આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
સરદાર વલ્લભભાઈ
લખતો હોય એમ તો લાગે જ છે. ગૅરેટને અહીંથી કહ્યું લાગે છે કે સંખતીનાં પગલાંનો ઉપયોગ જેમ બને તેમ ન કરવો. પણ એનો અમલ કરવાનો એના હાથમાં રહ્યો ના ? પટેલોને વિષેની કાયમી નિમણૂકના અર્થની બાપુની દલીલ વિષે ગૅરેટ કહે છે કે ભલે ગાંધીનો અર્થ સાચો હોય પણ સમાધાનીના ભાવથી એ અર્થ વિરુદ્ધ છે !”

એક બીજા કાગળમાં મહાદેવભાઈ લખે છે :

“અહીં (સીમલામાં) બધા લોકો માને છે કે સમાધાનીનો ભંગ મુંબઈના અમલદારો — ખાસ કરીને ગૅરેટ — જેટલો કરી રહ્યા છે તેટલો ભાગ્યે જ બીજા કોઈ કરતા હશે. બાપુ કહે છે: ‘ગૅરેટને સીધો કરવો હોય તો ઘડીકમાં કરી શકાય. પણ એટલા ખાતર સંધિને તોડવી એ ઠીક ન કહેવાય. એટલે રાહ જોઈ રહ્યો છું.”

એ જ કાગળમાં વળી લખે છે :

“આ વાઈસરૉય અહીં આવ્યો તે પહેલાં અહીંના ધૂર્તોએ બધા પ્રાંતોમાં પરિપત્રો કાઢેલા કે સમાધાનીનો અર્થ એ નથી કે સરકારનું રાજ્ય બંધ થયું છે, સરકારે રાજ્ય કરવાનું ચાલુ રાખવું.”

જુલાઈ માસમાં ‘પાયોનિયર’નો દિલ્હીનો ખબરપત્રી, જેને મોટા સરકારી અમલદારો પાસેથી બાતમી મળતી હોવાનો સંભવ હતો, તે લખે છે :

“પં. જવાહરલાલની પ્રવૃત્તિઓથી અહીં કાંઈક ખળભળાટ થયો છે. એ અને શ્રી વલ્લભભાઈ પટેલ સળગાવનારાં ભાષણો કરી રહ્યા છે. ગાંધી–અર્વિન સમાધાની પહેલાં તેઓને એવાં ભાષણો માટે તુરતાતુરત જેલ મળી ગઈ હોત. અહીં વિશ્વાસપાત્ર સ્થળોએ એમ માનવામાં આવે છે કે તેમના ઉપર નોટિસો બજાવવામાં આવે એવો સંભવ છે. તેનો ભંગ કરતાં જ તેમને પકડવામાં આવશે. અહીં એવી પણ સખત અફવા છે કે સુલેહને જોખમમાં નાખે એવી તેમની આ પ્રવૃત્તિઓ વિશે તેમ જ ખાન અબદુલ ગફારખાનના વર્તન વિષે ગાંધીજીને ખબર આપવામાં આવી છે.”

આવા અહેવાલોનો ઉલ્લેખ કરીને મહાદેવભાઈ સરદારને લખે છે :

“એ લોકોની લડવાની તૈયારી ચાલી રહી છે. બાપુ પણ એ માને છે. ખેડામાં ૧૮ાા લાખ ઉઘરાવ્યા અને માત્ર ૭૮ હજાર બાકી છે. તેમાં આ લોકો આટલો ઉત્પાત કરી રહ્યા છે. સામાન્ય વર્ષોમાં પણ આટલી બાકી તો રહે.”

આ બધા ઉતારા એટલા માટે આપ્યા છે કે સમાધાની થઈ ત્યારથી જ અમલદારોનું વલણ કેવું હતું અને વખત જતાં તેણે કેવું ઉગ્ર રૂપ લેવા માંડ્યું તેનો ખ્યાલ આવે.

ગુજરાતમાંથી લડત દરમ્યાન ઘણા મુખીઓએ રાજીનામાં આપ્યાં હતાં. સંધિની શરતો પ્રમાણે જ્યાં બીજાની કાયમી નિમણૂક ન થઈ હોય ત્યાં તેમને પાછા નોકરી ઉપર ચડાવવા જોઈતા હતા. પણ ગયા પ્રકરણમાં આપણે જોયું કે તાલુકા તથા જિલ્લા અમલદારો તેમાં કાંઈ ને કાંઈ ગચ્ચાં નાખતા હતા. એ બધાના કેસોની વિગતમાં આપણે નહીં ઊતરીએ, પણ