આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૨
સરદાર વલ્લભભાઈ

હજીરામાં લગભગ સવા મહિનો રહ્યા એટલામાં તો રાજદ્વારી મામલો એટલો બધો ઉગ્ર થઈ ગયો હતો કે, એ એકાંત સ્થળ છોડ્યા વિના તેમની આગળ બીજો છૂટકો જ ન રહ્યો. માર્ચની શરૂઆતમાં હજીરા છોડ્યું. એટલે તા. ૭–૩–’૪૨ના રોજ ગાંધીજીએ વળી લખ્યું : “ગમે ત્યાં ફરો પણ આરામના, સ્નાનના અને ખાવાના વખત સાચવજો. વાઈસરૉય આ બધું સાચવે છે તો આપણે કેમ નહીં ?” પરંતુ સરદાર રખડવાનું ચાલુ જ રાખતા અને તેમાં બધી સગવડો ન પણ સચવાતી. એટલે ગાંધીજીએ તા. ૧૩–૪–’૪૨ના કાગળમાં ચેતવણી આપી : “આંતરડાં હજી ઠેકાણે નથી પડતાં એમાં નવાઈ નથી. એને લાંબો આરામ જોઈએ છે જ.” પણ સરદારની ફિલસૂફી જુદી હતી. ‘લાંબો વખત આરામ લઈને એકલું શરીર જ સાચવ સાચવ કર્યાં કરવું તેના કરતાં કામ કરતા કરતા થોડાં વરસ વહેલા મરી જવાય તો શું થઈ ગયું ?’ એમ તેઓ ઘણી વાર કહેતા.

૩૨
યુદ્ધ હિંદુસ્તાનનાં બારણાં ઠોકે છે

વ્યક્તિગત સવિનય ભંગની લડત ચાલતી હતી તે દરમ્યાન આખા વિશ્વયુદ્ધ ઉપર બહુ જ મોટી અસર પાડનારો એક બનાવ બન્યો તેની નોંધ લેવી જોઈએ. તા. ૨૨મી જૂન, ૧૯૪૧ના રોજ રશિયા ઉપર જર્મનીએ ચડાઈ કરી. હિટલરનું કહેવું એમ હતું કે, પંદરસોથી બે હજાર માઈલની સરહદ ઉપર રશિયાએ લશ્કરની જમાવટ કરી હોવાથી, અમારા રક્ષણની ખાતર અમારે રશિયા ઉપર ચડાઈ કરવાની જરૂર હતી. જર્મનીનો ધસારો એટલો જબ્બર હતો કે, તે વખતે તો રશિયાને પીછેહઠ કરવી પડી. એની રાજધાનીનું મથક પણ મૉસ્કોથી બદલી એને વધારે અંદરના ભાગમાં લઈ જવું પડ્યું. આ સ્થિતિમાં આપણા દેશમાં જુદા જુદા રાજદ્વારી પક્ષના માણસો જુદી જુદી રીતે વિચાર કરવા લાગ્યા. કોમ્યુનિસ્ટો, જેઓ આજ સુધી આ યુદ્ધને સામ્રાજ્યવાદી યુદ્ધ કહેતા હતા, તેઓ રશિયા જર્મની સામે પડ્યું એટલે તેને લોકયુદ્ધ કહેવા લાગ્યા અને મિત્રરાજ્યોને આપણે પૂરેપૂરી મદદ કરવી જોઈએ એવો પ્રચાર કરવા લાગ્યા. ત્યારે બીજા, જેઓના દિલમાં બ્રિટન પ્રત્યે અભાવ હતો તેઓ ગાંધીજીને સૂચવવા લાગ્યા કે, આ ખરેખરી તક છે અને અત્યારે વ્યક્તિગત સવિનય ભંગને બદલે બહુ જ મોટા પાયા ઉપર સામુદાયિક સવિનય ભંગ તમારે શરૂ કરવો જોઈએ. પણ દુશ્મનની