આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
સંધિનો અમલ


બોરસદને પોતાના રહેઠાણુનું મુખ્ય મથક બનાવ્યું. બંનેને કલેકટરો જેવા જિલ્લા અમલદારોની વારંવાર મુલાકાત લેવી પડતી; એમ કહીએ તોપણ ચાલે કે તેમની દાઢીમાં હાથ ઘાલવા પડતા, તેઓ અને કૉંગ્રેસી કાર્યકર્તાઓ મહેસૂલ ઉઘરાવી આપનારા વેઠિયા જ બન્યા હતા એમ કહીએ તો ચાલે. લોકો પાસે પરાણે પરાણે તેમણે મહેસૂલ ભરાવ્યું. પણ અમલદારોને તો લોકોને કનડવા જ હતા એટલે પાક્કી જૂની બાકીઓ માટે પણ તકાદા કરવા માંડ્યા અને સખતાઈનાં પગલાં લેવા માંડ્યાં. આથી સરદાર કેવા અકળાતા તે ગાંધીજી સાથે થયેલો નીચેનો સંવાદ તે વખતની મહાદેવભાઈની ડાયરીમાં છે. તે ઉપરથી જણાઈ આવે છે :

સરદારને ચિડાયેલા જોઈ બાપુએ પૂછ્યું: 'આના ઉપર તોડવું હોય તો તોડી શકીએ છીએ.'
સરદાર : ‘તોડીને શું ? અર્ધાએ તો ભરી દીધું. આ લોકો તકાદાની નોટિસ કાઢ્યે જાય છે. બીજા પણ ભરી દેશે. આપણે લોકોને કશી સ્પષ્ટ દોરવણી આપી શકતા નથી.'
બાપુ : 'કેમ નહીં ?'
સરદાર : 'જેનાથી ભરાય તે ભરે એ સ્પષ્ટ દોરવણી ના કહેવાય. હું તો તમને કહેતો જ હતો કે આ લોકો ચોર છે. એમની મુનસફી ઉપર વાત જ્યાં સુધી રાખશો ત્યાં સુધી આપણે મરી જવાના છીએ. પણ તમે તો કહ્યું કે ખરેખર મુલતવી આપશે, બે વર્ષની પણ આપશે. પણ એવું કશું આ લોકો આપતા નથી. બે વરસનું ભરવાનું લોકોને શી રીતે કહી શકાય ?'
બાપુ : ‘પણ જે ભરી શકે એવા હોય તેને પણ ન કહેવાય ?'
સરદાર : 'પણ ભરી શકે એવા નથી એ આપણે જાણીએ છીએ. ગભરાઈને તો બધાય ભરે.'
તે જ દિવસે બીજી એક વાતમાં પણ સરદારે બાપુનો વિરોધ કર્યો એટલે બાપુએ સરદારને કડકાઈથી પૂછયું: ‘ત્યારે મેં સમાધાન કર્યું તે તમારી ઉપરવટ થઈને કર્યું એમ જ તમે કહેવા માગો છો ના ? '
સરદારે વળી બીજી વાત સંભળાવીને કહ્યું : 'મેં તોડવાનું ન કહ્યું એ મારો ગુનો ?'
બાપુ: 'હું તો મારો ગુના વિચારી રહ્યો છું.'
ઘેર આવીને સરદાર સમજ્યા જણાયા. મને કહ્યું: 'બાપુને બહુ દુ:ખ થયું લાગે છે. પણ શું થાય ? આ તો એવો ગૂંચવાડો થયો છે કે મને તો કશી સૂઝ નથી પડતી.'
બીજે દિવસે સવારે બાપુના ઉદ્ગારો: ‘આપણાથી ગાંધીની શરતે ન લડી શકાચ, સરદારની રીતે જ લડાય’ એમ જે કહેવામાં આવે છે તેનું રહસ્ય હવે હું સમજું છું. . . . સરદારની બધી દલીલનો મદાર એ વાત ઉપર છે કે ખેડૂતોને હું (ગાંધીજી) જાણું છું તેના કરતાં એ (સરદાર) વધારે જાણે છે. આપણે એ લોકોને એમ ન કહી શકીએ કે જેનાથી ભરી શકાય તે ભરી દે.