આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
કરાંચી કૉંગ્રેસના પ્રમુખ

મરાયાના સમાચાર આવ્યા. તેથી ભારે ગમગીની ફેલાઈ. મુસલમાન કુટુંબને મારવા આવેલાં ઝનૂની ટોળાં આગળ સાચા સત્યાગ્રહી તરીકે ગણેશ શંકર વિદ્યાર્થી અડગ ઊભા રહ્યા હતા. તેઓ યુક્ત પ્રાંતની સમિતિના પ્રમુખ હતા. તેમના કુટુંબ પ્રત્યે દિલસોજી બતાવનારો જે ઠરાવ કૉંગ્રેસે પસાર કર્યો તેમાં જણાવ્યું કે,

“જેઓ ભયમાં આવી પડ્યા હતા તેમના પ્રાણ બચાવવાનો પ્રયત્ન કરતાં અને મારામારી અને ગાંડપણની વચ્ચે શાંતિ અને ડહાપણ સ્થાપવાનો પ્રયત્ન કરતાં, એક પ્રથમ દરજ્જાના આગેવાન કૉંગ્રેસી કાર્યકર્તાએ પોતાના પ્રાણની આહુતિ આપી છે તે માટે આ કૉંગ્રેસ ગર્વ લે છે.”

પણ આ કૉંગ્રેસ વિશેષ યાદગાર તો તેણે પસાર કરેલા ‘સ્વરાજના મૂળ હક્કો’ વિષેના મહત્ત્વના ઠરાવ માટે બની ગઈ છે. એ ઠરાવ કૉંગ્રેસનું કામ પૂરું થવા આવ્યું ત્યારે ઉતાવળમાં પસાર થયેલો હોઈ એમાં સુધારો કરવાની સત્તા કૉંગ્રેસે પોતાની મહાસમિતિને આપી હતી. તા. ૬, ૭, ૮ ઑગસ્ટ, ૧૯૩૧ના રોજ મહાસમિતિએ એ ઠરાવમાં કેટલાક સુધારા કરી તેને છેવટનું રૂપ આપ્યું. અત્યારે આપણું સ્વરાજ થઈ ગયું છે. છતાં એ ઠરાવમાં જણાવેલી ઘણી બાબતોનો અમલ હજી આપણે કરી શક્યા નથી એ ધ્યાનમાં રાખવા જેવું છે.

આટલા ઉપરથી જણાશે કે આ કૉંગ્રેસનું સુકાન ચલાવવું એ સહેલું નહોતું. છતાં સરદાર પોતાની વ્યવહારદક્ષતાથી જવાબદારીને પહોંચી વળી શક્યા. એક ખેડૂતને શોભે એવી રીતે તેમણે બધું કામ ચલાવ્યું. હિંદીમાં જ તમામ કામકાજ ચલાવવાનો આગ્રહ રાખ્યો. અને છેવટના ઉપસંહારના ભાષણમાં પોતાના હૃદયમાં રહેલું દર્દ તથા આંખમાં ભરેલા અંગારા તેમણે ઠાલવ્યા :

“ગાંધીજીને ૬૩ વર્ષ થવા આવ્યાં; મને પ૬ થવા આવ્યાં. સ્વરાજની ઉતાવળ તો અમને ઘરડાઓને હોય કે તમને જુવાનોને ? અમારે મરતાં પહેલાં હિંદુસ્તાનને આઝાદ જોવું છે, એટલે તમારા કરતાં અમને વધારે ઉતાવળ છે. તમે મજૂરો અને ખેડૂતોની વાત કરી છે. હું દાવો કરું છું કે ખેડૂતોની સેવા કરતાં હું બુઢ્ઢો થયો. છતાં તમારામાંના કોઈની પણ સાથે હરીફાઈમાં ઊતરવા તૈયાર છું. ખેડૂતો પાસે જે કુરબાની મેં કરાવી છે તેટલી ભાગ્યે જ તમારામાંથી કોઈએ કરાવી હશે. છ માસ પછી ફરી વખત આવશે તો બતાવીશ. નાહકના તમે શું કામ ફફડો છો ? છ માસમાં તમે બુઢ્ઢા નથી થઈ જવાના. એ વાત સાચી છે કે સરકારે રોષનાં કારણો ઘણાં આપ્યાં છે અને આપી રહી છે. પણ આપણે રોષ કર્યે પાલવે એમ નથી. આપણે અત્યારે તલવાર મ્યાન કરી છે. તેને કાટ ન ચડવા દેશો, તેને ઘસી ઘસીને ચળકતી રાખો. મદ્યનિષેધ, ખાદી, તથા આત્મશુદ્ધિના કાર્યક્રમ તો તમારી સામે પડેલા જ છે. તેમાંથી પ્રજાની