આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧૯
હિંદ છોડીને ચાલ્યા જાઓ

 “ મારી ન મૂંઝવવાની નીતિ મેં જે રૂપમાં વણવી છે તે રૂપમાં અખંડિત રહે છે. અંગ્રેજો જો ચાલ્યા જાય તો એમને કશી મૂઝવણ રહેતી નથી. એટલું જ નહીં પણ જો તેઓ એક આખી પ્રજાને ગુલામીમાં રાખવાનો અર્થ શું છે તેનો શાંતપણે વિચાર કરી જુએ તો એમને માથેથી જબરદસ્ત બોજો ઊતરી જાય છે. પોતાને વિષે દ્વેષની લાગણી પ્રવર્તે છે એમ સારી પેઠે જાણવા છતાં જો તેઓ રહેવાનો આગ્રહ રાખે તો તેઓ મુંઝવણ વહોરી લે છે. સત્ય આ ક્ષણે ગમે તેટલું કડવું લાગે તોપણ તે કહેવાથી હું મૂંઝવણ પેદા કરતો નથી.”



"અમારી નજર સામે જે બનાવો રોજ બનતા જોઈએ છીએ તે પ્રત્યે અમે આંખ મીચામણાં કરી શકતા નથી. ગામડાંઓને ખાલી કરાવીને તેને લશ્કરી છાવણીમાં ફેરવી નાખવામાં આવે છે, અને રૈચતને કહેવામાં આવે છે કે, તમે તમારું ફોડી લો. બ્રહ્મદેશથી આવતાં હજારો નહીંં, તોયે સેંકડો લોકો ભૂખે અને તરસે મૂઆ, અને એ કમનસીબ સ્થિતિમાં એક અકારો ભેદભાવ તેમને અનુભવવો પડ્યો. ગોરાઓને રસ્તો જુદો અને કાળાએને જુદો. ગોરાઓને માટે રહેવાની અને ખાવાપીવાની વ્યવસ્થા હાજર, કાળાઓ માટે કશું નહીં ! હિંદુસ્તાનમાં પહોંચ્યા પછી પણ પોતાના દેશમાં જ ભેદભાવ ! જપાનીઓ હજી આવ્યા નથી ત્યાં તો અમને તરછોડવામાં આવે છે અને પીલી નાખવામાં આવે છે. આ બધું હિંદીઓના રક્ષણ માટે તો નથી જ. ભગવાન જાણે કોના રક્ષણ માટે છે ? આથી એક ભલી સવારે હું એ નિખાલસ માગણી કરવાના નિર્ણય પર આવી ગયો કે ભગવાનને ખાતર હિંદુસ્તાનને એના નસીબ પર છાડી જુઓ. અમને છૂટાપણાનો દમ લેવા દો. પેલા અમેરિકન ગુલામને એકદમ છૂટા કરવાથી થયું તેમ અમારો છુટકારો અમને ભલે ગભરાવી મૂકે કે ગૂંગળાવી દે. પણ આજનો આ ઢોંગધતુરો તો ખતમ થવો જ જોઈએ.” (૭-૬-'૪૨ )



"પોતાના એશિયા તથા આફ્રિકાના મુલકોનો કબજો જાળવી રાખવા માટે જ બ્રિટન લડતું હોય તો ન્યાયના પક્ષનો દાવો કરીને લડાઈમાં જીત મેળવવાને તે પાત્ર નથી. મારી સૂચના સ્વીકારવાને પરિણામે બ્રિટનને પોતાની આર્થિક નીતિમાં મહત્ત્વના સુધારા કરવા પડે એ વાતથી હું અજાણ નથી. પણ જો આ લડાઈનું સંતોષકારક પરિણામ લાવવું હોય તો તે ફેરફારો સાવ જરૂરી છે.” (તા. રર-૧-'૪૨ )

આ યુદ્ધમાં કોઈ પણ રીતે મિત્રરાજ્યોનો વિજય થાય તેમાં જ લોકશાહીના સિદ્ધાંતની સલામતી છે અને જગતનું કલ્યાણ છે એવું માનનારા ઘણા વિચારવાન માણસે પડેલા હતા. તેમને ગાંધીજીની આ વાત બહુ એકાંગી અને ભૂલભરેલી લાગતી હતી. જે વખતે યુદ્ધ કટોકટીની રિથતિએ પહોંચ્યું હતું અને દુશ્મનો હિંદુસ્તાનનાં બારણાં ઠોકી રહ્યા હતા તે વખતે