આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૩
ગાંધીજી કૉંગ્રેસની જવાબદારીમાંથી મુક્ત થાય છે

“બાપુજી આપણી પાસે આંધળી વફાદારી ઇચ્છતા નથી. આપણી શક્તિ કેટલી છે તે આપણે એમને સાફ સાફ કહી દેવું જોઈએ. કૉંગ્રેસની અંદર જે વસ્તુ નથી, તે છે એમ કહી ચલાવવા જઈએ તો એ ચાલવાનું નથી, એથી નુકસાન થવાનું છે. આપણે અત્યાર સુધી અહિંસાના પ્રયોગો કર્યા એ ઠીક કર્યું. પણ લોકોમાં જે કાય૨૫ણું છે, જ્યાં ઊભા છે ત્યાંથી આગળ ચાલી નથી શકતા તેનું શું કરવું ? ત્યાં ને ત્યાં ઊભા રહેવાનો આ સમય નથી. આપણી પાસે પસંદગી કરવાનો સમય આવ્યો છે. તમારામાંથી જે કેવળ રચનાત્મક કાર્યમાં પડેલા છે અને કોઈ પણ સંજોગોમાં અહિંસાને વળગી રહેવા ઇચ્છે છે તેમને માથે અમારા કરતાં વધારે જવાબદારી છે. તમને એમ લાગતું હોય કે, કૉંગ્રેસ ખોટે રસ્તે જાય છે, તો તો તમારે વિના સંકોચે એનો બીજો ઉપાડી લેવો જોઈએ. હું તો જરૂર એ તમને આપીશ.”

ત્યાર પછી તા. ર૭ તથા ર૮મી જુલાઈએ પૂનામાં કૉંગ્રેસ મહાસમિતિની બેઠક થઈ. ભારે વાદવિવાદ પછી વર્ધા તથા દિલ્હીની કારોબારી સમિતિના ઠરાવો મંજૂર રાખવામાં આવ્યા. એ ઠરાવોને મંજૂરી આપતો ઠરાવ ૯૧ વિ૦ ૬૩ મતે પસાર થયો. રાજેન્દ્રબાબુએ એમનો પોતાનો તથા સાથીઓનો મત ત્યાં જણાવ્યો, અને સાથે સાથે એમ કહ્યું કે અમે મહાસમિતિના ઠરાવનો વિરોધ નહીં કરીએ પણ તટસ્થ રહીશું. ઠરાવનો વિરોધ કરનારાઓએ હિંસા અહિંસાને કારણે તેનો વિરોધ નહોતો કર્યો. પણ તેમને એમ લાગતું હતું કે આવો ઠરાવ કરવામાં કૉંગ્રેસ પોતાની નબળાઈ બતાવે છે અને તેનો લાભ લઈ સરકાર કૉંગ્રેસને કચડી નાખશે. કારણ તે વખતે ઘણા પ્રાંતોમાંથી કૉંગ્રેસના મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓની સંખ્યાબંધ ધરપકડ થતી હતી. મહાસમિતિની બેઠકમાં ૧૮૮ સભ્યો હાજર હતા. એટલે રાજેન્દ્રબાબુએ અને એમનાં વિચારને મળતા મહાસમિતિના બીજા સભ્યોએ તટસ્થ રહેવાને બદલે ઠરાવની વિરુદ્ધ મત આપ્યો હોત તો ઠરાવ ઊડી જવાનો પૂરેપૂરો સંભવ હતો.

જોકે આ ઠરાવમાં એમ તો હતું જ કે સ્વરાજ્યપ્રાપ્તિની પોતાની આંતરિક લડત માટે કૉંગ્રેસ અહિંસાની નીતિને જ વળગી રહે છે. તો પણ કૉંગ્રેસની માગણીઓ સ્વીકારવામાં આવે તો બ્રિટનના પક્ષે રહી યુદ્ધમાં સક્રિય મદદ કરવાના આ ઠરાવથી લોકોમાં ભારે બુદ્ધિભેદ તો ઊભો થયો જ. ધાર્મિક શ્રદ્ધા તરીકે અહિંસાના સિદ્ધાંતને માનનારા બહુ જ થોડા લોકો હશે. છતાં કૉંગ્રેસના પ્રમુખ નેતાઓમાં આ બાબતમાં મતભેદ ઉભો થયો એ લોકોની નજરે ચડ્યા વિના રહ્યો નહીં.