આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫૨
સરદાર વલ્લભભાઈ


લઘુમતી કોમો અને દેશી રાજાઓ ઉપરાંત હિન્દુસ્તાનમાં વેપારી અને ઔદ્યોગિક હિતસંબંધ ધરાવતી યુરોપિયન પેઢીઓને પણ તેમણે લઘુમતીમાં ગણી. વળી યુદ્ધ સંચાલનમાં હિન્દી લોકમતના સંસર્ગમાં રહી શકાય એટલા માટે જેમની સાથે સલાહ મસલત થઈ શકે એવું એક મંડળ સ્થાપવાની પણ તેમણે વાત કરી. જોકે આવું સત્તા વિનાનું મંડળ પણ છેક ૧૯૪૧ના જુલાઈમાં હસ્તીમાં આવ્યું.

રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુએ વાઈસરોયના આ જાહેરનામાને અત્યંત નિરાશાજનક છતાં જરાયે આશ્ચર્ય પમાડે નહીં એવું કહ્યું. યુદ્ધ સમિતિના પ્રમુખ તરીકે જવાહરલાલે કહ્યું કે આ જાહેરનામું તો હિન્દુસ્તાન રાષ્ટ્રીય રીતે અને આંતરરાષ્ટ્રીય રીતે જે સિદ્ધાંતોની હિમાયત કરે છે તેના પૂરેપૂરા ઈન્કાર સમાન છે. ગાંધીજીએ કહ્યું કે,

“ આના કરતાં તો બ્રિટિશ સરકારે કશી જ જાહેરાત કરવા ના પાડી હોત તો એ બહેતર ગણાત, ના. વાઈસરૉયનું લાંબુ જાહેરનામું બતાવે છે કે આપણામાં કુસંપ કરાવીને રાજ કરવાની જૂની ભેદનીતિ જ ચાલુ રહેવાની છે. હું જોઈ શકું છું ત્યાં સુધી આવી નીતિના અમલમાં કૉંગ્રેસ કદી ભાગીદાર નહીં થાય. ના. વાઈસરૉયે કરેલું જાહેરનામું સ્પષ્ટપણે જણાવે છે કે બ્રિટનનું ચાલશે ત્યાં સુધી હિન્દમાં પ્રજાશાસન સ્થાપવાનું તે અટકાવશે. લડાઈ પૂરી થયે બીજી એક ગાળમેજી પરિષદ ભરવાનું જાહેરનામામાં વચન આપવામાં આવ્યું છે. અગાઉની ગોળમેજી પરિષદોની પેઠે એ પણ નિષ્ફળ જ થવાની. કૉંગ્રેસે રોટલો માગ્યો. જવાબમાં એને પથરો મળે છે. પણ હું નામદાર વાઈસરૉયને કે બ્રિટનના આગેવાનોને દોષ દેતો નથી. કૉંગ્રેસે વળી પાછું વનવાસે નીકળવું રહ્યું છે. એવો વનવાસ વેઠ્યા પછી જ એના ધ્યેયને પહોંચવાને સારુ જરૂરી બળ અને શુદ્ધતા એનામાં આવશે. ”

આ જાહેરનામા પછી એંગ્લો-ઈંડિયન અને વિલાયતનાં છાપાં કૉંગ્રેસનો દોષ કાઢવા મંડી પડ્યાં. તેઓ કહેવા લાગ્યાં કે આટલી બધી લઘુમતીઓનાં હિત સાચવ્યા સિવાય કૉંગ્રેસની માગણીઓને શી રીતે સંતોષી શકાય ? વળી ગાંધીજી ઉપર પણ તેઓ એવા આક્ષેપ કરવા લાગ્યાં કે ગાંધીજી બિનશરતે મદદ આપવાનું કહીને હવે ફરી જાય છે. ગાંધીજીએ એનો જવાબ આપ્યો કે,

“ મારાં કથનમાં મેળ નથી અથવા મારાં પહેલાં બયાનમાં ઇંગ્લંડ અને ફ્રાન્સ પ્રત્યે મેં સહાનુભૂતિ પ્રદર્શિત કરી હતી તેમાંથી હું ચાતરી ગયો છું એમ કહેલું સાચું નથી. મારો જે મત અગાઉ હતો તે જ હજી કાયમ છે. પણ હવે જ્યારે આ સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો છે ત્યારે હું ઇંગ્લંડ પાસેથી એવી અપેક્ષા રાખું છું ખરો કે તેણે એ સવાલનો સંતોષકારક જવાબ દેવો ઘટે છે. મેં કૉંગ્રેસને સલાહ આપેલી તેનો અર્થ એ નથી કે હિન્દુસ્તાને પોતાની