ ઉત્કટ રાષ્ટ્રવાદી હોવા છતાં તેમની રાષ્ટ્રીયતા ઓજસ્વી આંતરરાષ્ટ્રીયતાથી દીપી નીકળે છે. તેથી આ એક એવું જાહેરનામું છે જે તેમણે માત્ર પોતાના