આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૨
સરદાર વલ્લભભાઈ

માત થયા. તેમની મોટામાં મોટી જીત તો સરદારને પોતાના મતના તેઓ કરી શક્યા, એ છે. મેં જો રાજાજીને અટકાવવા ધાર્યા હોત તો તેઓ પોતાનો ઠરાવ રજૂ કરવાનો વિચારસરખો ન કરત. પણ મારે પોતાને વિષે જેટલી ઉત્કટતા અને આત્મવિશ્વાસનો દાવો હું કરું છું તેટલી જ ઉત્કટતા અને આત્મવિશ્વાસ મારા સાથીઓમાં પણ હોવાનું કબૂલું છું.”

સરદારને માટે આ જેવો તેવો પ્રસંગ નહોતો. નિર્ણય ઉપર આવતા પહેલાં ભારે હૃદયમંથનમાંથી તેમને પસાર થવું પડ્યું.

તા. ૧૯-૭-’૪૦ ના રોજ ગુજરાત પ્રાંતિક સમિતિ આગળ અમદાવાદમાં આપેલા ભાષણમાં પોતાની મનઃસ્થિતિનું તેમણે સુંદર વર્ણન કર્યું છે :

“બાપુના લેખો તમે વાંચ્યા હશે. તેઓ લખે છે કે સરદાર તો પાછા આવશે જ. હું તો ક્યાંયે ગયો નથી અને આવ્યો નથી. મેં તો ગુજરાતના અને બહારના પ્રતિનિધિ તરીકે કારોબારી સમિતિમાં અભિપ્રાય આપ્યો છે. મુલક વિષેનું મારું નિદાન ખોટું હશે તો મારા જેટલો આનંદ કોઈને નહીં થાય.
“મેં તો બાપુને કહ્યું કે તમે હુકમ કરતા હો કે મારી પાછળ પાછળ આવો, તો મને તમારા ઉપર એટલી શ્રદ્ધા છે કે આંખો મીંચીને દોડું. પણ એ તો કહે છે કે મારા કહેવાથી નહીં, તમને પોતાને સૂઝ પડતી હોય તો મારે માર્ગે ચાલો. હું એમની સાથે ચાલી શકું તો તમારા કોઈ કરતાં હું વધારે રાજી થાઉંં. પણ જેમાં મને સૂઝ ન પડતી હોય તેમાં સૂઝ પડે છે એવું મારાથી શી રીતે કહેવાય ? મારે અથવા કોઈએ પણ બાપુની સાથે બેઈમાની નહીં કરવી જોઈએ.
“અત્યારના સંજોગોમાં અહિંસાનો સંપૂર્ણ પ્રયોગ કરવો કૉંગ્રેસ માટે શક્ય નથી. અમારી શક્તિની મર્યાદા છે. બાપુની અને અમારી વચ્ચે મુલકની શક્તિના માપ વિષે પણ મતભેદ છે. આ એક વ્યક્તિની વાત નથી. વ્યક્તિ તો ગમે તેટલી ઊંચી જઈ શકે. પણ આખી સંસ્થાને સાથે લઈ જવાની વાત છે.
“સમાજ ઉપર અત્યાચારો કરનાર સાથે, જરૂરી હિંસા વાપર્યા વગર કામ ચલાવી શકીશું એમ મારી મતિ પહોંચતી નથી. સિદ્ધાંતોની ચર્ચાનો આ સમય નથી. તમારે બધાએ વિચારવું જોઈએ કે અંદરની અનવસ્થા અને બહારના આક્રમણની સામે લોકો હિંસાનો ઉપયોગ ઈચ્છે છે કે નહીં?
“બાપુએ સવાલ તો એ મૂક્યો કે મારો પ્રયોગ કરવાની મને સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. તે માટે એમણે અમારો ત્યાગ કર્યો છે. અમે કહ્યું કે તમારા જેટલી ઝડપથી, એટલા વેગથી અમે તમારી પાછળ આવી ન શકતા હોઈએ તો અમારે તમારી ઉપર બોજારૂપ ન થવું જોઇએ.
“બહારના લોકો મને આજ સુધી બાપુનો અંધ અનુયાયી કહેતા. હું જો એવો હોઉં મગરૂર થાઉં. પણ જોઉં છું કે તેવો હું નથી. આજે પણ કહું છું કે તમે આગેવાની લેતા હો તો અમે તમારી પાછળ ચાલીશું. પણ એ તો કહે છે કે ઉઘાડી આંખે તમારી અક્કલ પ્રમાણે ચાલો.