આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧૪
સરદાર વલ્લભભાઈ

દુશ્મનાવટ નથી. હિંદુસ્તાનની એકમાત્ર ઈચ્છા પરદેશી ધૂંસરીમાંથી છૂટવાની છે. સમિતિનો એવો અભિપ્રાય છે કે દેશની સ્વતંત્રતા માટેની આ લડતમાં, હિંદુસ્તાન જોકે આખી દુનિયાની સહાનુભૂતિને આવકારે છે, તો પણ કોઈ પણ પરદેશી લશ્કરની મદદ તેને ખપતી નથી, પોતાની અહિંસક શક્તિ દ્વારા હિંદુસ્તાન પોતાની મુક્તિ મેળવશે, અને એ શક્તિ દ્વારા જ તેને સાચવી રાખશે. તેથી આ સમિતિ આશા રાખે છે કે, જપાનને હિંદુસ્તાન ઉપર આક્રમણ કરવાનો ઇરાદો બિલકુલ નહીં હોય. છતાં જપાન હિંદુસ્તાન ઉપર આક્રમણ કરશે, અને બ્રિટન તેણે કરેલી અપીલનો કશો જવાબ નહીં આપે તો જેઓ કૉંગ્રેસ તરફથી માર્ગદર્શનની આશા રાખે છે તે સધળા પાસે સમિતિ એવી અપેક્ષા રાખશે કે તેઓ જપાની લશ્કર સાથે પૂરેપૂરો શાંતિમય અસહકાર કરશે, અને તેમને કોઈ પણ જાતની મદદ આપશે નહીં. જેમના ઉપર આક્રમણ થાય તેમની એવી ૨જ પણ ફરજ નથી કે આક્રમણકારને કશી મદદ કરવી. તેમની ફરજ તો સંપૂર્ણ અસહકાર દ્વારા સામનો કરવાની હોય.

“ અહિંસક અસહકારના સાદા સિદ્ધાંતો સમજવામાં મુશ્કેલી આવે એમ નથી :

૧. આપણે આક્રમણકારને જરા પણ નમતું ન આપીએ, તેમ તેના કોઈ હુકમનું પાલન ન કરીએ.
૨. તેની પાસેથી કશી મહેરબાની આપણને ન ખપે, તેમ તેની કોઈ પણ જાતની લાલચને આપણે વશ ન થઈએ. પરંતુ આપણે તેનો દ્વેષ ન કરીએ, તેમ તેનું ભૂડું ન ઇચ્છીએ.
૩. તે આપણાં ખેતરો કબજે લેવા આવે તો આપણે કબજો છોડવાનો ઇનકાર કરીએ. ભલે તેનો વિરોધ કરવાના પ્રયત્નમાં આપણે ખપી જવું પડે.
૪. છતાં જો તે માંદો પડ્યો હોય અથવા તરસે મરતો હોચ અને આપણી મદદ ઇચ્છે તો મદદ આપવાનો આપણે ઇન્કાર ન કરીએ.
૫. જે સ્થળોએ બ્રિટિશ અને જપાની લશ્કરો વચ્ચે લડાઈ ચાલતી હોય ત્યાં આપણો અસહકાર નકામો અને અનાવશ્યક થઈ પડે. અત્યારે બ્રિટિશ સરકાર સાથેનો આપણો અસહકાર મર્યાદિત સ્વરૂપનો છે. જ્યારે તેઓ ખરેખરી લડાઈમાં પડ્યા હોય, તે વખતે આપણે તેમની સાથે સંપૂર્ણ અસહકાર કરીએ તો એ વસ્તુ આપણા દેશને ઇરાદાપૂર્વક જપાનીઓના હાથમાં સોંપવા બરોબર થાય. તેથી જપાની સાથે આપણો અસહકાર દર્શાવવાની એકમાત્ર રીત ઘણી વાર એ પણ હોય કે બ્રિટિશ લશ્કરના માર્ગમાં આપણે કશું વિંઘ્ન નાખવું નહીં. પરંતુ અંગ્રેજોને કશી સક્રિય રીતે આપણે મદદ ન જ આપીએ. અત્યારનું તેનું વલણ જોતાં તો આપણે તેના માર્ગમાં કશી દખલ ન કરીએ એ ઉપરાંત બીજી કશી મદદ બ્રિટિશ સરકાર આપણી પાસેથી ઇચ્છતી જ નથી. તેઓ તો ગુલામ તરીકે આપણી મદદ ઇચ્છે છે. એ સ્થિતિ આપણે હરગિજ સ્વીકારી શકીએ એમ નથી.

“ભૂમિ ઉજાડવાના સંબંધમાં આપણી નીતિની સ્પષ્ટ જાહેરાત કરવાની જરૂર આ સમિતિને ભાસે છે. આપણે તેમની સાથે અહિંસક પ્રતિકાર કરતા