આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪૯
કૉંગ્રેસ વનવાસી બને છે

દેશવાસીઓને જ ઉદ્દેશીને નહી, બ્રિટિશ સરકારને કે બ્રિટિશ પ્રજાને જ ઉદેશીને નહીં પણ દુનિયાની તમામ પ્રજાને ઉદ્દેશીને ઘડ્યું છે. હિન્દુસ્તાનની પેઠે જે પ્રજાઓ બીજી પ્રજાને હાથે શોષાઈ રહી છે તે તમામ પ્રજાઓ તેમાં આવી જાય છે.

“ આ જાહેરનામું મંજૂર કરવાની સાથે સાથે જ કારોબારીએ ૫. જવાહરલાલજીની પસંદગીનું એક પેટામંડળ પણ નીમ્યું (તેમાં જવાહરલાલજી ઉપરાંત મૌલાના અબુલ કલામ આઝાદ તથા સરદાર હતા ), અને તેના અધ્યક્ષની જગ્યાએ તેમની નિમણુક કરી. આ પેટામંડળ રોજબરોજ ઊભી થતી પરિસ્થિતિને અનુસરીને કામ કરશે.

"મને આશા છે કે કારોબારીના આ જાહેરનામાને કૉંગ્રેસીઓનાં તમામ જૂથોનો એકમતે ટેકો મળશે. ઉદ્દામમાં ઉદ્દામ કૉંગ્રેસીને પણ એમાં બળનો અભાવ નહીં દેખાય. પ્રજાના ઇતિહાસમાં આવી અણીને પ્રસંગે કદમ ઉઠાવવાની જરૂર પડે તો તેમ કરવાને સારુ બળની ઉણપ નહીં આવે એમ દરેક કૉંગ્રેસીને લાગવું જોઈએ. અત્યારે કૉંગ્રેસવાદીઓ નજીવા કજિયાકંકાસ કે પક્ષાપક્ષીના ઝઘડાઓમાં ઊતરી પડે છે તે એક મહા દુ:ખદ અને કરુણ ઘટના થઈ પડે. કારોબારીના આ પગલાથી જે કશું મોટું અથવા કીંમતી પરિણામ આવવાનું હોય તો તે એકેએક કૉંગ્રેસીની એકનિષ્ઠા અને અસંદિગ્ધ વફાદારીથી જ આવી શકે. હું તો એવી પણ આશા સેવી રહ્યો છું કે બ્રિટિશ સરકાર તરફથી તેમની નીતિની રપષ્ટ જાહેરાતની અને તેવી જાહેરાતને અનુરૂપ અત્યારની લડાઈની પરિસ્થિતિ વચ્ચે શક્ય હોય તેટલે અંશે પ્રત્યક્ષ અમલની માગણીમાં બીજા બધા રાજદ્વારી પક્ષો અને કોમો પણ કારોબારીની સાથે જોડાશે. ભારતવર્ષની બલકે બ્રિટિશ તાજ હેઠળના બીજા બધા દેશની પ્રજાને સ્વતંત્ર અને આઝાદ પ્રજાઓને નાતે આજે સ્વીકાર કરવો એ જ બ્રિટનને સારુ તેણે આજ સુધી કરેલા લોકશાસનના દાવાઓનું સ્વાભાવિક પરિણામ મને તો લાગે છે. આથી જરાયે ઓછો અર્થ આ લડાઈ પરત્વે જો કદી કરવામાં આવશે તો પરતંત્ર દેશો તરફનો સહકાર કદી પ્રામાણિક અને સ્વ્વેચ્છાપૂર્વકનો નહીં હોઈ શકે, સિવાય કે તે નિર્ભેળ અહિંસાની ભૂમિકા ઉપર અપાયો હોય

“ અત્યારે ખરી જરૂ૨ તો બ્રિટિશ મુસદીઓની મનોદશામાં સંપૂર્ણ પલટાની છે. એથીયે વધુ સ્પષ્ટ ભાષામાં કહીએ તો લડાઈના આરંભ વખતે બ્રિટિશ મુત્સદ્દીઓએ કરેલી અને અત્યારે ઇંગ્લંડના વ્યાખ્યાનમા ઉપરથી ફરી ફરીને ઉચ્ચારાતી લોકશાસનની જાહેરાતને પૂર્ણ કરવા માટેની પ્રામાણિક અમલ બજાવણી એ ખાસ જરૂરી છે. આ લડાઈમાં નાખુશ હિંદુસ્તાનને તેની નામરજી છતાં ઇંગ્લડ પરાણે યુદ્ધમાં ઘસડશે ? કે સાચા લોકશાસનની રક્ષાના કાર્યમાં એક રાજીખુશીના મદદનીશ મિત્ર તરીકે સહકાર આપતું જોવા ઇચ્છશે ? કૉંગ્રેસની આવી મદદ ઈંગ્લડ અને ફ્રાંસને પક્ષે મોટામાં મોટાં નૈતિક બળ તરીકે લેખાશે. કારણ કૉંગ્રેસ પાસે સિપાઈઓ નથી. કૉંગ્રેસ હિંસાથી નહીંં પણ અહિંસાના શસ્ત્રથી લડનારી સંસ્થા છે. પછી તે અહિંસા ગમે તેટલી અપૂર્ણ અને ગમે તેટલી બેઢંગ હો.”