આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
સંધિનો અમલ

લૉર્ડ વિલિંગ્ડન તા. ૧૮–૪–’૩૧ના રોજ વાઈસરૉય પદે આવ્યા. તેઓ હિંદુસ્તાનના સારી પેઠે ભોમિયા હતા. મુંબઈ અને મદ્રાસમાં ગવર્નર થઈ ચૂકેલા હતા અને સિવિલ સર્વિસ સાથે તેમની સારી ગાંઠ બંધાઈ ગયેલી હતી. હિંદુસ્તાનમાંના બ્રિટિશ અમલદારોનું માનસ તેઓ બરાબર જાણતા હતા એટલું જ નહીં પણ એ માનસ સાથે તેમનો સમભાવ હતો, બલ્કે એ માનસ તેમણે પોતે પણ કેળવ્યું હતું. આ સંધિ પ્રત્યે અને સંધિના પ્રણેતા ગાંધીજી અને લૉર્ડ અર્વિન પ્રત્યે તેઓ કેવું વલણ ધરાવતા, તે ખાનગીમાં તેમણે કાઢેલા પણ બહુ જાણીતા થઈ ગયેલા તેમના આ ઉદ્‌ગારોમાં વ્યક્ત થાય છે : “એ તો અર્વિન ભલો માણસ તે આ નટખટ વાણિયાની જાળમાં ફસાયો. હું તો એને કોઠું જ ન આપું.” બીજે એક પ્રસંગે કહેલું : “વાનર યુક્તિઓવાળો એ લુચ્ચો (ગાંધીજી) મને ખોટો દેખાડવામાં હમેશાં ફાવી જાય છે.” જેનું આવું માનસ હોય તેની પાસેથી કેવી આશા રખાય ? અને અમલદારોને તે સંધિ અશક્ય બનાવવી જ હતી. વિલિંંગ્ડન સાહેબના રાજ્યમાં તેમને છૂટો દોર મળ્યો. વળી સંધિ થઈ ત્યારે ઇંગ્લંડમાં મજૂર પ્રધાનમંડળ સત્તા ઉપર હતું પણ સંધિ પછી થોડા જ વખતમાં તેણે રાજીનામું આપ્યું અને મુખ્ય પ્રધાન મિ. મૅકડોનલ્ડ જે મજૂર પક્ષનો નેતા હતો તેણે મિશ્ર પ્રધાનમંડળ રચ્યું. નવા પ્રધાનમંડળમાં કૉન્ઝર્વેટિવ પક્ષનું જોર વધારે હતું. આ ફેરફારને લીધે પણ પરિસ્થિતિમાં મોટો ફરક પડી ગયો.

લોકોએ જમીનમહેસૂલ ન ભરવાની લડત ઉપાડી તેથી અમલદારોનો પિત્તો સારી પેઠે ઊકળેલો તો હતો જ. એટલે સંધિ પછી જમીન મહેસૂલની બાકી વસૂલ કરવા માટે તેમણે ઠીક ઠીક આકરાં પગલાં લેવા માંડ્યાં. સંધિમાં ખાલસા કે જપ્ત થયેલી સ્થાવર તથા જંગમ મિલકત બાબતમાં તથા મહેસૂલની વસૂલાતની બાબતમાં નીચે પ્રમાણે શરતો થયેલી હતી :

“જમીનમહેસૂલ કે બીજી કોઈ દેવાની વસૂલાતને માટે ખાલસા કે જપ્ત થયેલી જમીન અને બીજી સ્થાવર કે જંગમ મિલકત જે સરકારના કબજામાં હશે તે પાછી આપવામાં આવશે, સિવાય કે જિલ્લાના કલેક્ટરને એમ માનવાને કારણ હોય કે કર ન આપનાર માણસ તેની પાસેથી લેવાનું લહેણું યોગ્ય મુદતમાં આપવાની આડાઈ કરીને જ ના પાડે છે. યોગ્ય મુદત કેટલી તે નક્કી કરવામાં, કર ન ભરનારા જે લોકોને પૈસા ભરવાની મરજી હોવા છતાં તે માટે ખરેખર મુદતની જરૂર હરશે, તેવાઓને વિષે ખાસ વિચાર કરવામાં આવશે, અને જરૂર હશે તો જમીન મહેસૂલના વહીવટના સામાન્ય ધારાધોરણ પ્રમાણે મહેસૂલ મુલતવી રાખવામાં આવશે.
“નુકસાનને માટે વળતર આપવામાં નહી આવે. જ્યાં જંગમ મિલકતને સરકારે વેચી દીધી હશે કે બીજી રીતે તેનો છેવટનો નિકાલ કર્યો હશે ત્યાં પણ