આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૬
સરદાર વલ્લભભાઈ

તમે એમાં ભળશો નહીં, અમે વધારે આપીશું. અમે તો દાખલા સાથે બતાવ્યું છે કે, અંગ્રેજો જ આપણને લડાવી મારે છે.
“એ તો કહે છે કે, તમે બે લડો છે ત્યાં સુધી લઘુમતી કોમનું રક્ષણ કરવાનું ઈશ્વરે અમને સુપરત કરેલું છે, તો આ લડાઈ પણ ઈશ્વરે તમને સુપરત કરેલી છે. ત્યાં જ તમારો ફેંસલો થશે.
“અમે કહ્યું કે, તમે જાહેરનામું બહાર પાડો કે, લોક પ્રતિનિધિસભા નિર્ણય કરશે તે અમે આપીશું. એ કબૂલ રાખશો તો, અમે મુસલમાનો સાથે ફેંસલો કરીને જ ઊઠીશું, અને બદકિસ્મતીથી મતભેદ પડશે તો પંચ નિર્ણચ કરશે. એને લાગ્યું કે, આમાં કાંઈ બોલાય એમ નથી. એટલે હવે કહે છે કે, રાજાઓનું શું ? ત્યારે અમે કહીએ છીએ કે એ તો તમારી રચેલી સૃષ્ટિ છે.
“રાજાઓની વ્યક્તિનો સવાલ જ નથી. વસ્તુ એ છે કે, અત્યારે રાજાઓની સંસ્થાઓનો અંત આવ્યો છે. હિંદુસ્તાન કંઈ દુનિયાનો ઉકરડો થોડું જ છે ? જ્યાં રાજા છે ત્યાં પણ સત્તા તો પ્રજા પાસે છે. અત્યારે જે સર્વોપરી સત્તા છે, તેને રાજા પણ નમે છે અને પ્રજા પણ નમે છે. પણ એ તો કહે છે કે, અમે તો રાજાઓ સાથે કરારનામાં કરેલાં છે. અમને શી ખબર કે, કયે કાળે, કઈ રીતે, શું લખાવી લીધું છે ? દેશી રાજ્યની પ્રજાનો અધિકાર એક રતીપૂર પણ જાય, એ કબૂલ કરવા કૉંગ્રેસ તૈયાર નથી. છતાં તમે એમ કહો કે, અમારાં આટલાં હિતો છે, આટલું લશ્કરી હિત છે, તો એનો તોડ થઈ શકે. પણ લડાઈમાં હાર્યા, તા રામ બોલી જવાના છે. અને જીત્યા તોય ખોખરા થઈ જવાના છો. આ લડાઈને અંતે કોઈ રાજ્ય બીજાને તાબે નથી રહેવાનું. વિચારોમાં ભારે પરિવર્તન થવાનાં છે.”

આ વરસનું કૉંગ્રેસનું અધિવેશન માર્ચના ત્રીજા અઠવાડિયામાં બિહારી પ્રાંતમાં રામગઢ નામના સ્થળમાં ભરાયું. સરકાર સાથેની વાટાઘાટોથી કૉંગ્રેસનો જુવાન વર્ગ સાવ કંટાળી ગયો હતો. કૉંગ્રેસમાં સમાજવાદી, સામ્યવાદી, કિસાનસભાવાદી, ટ્રેડ યુનિયનવાદી, રૉયવાદી, એમ અનેક જૂથો હતાં. એ બધાંને ગાંધીજી કૉંગ્રેસની અહિંસા નીતિનો જે અર્થ કરતા હતા એ જરાયે રુચતો નહોતો. લડાઈને વખતે આપણે બ્રિટિશ સરકારને મૂંઝવવી ન જોઈએ એ ગાંધીજીનો વિચાર પણ તેમને વાજબી લાગતો નહોતો. ઘણાને તો એમ લાગતું હતું કે સરકારને જબ્બર લડત આપવાનો આ જ ખરેખર મોકો છે. પણ એ બધાને સાથે સાથે એમ પણ લાગતું હતું કે લડતની સરદારી ગાંધીજી લે તો જ આપણે આખા દેશને સળગાવી શકીએ. ગાંધીજી વિના દેશવ્યાપી લડત ન આપી શકાય એમ સહુ સમજતા હતા, કારોબારી સમિતિને પણ એમ તો લાગતું જ હતું કે પ્રધાનો પાસે રાજીનામાં અપાવ્યા પછી આપણે કાંઈ યોગ્ય પગલું ન ભરીએ તો કૉંગ્રેસમાં નાસીપાસી પેદા થવાનો ભય છે. બીજી તરફથી ગાંધીજી કૉંગ્રેસનો સડો, કોમી વિખવાદ વગેરે તરફ આંગળી ચીંધી સાવચેતી આપતા હતા, એ પણ તેમને ખરી લાગતી હતી.