આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૦
સરદાર વલ્લભભાઈ

હતું. એટલે એ જવાબદારી લેવાને બદલે તા. ર૦મી ઓગસ્ટે સરકારે એમને છોડી મૂક્યા. એ ખબર મળતાં જ તા. ૨૧મીએ ગાંધીજીએ તેમને નીચેનો કાગળ લખ્યો :

“મને તો ધાસ્તી હતી જ કે તમે છૂટવાના. એ કરે પણ શું ? હવે તો સાવ સારા થઈને જ કામે ચડજો. કામ તો ઘણુંય છે. ઑપરેશન થઈ ગયા વિના મને ચેન નહીં પડે. ખબર બરાબર અપાવતા રહેજો. મારા કાગળ તેઓ તમને આપતા ખરા ?”

પણ મુંબઈના દાક્તરોનું ઑપરેશનું કરવાનું ધ્યાન ન પહોંચ્યું. થોડા દિવસ ઍલોપથી દવા લીધા પછી હોમિયોપથી શરૂ કરી.

ગાંધીજી તેમને સેવાગ્રામ બોલાવતા હતા અને પોતાની ‘હોસ્પિટલ’માં દાખલ થવાની એટલે કે પોતાની દેખરેખ નીચે પોતાના કુદરતી ઉપચારો કરવાનો આગ્રહ કરતા હતા. તા. ૨૨-૯-’૪૧ને રોજ તેમણે સરદારને કાગળમાં લખ્યું છે કે,

“તમારું ગાડું હજી ચીલે નથી ચડ્યું જણાતું. પંદર દિવસમાં નિશ્ચયપૂર્વક ન કહી શકાય તો અહીં આવો એમ ઇચ્છું છું. જો આવવા જવા જેવી સ્થિતિ થઈ હોય તો થોડા દિવસ રહી જાઓ એ પણ ઠીક હોય. જેમ તમને રુચે તેમ કરજો, રાજેન્દ્રબાબુ રોજ સારા થતા જાય છે. હવે રોજ આવે છે.”

સરદાર નાશિક જવાનો વિચાર કરતા હતા એટલે તા. ૨૫-૯-’૪૧ના કાગળમાં ગાંધીજી લખે છે :

“તમારી તબિયત વિષે હોમિયોપથી માગે તેટલો મર્યાદિત વખત તેને ભલે આપો. હજીરાના પાણીની ખ્યાતિ તો સાંભળી છે. દેવલાલીની મને ખબર નથી. હજીરા માફક આવવાનો સંભવ છે ખરો. બાકી નૈસર્ગિક ઉપચાર તો છે જ. પણ પ્રથમ આપણે થોડું ઘણું મળી તો લઈએ જ.”

હોમિયોપથીથી ખાસ ફાયદો ન થયો એટલે સરદાર ઑક્ટોબરમાં નાશિક ગયા. ત્યાં થોડા દિવસ વૈદ્યની દવા કરી. ત્યાં થોડા દિવસ રહ્યા, પછી છેવટે વીસમી ઓક્ટોબરે વર્ધા જઈ ગાંધીજીની ‘હોસ્પિટલ’ માં દાખલ થયા. ગાંધીજીના કુદરતી ઉપચારોથી થોડોઘણો ફાયદો થયો. પણ તે વખતે મામલો એવો કટોકટીનો હતો કે, એક સ્થળે લાંબો વખત રહેવું સરદારને પોસાય તેમ નહોતું. એટલે પહેલી ડિસેમ્બરે તેમણે વર્ધા છોડ્યું. ત્રીજી ડિસેમ્બરે સરકારે બધા સત્યાગ્રહી કેદીઓને છોડી મૂક્યા એટલે આગળ શું કરવું એનો વિચાર કરવા તા. ૨૩મી ડિસેમ્બરે બારડોલીમાં કારોબારી સમિતિની બેઠક થઈ. એ બેઠક સાત દિવસ ચાલી. પછી જાન્યુઆરીની અધવચમાં વર્ધામાં મહાસમિતિની બેઠક થઈ. તબિયત બરાબર ન હોવા છતાં સરદાર આ બધે રખડપાટ કર્યા જ કરતા હતા. ગાંધીજીનો