આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૨
સરદાર વલ્લભભાઈ

“તાત્કાલિક આવી વ્યવસ્થા કરવામાં આવે અને યુદ્ધ પૂરું થયા પછી પણ પૂર્ણ સ્વરાજ્ય આપવામાં આવશે એવું વચન આપવામાં આવે, તો હું ખાતરીપૂર્વક માનું છું કે દુનિયામાં સ્વતંત્રતા અને પ્રજાશાહી સ્થાપવાના આપણા પ્રયત્નમાં આપણને હિન્દુસ્તાનના લોકોનો હૃદયપૂર્વકનો સહકાર મળશે. આપણી આવી જાહેરાતથી આપણે બ્રિટિશ હિંદનું દિલ જીતી લઈ શકીશું એટલું જ નહીં પણ હું માનું છું કે આપણા આવા પગલાને એક મહાન અને સાચા પ્રજાતંત્રવાદી લોકોના એક મહાન કૃત્ય તરીકે આખી દુનિયા વધાવી લેશે.”

ત્યાર પછી યુનાઈટેડ પ્રેસને મુલાકાત આપતાં સર સ્ટૅફર્ડે જણાવ્યું હતું કે,

“કૉંગ્રેસની માગણી એ રાષ્ટ્રીય માગણી છે. તેમાં સઘળા લોકમતો આવી જાય છે. આમજનતાનું તે એક જાહેરનામું છે. છતાં ભય એ રહે છે કે બ્રિટિશ સરકાર આ પ્રકારના જાહેરનામાની અવગણના કરશે. તેનું પરિણામ એ આવશે કે સવિનય કાયદાભંગને આપણે ઉત્તેજન આપીશું. કૉંગ્રેસ માને છે કે તેની માગણીના ટેકામાં આખી આમજનતાનું નૈતિક બળ રહેલું છે. આજે કૉંગ્રેસ તરફથી હાકલ થાય એની જ ઘણા હિંદી તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તેમની અપેક્ષા એવી છે કે કૉંગ્રેસ નેતૃત્વ લે. જનાબ ઝીણાની હિંદુસ્તાનના ભાગલા પાડવાની યોજના આમજનતાને પસંદ નથી. વળી એ પણ હકીકત છે કે ઘણા હિંદીઓ માને છે કે હિંંસાથી આ ચળવળને નુકસાન પહોંચે એમ છે. હિંદુસ્તાનના મારા પ્રવાસ દરમ્યાન હું જુદા જુદા અનેક વર્ગના હિંદીઓને મળ્યો છું અને બહુ મોટા ભાગના લોકોએ મારા ઉપર એવી છાપ પાડી છે કે હિંંસક શબ્દો દુશ્મનોને મારતા નથી પરંતુ આપણી ચળવળ પ્રત્યે મૈત્રી ધરાવનારાઓને જ મારે છે. … હિંદુસ્તાનમાં આજે દરેક જણ પછી તે ભણેલો હોય કે અભણ, તેને સ્વાતંત્ર્ય માટે અને ન્યાય માટે તમન્ના જાગી છે. તે આત્મનિર્ણયનો હક માગે છે. … કોઈ એ વસ્તુનો ઇન્કાર કરી શકે એમ નથી કે આખા દેશમાં કૉંગ્રેસનો બહુ ભારે પ્રભાવ છે. બ્રિટિશ સરકારની ધૂંસરી તેણે ક્યારનીય ફગાવી દીધી હોત. પણ મુસ્લિમ લીગનો સહકાર મેળવીને તે આગળ વધવા માગે છે. તેથી જ હિંદુસ્તાનનું સ્વાતંત્ર્ય રોકાઈ રહ્યું છે.”

કોમી પ્રશ્નના તાત્કાલિક નિરાકરણ માટે તમારું રચનાત્મક સૂચન શું છે એમ પૂછવામાં આવતાં સર સ્ટૅફર્ડે કહ્યું કે,

“મારી ખાતરી છે કે હિંદુસ્તાનની મુક્તિ બંધારણ ઘડનારી લોકસભામાં જ રહેલી છે.”

આ પ્રકરણને અંગે ગાંધીજીની વાઈસરોય સાથેની ચોથી અને છેલ્લી મુલાકાત, વાઈસરૉયના આમંત્રણથી તા. પ–ર–’૪૦ના રોજ થઈ. અઢી કલાક સુધી બંને વચ્ચે બહુ નિખાલસ વાતચીત થઈ, પણ કાંઈ રસ્તો નીકળી શક્યો નહીં, એટલે બંને તરફથી નીચેની સંયુક્ત યાદી બહાર પાડવામાં આવી :

“ના. વાઈસરૉયના આમંત્રણના જવાબમાં ગાંધીજી આજે વાઈસરૉયને મળવા આવ્યા. બંને વચ્ચે ખૂબ લાંબી અને મિત્રાચારીભરી ચર્ચા થઈ. આખા