આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫૦
સરદાર વલ્લભભાઈ


આ વખત બહુ કટોકટીનો હતો અને કૉંગ્રેસનો કોઈ જવાબદાર માણસ કાંઈ પણ બોલે અથવા કરે તેમાંથી અનર્થ થવાનો ભય હતો. એટલે નવી નિમાયેલી યુદ્ધ સમિતિએ બધી પ્રાંતિક સમિતિઓને પરિપત્ર મોકલી સુચના આપી કે કોઈએ વ્યક્તિગત રીતે કશું ઉતાવળું પગલું ભરવાનું નથી કે ઉતાવળે કશું બોલી નાખવાનું નથી, જેથી વખત પાક્યા પહેલાં કોઈ પણ જાતની પરિસ્થિતિ ઊભી ન થાય.

ર૬ મી સપ્ટેમ્બરે ઉમરાવની સભા (હાઉસ ઓફ લોર્ડ્સ )માં હિંદની પરિસ્થિતિ વિષે ચર્ચા થઈ. હિંદી વજીર ( સેક્રેટરી ઑફ સ્ટેટ ફૉર ઇંડિયા) લોર્ડ ઝેટલૅન્ડે ભાષણ કર્યું તેમાં હિંદુસ્તાનના જુદા જુદા વર્ગના લોકો સરકારને જે મદદ કરી રહ્યા છે તેની કદર કરી તેમણે કહ્યું :

"દેશી રાજાઓ માણસોની તથા પૈસાની મદદ આપી રહ્યા છે અને તેમણે પોતાની અંગત સેવાઓ આપવાની પણ તૈયારી બતાવી છે. પંજાબ અને બંગાળના વડા પ્રધાનોએ (ત્યાં કૉંગ્રેસી પ્રધાનમંડળો નહોતાં) બિનશરતે મદદ આપવાનાં વચન આપ્યાં છે. માત્ર હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસને અમુક બાંયધરીઓ ન મળે તો યુદ્ધમાં સહકાર આપવાની મુશ્કેલી લાગે છે. એમની માગણીઓ સ્વાભાવિક છે, પણ બ્રિટન જીવનમરણના સંગ્રામમાં રોકાયેલું છે ત્યારે કૉંગ્રેસે બ્રિટિશ ઇરાદાઓની સ્પષ્ટ જાહેરાત માગવી એ કવખતનું છે. કૉંગ્રેસના નેતાઓની દેશભક્તિની હું કદર કરું છું. પણ વ્યાવહારિક મુશ્કેલીઓનો તેઓ ખ્યાલ રાખતા નથી અને પૃથ્વી ઉપર સીધું જોઈ ચાલવાને બદલે તારાઓ સામે નજર રાખી આકાશમાં અધ્ધર ઊડે છે. બ્રિટિશ સ્વભાવ એવો છે કે આબરૂભર્યા અને પ્રસંગોચિત વર્તનની તેઓ કદર કરી શકે છે. પણ પોતાની માગણીઓને માટે તેમણે આ ખોટો વખત પસંદ કર્યો છે.”

ગાંધીજીએ આનો જવાબ આપતાં કહ્યું કે,

“યુદ્ધહેતુઓની જાહેરાતની માગણી કરવામાં કૉંગ્રેસે કશું વિચિત્ર કે ગેરઆબરૂ ભર્યું કર્યું નથી. આઝાદ હિદની મદદની જ કિંમત હોઈ શકે અને કૉંગ્રેસને એટલું જાણવાનો હક છે કે તે પ્રજાની પાસે જઈને તેને કહી શકે કે લડાઈને અંતે સ્વતંત્ર દેશ તરીકેનો દરજજો હિંદને બ્રિટનના જેટલો જ અચૂક મળવાનો છે. અંગ્રેજોના મિત્ર તરીકે હું અંગ્રેજ મુત્સદ્દીઓને વીનવું છું કે તેઓ સામ્રાજ્યવાદીઓની જૂની ભાષા ભૂલી જાય અને જે પ્રજાઓ તેમની બેડીમાં જકડાયેલી છે તે સૌને માટે નવું પાનું શરૂ કરે.”

યુદ્ધ સમિતિના પ્રમુખ તરીકે જવાહરલાલે જે જવાબ આપ્યો તેમાં જણાવ્યું કે, કારોબારી સમિતિના જાહેરનામાની પાછળ ખ્યાલ તો એ છે કે તે કેવળ હિંદુસ્તાનને માટે નથી, પણ દુનિયાની એના જેવી બીજી ઘણી પ્રજાઓને માટે છે. તેનો હેતુ તો માનવતાના હતાશ થયેલા હૃદયમાં નવી આશાનો સંચાર કરવાનો છે. લૉડ ઝેટલૅન્ડ મૃત ભૂતકાળની ભાષામાં બોલે છે. વીસ વર્ષ પહેલાં