આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૪
સરદાર વલ્લભભાઈ

‘માન્ચેસ્ટર ગાર્ડિયન’, ‘ન્યૂસ ક્રોનિકલ’ અને ‘ટાઈમ્સ’ એટલાં લંડનનાં પત્રોના તેમ જ અમેરિકાના ઍસોસિયેટેડ પ્રેસના પ્રતિનિધિઓ હતા. તેમની સાથેની મુલાકાતમાં, વાઈસરૉય અને પોતાની વચ્ચે મુદ્દાનો મતભેદ શો હતો એ ગાંધીજીએ નીચેના શબ્દોમાં સમજાવ્યો :

“ના. વાઈસરૉયે કરેલી ઑફર (દરખાસ્ત) અને કૉંગ્રેસની માગણી એ બે વચ્ચે મુદ્દાનો તફાવત એ છે કે ના. વાઈસરૉયની ઑફરમાં હિન્દના ભાવિ વિષેનો અન્તિમ નિર્ણય કરવાનું બ્રિટિશ સરકારના હાથની વાત છે એમ કહેવામાં આવેલું છે, જ્યારે કૉંગ્રેસની કલ્પના એથી સાવ ઊલટી જ છે. કૉંગ્રેસની દૃષ્ટિએ ખરા સ્વાતંત્ર્યની કસોટી જ એ છે કે કોઈ પણ જાતની બહારની દરમ્યાનગીરી સિવાય હિન્દી પ્રજા પોતાનું ભાવિ નક્કી કરે. આ મુદ્દાનો મતભેદ જ્યાં સુધી ન ભૂંસાય અને ઇંગ્લંડ જ્યાં સુધી સાચે માર્ગે ન વળે, એટલે કે એમ ન સ્વીકારે કે હિન્દને પોતાની મેળે પોતાનું બંધારણ ઘડવાનો અને પોતાનો દરજ્જો નક્કી કરવા દેવાનો સમચ આવી પહોંચ્યો છે, ત્યાં સુધી હિંદ અને ઇંગ્લંડ વચ્ચે શાંતિમય અને માનભરી સમાધાની થવાનો કશો સંભવ હું જોતો નથી. આટલું થાય તો પછી દેશના રક્ષણનો, લઘુમતીઓનો, રાજાઓનો તેમ જ ગોરાઓનાં હિતોનો — એ બધા સવાલો આપોઆપ ઓગળી જશે.”

વાઈસરૉય સાથેની મુલાકાત વિષે વિવેચન કરતાં ‘હરિજન’માં ગાંધીજીએ લખ્યું :

“જેવી સ્પષ્ટતાથી ના. વાઈસરૉયે બ્રિટિશ નીતિનું નિરૂપણ કર્યું, તેવી જ સ્પષ્ટતાથી મેં કૉંગ્રેસની નીતિનું કર્યું. હું જાણું છું ત્યાં સુધી મંત્રણા કાયમને સારુ બંધ પડી ન કહેવાય. દરમ્યાન આપણે પ્રચાર દ્વારા આપણી માગણી દુનિયાને સમજાવવી જોઈએ. બ્રિટિશ સામ્રાજ્યની અંદરની, ઘણીમાંની એક વસાહત તરીકેનો એટલે કે દુનિયાના બિનયુરોપીય પ્રજાઓનું શોષણ કરવામાં ભાગીદારી કરનાર તરીકેનો દરજ્જો હિંદ રાખી શકે નહીં. જો તેની લડત અહિંસા ઉપર ખડી હોય તો તેણે પોતાના હાથ વગર ખરડાયેલા રાખવા જોઈએ. આફ્રિકાવાસીઓની ચૂસમાં તથા વસાહતમાં રહેતા આપણા પોતાના દેશબંધુઓ પ્રત્યેના અન્યાય અને અપમાનમાં ભાગીદાર ન થવાનો હિંદનો નિશ્ચય હોય તો તેને પોતાને એવો સ્વતંત્ર દરજ્જો જ હોવો જોઈએ. એવા દરજ્જામાં શું શું સમાય અને તેનું સ્વરૂપ કેવું હોય એ બ્રિટનનું લખાવ્યું ન લખાય. એનો નિર્ણય આપણે પોતે જ એટલે કે હિન્દી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરવો જોઈએ. જ્યાં સુધી બ્રિટિશ રાજધુરંધરો આ વાત પાકે પાયે ન કબૂલે ત્યાં સુધી એનો અર્થ એ જ છે કે તેઓ પોતાના હાથમાંથી સત્તા છોડવા માગતા નથી.”

લંડનના દૈનિક પત્ર ‘ડેલી હેરલ્ડે’ ગાંધીજીને તાર કરીને વાઈસરૉયની મુલાકાત વિષે સંદેશો માગ્યો. તેના જવાબમાં ગાંધીજીએ તાર કર્યો, તેમાં જણાવ્યું કે,