આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૦
સરદાર વલ્લભભાઈ

ફરી ગયો અને કૉંગ્રેસને માથે તેનો દોષ ઓઢાડતો ગયો. એ મિશન આખું અમેરિકાના પ્રજામતને રીઝવવા માટે જ યોજાયું હતું.”

“ક્રિપ્સ સાહેબની ખ્યાતિ તો સારી હતી. એમ માનવામાં આવતું હતું કે, સમાધાન થશે. પરંતુ ક્રિપ્સ સાહેબ જે લાવ્યા હતા તે જ્યારે મહાત્માજીએ જોયું ત્યારે તેમને ખાતરી થઈ ગઈ કે, ક્રિપ્સ સાહેબ મિત્રભાવે હળાહળ વિષ લાવ્યા હતા. અમેરિકાને સંતોષવા માટે જ ક્રિપ્સે આ એક ખોટો પ્રયાસ કર્યો હતો.
“ક્રિપ્સ સાહેબની યોજનાને દેશના કોઈ પણ પક્ષે સ્વીકારી નહીંં. ઊલટી તેને સર્વેએ તરછોડી કાઢી. અહીંથી ગયા બાદ ક્રિપ્સે જે જૂઠો અને હલકટ પ્રચાર કર્યો છે તે ઉપરથી બ્રિટિશ સરકારની દાનત પુરવાર થઈ છે.”

૩૪
હિંદ છોડીને ચાલ્યા જાઓ

અહિંસાની નીતિ જતી કરીને પણ હિંદનું બરાબર રક્ષણ કરી શકાય તે માટે કારોબારી સમિતિના બહુમતી સભ્ય મિત્ર રાજ્યો સાથે સમાધાન કરી લેવા તૈયાર હતા. પણ ક્રિપ્સ વિષ્ટિ નિષ્ફળ જવાથી એવા સમાધાનની જે કંઈ આશા તેઓ સેવતા હતા તે ઊડી ગઈ, અને કૉંગ્રેસ આગળ જપાની આક્રમણ સામે દેશનું રક્ષણ કેવી રીતે કરવું તેનો વિકટ કોયડો આવી પડ્યો. જપાન એટલા ઝપાટાથી હિંદ તરફ આગળ વધી રહ્યું હતું કે, હિંદના રક્ષણનો પ્રશ્ન બહુ તાકીદનો બની ગયો હતો. ક્રિપ્સ સાથે મસલતો ચાલતી હતી તે વખતે જ તા. ૬ઠ્ઠી એપ્રિલે કોકોનાડા અને વિઝાગાપટ્ટમ ઉપર જપાને બૉંબ ફેંક્યા હતા. સત્તાવાળાઓએ મદ્રાસ અને પૂર્વ કિનારા ઉપરનાં ઘણાં શહેર ખાલી કરાવ્યાં હતાં. બંગાળના ઉપસાગરમાં જપાની મનવાર ઘૂમી રહી હતી અને લંકાથી તે કલકત્તા સુધીના દરિયાકાંઠો હર કોઈ વખતે હુમલાના ભારે ભયમાં હતો. બ્રિટિશ સરકારે હિંદુસ્તાનમાં મોટા પ્રમાણમાં અમેરિકન લશ્કર ઉતારવા માંડ્યું હતું. ઓરિસા, બંગાળ તથા આસામમાં બચાવ માટે છેક છેલ્લી ઘડીએ વિમાની મથકો બાંધવાનું સરકારને સૂઝ્યું. તે માટે કેટલાંયે ગામો એમણે તાબડતોબ ખાલી કરાવવા માંડ્યાં. એ ગામવાસીઓને રહેવાની બીજી જગ્યા પણ સરકાર આપી શકી નહીં. આસામ અને બંગાળમાં કેટલેક સ્થળે તો અવરજવરનું મુખ્ય સાધન હોડીઓ જ હોય છે. રખેને જપાન અહીં આવીને એ હોડીઓનો ઉપયોગ