આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૭
યુદ્ધ હિંદુસ્તાનનાં બારણાં ઠોકે છે

“હવે સવાલ એ છે કે જે વસ્તુ તમે પકડી તેને છોડવા તૈયાર કેમ થયા છો ? સ્વરાજ મેળવ્યા પછી શું કરશો એની વાત નથી, પણ સ્વરાજ મેળવવાને માટે એ વસ્તુ બદલવાને કેમ તૈયાર થયા છો ? તમે તો એકરાર કરેલો કે સ્વરાજ મેળવવાને માટે અહિંસા સિવાય બીજો ઉપાય નથી. આજે એ બદલવા તૈયાર થયા છો. પણ એ સોદો કરીને તમે સંપૂર્ણ સ્વરાજ મેળવી શકવાના નથી. સંપૂર્ણ સ્વરાજ તો એ છે કે, જેમાં ગરીબમાં ગરીબને પણ આઝાદી મળે. એ આઝાદી આજે લડાઈમાં જોડાયે નથી મળી શકતી. આટલું જો તમે સમજો તો બીજી વાત સમજવી સહેલી છે. આમ માનતા છતાં, હું તો તમને સમજાવવાનો છું કે, તમારે આ ઠરાવ કબૂલ કરવો અને એના ઉપર મત લેવડાવીને સમિતિમાં ભાગલા ન પડાવવા. આ વાત જો તમારી બુદ્ધિમાં ઊતરે તો તમારે કબૂલ કરવી, નહીં તો ન કરવી. આજે સભ્યોને સમજાવીને જુદા જુદા મત અપાવીએ એવો અવસર નથી.
“બારડોલીમાં તો મેં અહિંસાનો મારો અર્થ કર્યો. અને તે જ કારણે હું છૂટો થયો. બારડોલીનો ઠરાવ થયો ત્યાર પછી થોડો વખત તો મારા દિલમાં હતું કે, આ મહાસમિતિ આગળ આના ઉપર મત લઈને એમાં ભાગલા પાડવા અને મને સાથ દેનાર કેટલા છે તે મારે જોઈ લેવું. પણ તે પછી અનેક વાતો બની અને તે બધાની મારી ઉપર અસર થઈ. વાતાવરણમાં મેં જોયું, લોકોની ટીકા સાંભળી, છાપાંઓની ટીકા જોઈ તે ઉપરથી મારા મને નિશ્ચય કર્યો કે, મારી અહિંસા સૂચવે છે કે, ‘તમે બુદ્ધિપૂર્વક એનો સ્વીકાર કરજો’ એમ જ મારે તમને કહેવું. જે સભ્યો સંપૂર્ણ રીતે મારી સાથે છે તેમને હું કહું છું કે, તેઓ મત જ ન આપે. પણ જો બીજા સભ્યો આ ઠરાવને ઉડાવી દેવા ઇચ્છતા હોય તો ઠરાવને કાયમ રાખવા માટે તેઓ પણ મત આપે અને ઠરાવને ન ઊડવા દે.
“કારોબારી સમિતિએ આ ઠરાવ પસાર કરીને પીછેહઠ કરી છે એ વિષે શંકા નથી. રાજાજી એ વાત કબૂલ નહીં કરે. કારણ, એ તો એમ માને છે કે હું ભૂલ કરી રહ્યો છું. કદાચ જવાહરલાલ પણ કહેશે કે, આમાં પીછેહઠ નથી. એ એમનો અભિપ્રાય છે, તો મારે પણ મારો અભિપ્રાય છે, અને તે એ છે કે, આપણે ચોક્કસ રીતે હઠ્યા છીએ. છતાં આ ઠરાવને કાયમ રખાવવામાં એટલા માટે હું ભાગ લઉં છું કે, એથી કદાચ આપણે આગળ વધીએ. હું તમારાથી અલગ થયેલો માણસ, કશાયે દાવપેચની વાત કર્યા વિના કહું છું કે આ ઠરાવ ગમે તેટલો અપૂર્ણ હોય તોયે સ્વીકારી લો. કારણ, આ ઠરાવ કૉંગ્રેસની મનોદશા બરોબર પ્રગટ કરે છે. ખરી રીતે તો આજે કૉંગ્રેસીઓ પોતાનું મન બરાબર જાણતા નથી. કૉંગ્રેસની મનોદશાનું પ્રતિબિંબ આ ઠરાવમાં પડે છે.
“મારા સાથીઓ — જેવા કે સરદાર, રાજેન્દ્રબાબુ – એમને આ ઠરાવ પસાર થયો એનું દુઃખ છે. પણ તેમને હું નીકળવા નથી દેતો. તેમને કહું છું કે આજે નીકળવાનો અવસર નથી. જ્યારે સમય આવે ત્યારે નીકળજો.
“કારણ એ છે કે, ભવિષ્યનો ફેંસલો આજથી શા સારુ કરવો ? જવાહરલાલનો યુદ્ધવિરોધ, ભલે જુદાં કારણે, પણ લગભગ મારા જેટલો જ છે. રાજાજી આમાં આવે છે, કારણ સરકાર ખરેખર હાથ લંબાવે તો તેમને પોતાનું કામ