આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૧
વ્યક્તિગત સવિનય ભંગ, કોમી રમખાણો અને સરદારની બીમારી

બ્રિટનને આ યુદ્ધમાં બિનશરતે નૈતિક ટેકો આપવા તૈયાર હતા, છતાં અત્યારે સવિનય ભંગની લડતની આગેવાની લેવા કેમ તૈયાર થયા છે તે પણ સમજાવ્યું. ગાંધીજી અને કૉંગ્રેસ કહેતાં હતાં કે તેની આફતને વખતે અમે બ્રિટિશ સરકારને વધુ મૂંઝવણમાં નાખવા નથી ઇચ્છતાં. તો પછી તેની સામે સવિનય ભંગની લડત શા માટે ? એ પ્રશ્ન ઘણા પૂછતા હતા. તેના ખુલાસામાં ગાંધીજીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે,

“મેં ફરી ફરીને કહ્યું છે કે જે વખતે બ્રિટિશ પ્રજા અને બ્રિટિશ સરકારની હસ્તી જ જોખમમાં આવી પડી છે તે વખતે તેમને મૂંઝવણમાં નાખવાનો અપરાધ હું નહીં કરું. હું એમ કરું તો મારો સત્યાગ્રહ લાજે, હું અહિંસાને બેવફા નીવડું ને જે સત્યને હું પ્રાણથી પણ પ્રિય ગણું છું તેનો મારે હાથે જ ધ્વંસ થાય. મારાથી એ ન બની શકે. ત્યારે એ જ માણસ આજે સવિનય ભંગની લડતનો ભાર ઉપાડવાને તમારી આગળ ઊભેલો છે તેનું શું કારણ ? એવો એક કાળ આવે છે જ્યારે માણસ નબળાઈથી દુર્ગુણને સગુણ માની લે છે. સગુણ પોતે પણ જ્યારે તેના આસપાસના સંજોગોથી અને જે હેતુને સારુ તેની હસ્તી હોય તે હેતુથી વિખૂટો પાડવામાં આવે તો દુર્ગુણ બની જાય છે. તેથી મને લાગ્યું કે કૉંગ્રેસની મદદે હું ન ધાઉંં અને ભલેને ધ્રુજતાં ધ્રુજતાં તેનું સુકાન હાથમાં ન લઉં તો હું મને પોતાને બેવફા નીવડીશ. હું બ્રિટિશ પ્રજાનો પાકો મિત્ર હોવાનો દાવો કરું છું. પણ હું જો ખોટી લાજશરમથી, કે લોકો રખેને મારે વિષે ઊલટો અભિપ્રાય બાંધે એ બીકથી, કે અંગ્રેજો પોતે મારા ઉપર ગુસ્સે થરો એ વિચારથી, તેમને એવી ચેતવણી ન આપું કે હવે સંયમનો સદ્‌ગુણ એ અમારે માટે દુર્ગુણ બની ગયો છે કેમ કે તે કૉંગ્રેસની હસ્તીને જ નાબૂદ કરશે; જે ભાવનાથી આ સંયમ રાખેલો તે ભાવનાને જ એ હણશે, તો મેં તેમના પ્રત્યે અમિત્રનું વર્તન કર્યુંં ગણાય.
“મારા અર્થની ચોખવટ કર્યા વિના હું સરકારની સામે સવિનય ભંગનું શસ્ત્ર ઉગામવાનો નથી. વાઈસરૉયના પહેલા જાહેરનામાથી માંડીને ભારતમંત્રીના તાજેતરના ભાષણ લગીના અને ત્યાર પછી સરકાર જે પગલાં ભરી રહી છે, ને જે નીતિ આચરી રહી છે તે બધાનો હું એકંદરે શો અર્થ કરું છું તે હું વાઈસરૉયને જણાવીશ. સરકારનાં આ બધાં કામોની મારા ઉપર સરવાળે એવી છાપ પડી છે કે આખા રાષ્ટ્રની સામે કંઈક અઘટિત થઈ રહ્યું છે, કોઈક અન્યાયનું આચરણ ચાલી રહ્યું છે અને આઝાદીનો અવાજ ગૂંગળાઈ જવાની અણી ઉપર છે. હું વાઈસરૉયને કહીશ કે અમારે તમને મૂંઝવવા નથી અને તમારી લડાઈની તૈયારી વિષેના પ્રયત્નમાં વિઘ્ન નાખવું નથી. અમે નિર્વિઘ્ને અમારે રસ્તે જઈએ, તમે તમારે રસ્તે જાઓ. અહિંસાનું પાલન એ આપણી વચ્ચેની શરત હોય. અમે જો લોકોને અમારું કહેવું સમજાવી શકીશું તો તેઓ લડાઈના કામમાં કશો હિસ્સો નહીં આપે. તેથી ઊલટું જો તમે જુઓ કે નૈતિક સિવાયનું બીજું કશું દબાણ અમે વાપરતા નથી છતાં લોકો લડાઈના કામમાં મદદ કરે છે તો અમારે ફરિયાદ કરવાનું કારણ નહીં રહે. રાજાઓ પાસેથી, જમીનદારો પાસેથી, ઊંચા કે નીચા કોઈની