આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૯
યુદ્ધ હિંદુસ્તાનનાં બારણાં ઠોકે છે

“છેલ્લાં પચાસ વરસથી પ્રજા કૃત્રિમ શાંતિથી ટેવાયેલી છે. હવે તેણે અશાંતિથી ન ડરતાં શીખવાનું છે. ખોટી અફવાઓ રોકવી જોઈએ. અને લોકોને સમજાવવું જોઈએ કે, જો સલામતી જોઈતી હોય તો ગામેગામ જાતે જ બંદોબસ્ત કરી લેવો પડશે.
“આપસ આપસનાં વેરઝેર ભૂલી જવાં જોઈએ. ઊંચનીચના ભેદ, સ્પૃશ્યાસ્પૃશ્યના ભેદ, એવા બીજા અનેક જાતના ભેદ છોડી દેવા જોઈએ. લોકોએ હવે એક બાપની પ્રજા બનીને રહેવું જોઈએ. ગામડાંના વડીલો ગામની પ્રજાને પોતાની પાંખમાં લઈને બેસતા ને તેમને સાચવતા એવી સ્થિતિ પહેલાં હતી તે પાછી લાવવી જોઈશે. સરકાર પોતાની યુદ્ધતૈયારીનું કામ શાંતિ જાળવવાના ભોગે પણ કરવાની છે. એમાં આપણે સરકાર સાથે ઝઘડો કરવો નથી. પણ તમે સરકાર સામે મોં ફાડીને જોશો તો એમાં કાંઈ નહીં વળે.
“વર્ધાનો ઠરાવ આપણે માટે ખાસ કામનો નથી. કેટલાક મતભેદો હતા તે એ રીતે ચર્ચ્યા કે જેને જે કરવું હોય તે કરે. અમારે કશો વિરોધ કરવો નથી. એનાથી ફાયદો શો ? ને તે આ વખતે? દેશની આવી પરિસ્થિતિ છે તેને વખતે ? જો કોઈ સ્વરાજ લાવે એમ હોચ તે લઈ આવશે તો આપણને વહેંચી આપશે ને ? અને નહીં મળે તોયે ઝઘડો શું કામ જોઈએ ? ”

તા. ૨૬-૧-’૪રના સ્વાતંત્ર્ય દિને બારડોલીમાં ભાષણ આપતાં સરદારે કહ્યું :

“અત્યારે સરકારની સાત સંધાય અને તેર તૂટે એવી સ્થિતિ છે. જે વેગથી લડાઈ પાસે આવી રહી છે તે જોતાં કૉંગ્રેસના સિપાઈઓની બહાર જરૂર છે. એટલે વ્યકિતગત સત્યાગ્રહની લડત મુલતવી રાખવામાં આવી છે.
“આ લડાઈ એવી છે કે, તેમાં આખી દુનિયા ખલાસ પણ થાય. આ છેલ્લી લડાઈ છે કે હજી એકે થશે તેની ખબર નથી. પછી દુનિયાને ડહાપણ આવશે અને ગાંધીજી કહે છે એ માનશે ત્યારે જ લડાઈઓ અટકશે. વખત એવો આવવાનો છે કે, ઘણા માણસો એ વિચારશે અને માનશે.
“બનાવો તો ભયંકર પણ બનવાના હોય, પણ તેથી ડરવું ન જોઈએ. અત્યારે તો સમય એવો છે કે, કૉંગ્રેસવાળાઓએ ગામેગામ ફરી ખોટી વાત ફેલાવા ન દેવી. આપણે કોઈ જાતની ગભરામણ કરવાની જરૂર નથી. આપણાં છાપરાં ઉપર કોઈ બૉમ્બનો ખરચ કરે એમ નથી. સૂકો પાતળો રોટલો ખાઈ આપણે જીવી શકીએ એમ છીએ. માટે દાણા સંઘરી રાખો. કોઈ ભૂખે ન રહે એ જોતા રહો. ભૂખમરો ઉદ્વેગ પેદા કરે છે. ભૂખ્યાને ઉદ્યમ આપો અને રોટલો આપો. દરેક ગામ પોતાની ચોકીની વ્યવસ્થા કરે. ગામનું પંચ નીમી, ગામના કજિયા ઘરમેળે પતાવો, મારો સંદેશો એ છે કે, વસમો વખત આવવાનો છે. માટે ઊંચનીચના, કોમ કોમના ભેદ ભૂલી જઈ સંગઠન પાકું કરો અને ચોકીની પૂરી તૈયારી કરો. આવા વખતમાં આપણે પોતે જ આપણા ચોકીદાર. એવો વખત આવે કે, બહારથી વસ્તુ આવતી બંધ થાય. અમદાવાદમાં લાખ મજૂરો છે. અત્યારે તો રાતપાળી બંધ કરી છે. કારણ કોલસા મળતા નથી. લાકડાં બાળવા માંડ્યાં છે. તે લાવવાનાં સાધન પણ બંધ થશે ત્યારે મિલો