આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫૧
કૉંગ્રેસ વનવાસી બને છે

આવું ભાષણ તેઓ કરી શકતા હતા. અમે જે માગણી રજૂ કરી છે તે બજારુ વૃત્તિથી નથી કરી. જગતની પ્રજાઓના સ્વાતંત્ર્યની અમને ખાતરી મળવી જોઈએ અને સ્વતંત્ર જગતના ચિત્રપટ ઉપર હિંદુસ્તાનનું અમને દર્શન થવું જોઈએ. તો જ આ યુદ્ધનો અમારે માટે કાંઈ પણ અર્થ હોઈ શકે. અમને લાગવું જોઈએ કે અમે જે કષ્ટો ભોગવવા અને દુ:ખ સહન કરવા તૈયાર થઈએ તે કેવળ અમારે માટે જ નહીં પણ જગતની સર્વે પ્રજાઓ માટે યોગ્ય વસ્તુ છે. અમારા જેવા આદર્શો ઘણા બ્રિટિશ લોકોના પણ છે એમ મને લાગે છે તેથી જ એ આદર્શોની સિદ્ધિને અર્થે સહકાર આપવા અમે તૈયાર થઈએ છીએ. પણ જો આવા આદર્શો હસ્તી જ ન ધરાવતા હોય તો શાને માટે લડવું ? આ હેતુઓ જાહેર રીતે સ્વીકારવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે તો સ્વતંત્ર હિંદ રાજીખુશીથી પોતાનું વજન એ આદર્શોની તરફેણમાં નાખશે.”

પછી વાઈસરૉયે મુલાકાત આપવા માંડી. પહેલાં તેઓ ગાંધીજીને મળ્યા, પછી રાજેન્દ્રબાબુને અને જનાબ ઝીણાને મળ્યા. પછી જવાહરલાલને, સુભાષબાબુને તથા રાજાઓના મંડળના પ્રમુખને મળ્યા. ત્યાર પછી બધી કોમના અને હિતોના પ્રતિનિધિઓને મુલાકાત માટે બોલાવ્યા. દરેકને શું કહેવું છે અને તેમની શી માગણી છે તે વાઈસરૉય નોંધી લેતા. વાઈસરૉયના શબ્દોમાં બાવન કરતાં વધુ વ્યક્તિઓને મળ્યા પછી સત્તરમી ઓકટોબરે તેમણે બીજું જાહેરનામું કાઢ્યું. દરમ્યાન ઓકટોબરની નવમી તથા દસમી તારીખે કૉંગ્રેસ મહાસમિતિની બેઠક થઈ. તેણે કારોબારી સમિતિએ કાઢેલા જાહેરનામાને બહાલી આપી. વાઈસરૉયે પોતાના જાહેરનામામાં યુદ્ધહેતુઓ વિષે જણાવ્યું કે,

"નામદાર શહેનશાહની સરકારે પોતે જ આ યુદ્ધ લડવામાં તેના ઉદ્દેશો શા છે તેની વિગતે ચોક્સાઈથી નક્કી કરી નથી. યુદ્ધમાં આગળ ઉ૫૨ આવી સ્પષ્ટતા થઈ શકે. અને જ્યારે થાય ત્યારે પણ તે મિત્ર રાજ્યોમાંના એકના હેતુઓનું જાહેરનામું ન હોઈ શકે. યુદ્ધ પૂરું થતાં પહેલાં તો દુનિયામાં અને આપણી સામે જે પરિસ્થિતિ છે તેમાં ઘણા ફેરફારો થયા હશે. અત્યારે તો એટલું જ કહી શકાય કે દુનિયા આગળ જે પ્રશ્નો આવી પડેલા છે તેનો નિકાલ કેવળ યુદ્ધથી જ લાવવો ન પડે એવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પેદા કરવી એ એને સર્વ સામાન્ય ઉદ્દેશ છે. ”

વાઈસરૉયે બીજી એ વાત કહી કે.

"૧૯૩૫ના ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍકટ પ્રમાણે જે સમૂહતંત્રની રચના કરવાની છે તેમાં યુદ્ધને અંતે યોગ્ય ફેરફાર થઈ શકશે. તે માટે જુદી જુદી કોમોનાના, પક્ષોના તથા હિતસંબંધ ધરાવનારાના તથા દેશી રાજાઓના પ્રતિનિધિઓ સાથે સલાહ મસલત ક૨વામાં આવશે. જેથી કરીને કેવા ફેરફારો કરવા ઇષ્ટ છે તે નક્કી કરવામાં તેમની મદદ ને સહકાર મળી શકે. આ ફેરફારો કરવામાં લધુમતીઓનાં હિત અને વિચારોને પૂરતું વજન આપવામાં આવશે."