આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૧
ગાંધીજી કૉંગ્રેસની જવાબદારીમાંથી મુક્ત થાય છે

પંથ એમની જ રીતે ખેડવાની છૂટ રહેવી જોઈએ. તેથી હિન્દમાં તેમ જ દુનિયામાં અત્યારે બાહ્ય આક્રમણ તેમ જ આંતરિક અનવસ્થા પરત્વે વર્તી રહેલી સ્થિતિમાં કૉંગ્રેસે ચલાવવાના કાર્યક્રમ તથા પ્રવૃત્તિને અંગેની જવાબદારીમાંથી કારોબારી ગાંધીજીને છૂટા કરે છે.”

જવાહરલાલજી, સરદાર, રાજાજી તથા બીજા કેટલાક સભ્યો ઉપરના ઠરાવની તરફેણમાં હતા, જ્યારે રાજેન્દ્રબાબુ, ડૉ. પ્રફુલ્લ ઘોષ, કૃપાલાનીજી તથા શ્રી શંકરરાવ દેવ ગાંધીજી સાથે પૂરે પૂરા જવા તૈયાર હતા. એટલે તેમણે કારોબારી સમિતિમાંથી રાજીનામાં આપ્યાં પણ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદે તેમને સમજાવ્યા કે જ્યાં સુધી બ્રિટિશ સરકાર આપણી વાત સ્વીકારી લેતી નથી ત્યાં સુધી સક્રિય મદદ આપવાની કે અહિંસા છોડી દેવાની વાત ઉપસ્થિત થતી નથી. એટલે અત્યારે તમારે રાજીનામાં આપવાની જરૂર નથી. આ ઉપરથી તેઓ કારોબારીમાં ચાલુ રહ્યા. પણ ખાનસાહેબ અબદુલ ગફારખાનને એવી રીતે પણ સંતોષ ન થયો. તેમને પોતાને વિશે તથા પોતાના ખુદાઈ ખિદમતગારો વિષે શ્રદ્ધા હતી કે કોઈ પણ સંજોગોમાં તેઓ અહિંસાને વળગી રહેશે. એટલે તેઓ કૉંગ્રેસમાંથી નીકળી ગયા.

ત્યાર પછી તા. ર૭થી ૭મી જુલાઈ સુધી દિલ્હીમાં કારોબારી સમિતિની બેઠક મળી. તેમાં તેણે વિશેષ સ્પષ્ટ કર્યું કે જે કૉંગ્રેસની માગણીઓ સ્વીકારવામાં આવે તો કૉંગ્રેસ દેશનાં આર્થિક અને નૈતિક બધાં સાધનો સંગઠિત કરવાનો પ્રયત્ન કરશે અને દેશના બચાવને માટે પોતાની પૂરી શક્તિ ખર્ચાશે.

વર્ધાના તથા દિલ્હીના ઠરાવ ઉપર વિવેચન કરતાં સરદાર અને રાજાજી વિષે ગાંધીજીએ જે ઉદ્‌ગારો કાઢ્યા તે નોંધવા જેવા છે :

“ભલે અત્યારે સરદાર અને હું નોખે માર્ગે જતા દેખાઈએ, તેથી કંઈ અમારાં હૃદય થોડાં જ જુદાં પડે છે ? નોખા પડતાં હું તેમને રોકી શકતો હતો. પણ એમ કરવું મને યોગ્ય ન લાગ્યું. રાજાજીની દૃઢતા સામે આગ્રહ ધરવો ખોટું ગણાત. એમને પણ હું રોકી શકત. તેમ કરવાને બદલે મેં ઉત્તેજન આપ્યું — આપવાનો ધર્મ માન્યો. જો નવા જણાતા ક્ષેત્રમાં અહિંસાનો પ્રયોગ સફળ કરી બતાવવાની શક્તિ મારામાં હશે, મારી શ્રદ્ધા ટકી રહેશે, જનતાને વિશે મારો જે અભિપ્રાય છે તે સાચો હશે, તો રાજાજી અને સરદાર પૂર્વની જેમ મારી સાથે જ હાથ ઊંચા કરશે.”

દિલ્હીના ઠરાવ વિષે લખતાં તેમણે કહ્યું :

“પસાર થયેલો ઠરાવ ઘડનાર રાજાજી હતા. મારી ભૂમિકા સાચી હોવા વિષે હું જેટલે નિઃશંક હતો તેટલો જ તેઓ પોતાની ભૂમિકાના ખરાપણા વિષે નિઃશંક હતા. તેમના આગ્રહ, સાહસ તેમ જ નિરભિમાન આગળ સાથીઓ