આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
સરદાર વલ્લભભાઈ
અપમાન કર્યું છે તેને આ કારોબારી સમિતિ સખત રીતે વખોડી કાઢે છે. ચટગાંવમાં ગુંડાઓને રોકીને તેમનાં તોફાનને કોમી રંગ આપી, કોમી રમખાણ જગવવાનો ઇરાદાપૂર્વક પ્રયત્ન થવા છતાં, ખરેખર કોમી તોફાન જરાયે ન થયું તેની કારોબારી સમિતિ સંતોષપૂર્વક નોંધ લે છે.”

બંગાળમાં આ વખતે સંખ્યાબંધ માણસોને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. બહારના માણસો ઉપર જેમ ત્રાસ વર્તાવવામાં આવતો હતો તેમ જેલની અંદરના અટકાયતી કેદીઓ પણ ત્રાસમાંથી મુક્ત રહેવા પામતા નહોતા. ૧૬ મી સપ્ટેમ્બરના રોજ કોઈ નજીવું બહાનું કાઢી હિજલી ખાતેના અટકાયતી કેદીઓ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં સરકારી રિપોર્ટ પ્રમાણે બે કેદીઓ માર્યા ગયા અને વીસને ગંભીર ઈજા થઈ. જેલમાં રાખેલા કેદીઓ ઉપર ગોળીબાર કરવો એ ભારે ઘાતકી અને હિચકારું કૃત્ય ગણાય. એટલે આ વાત બહાર આવતાં આખા દેશમાં મોટો હાહાકાર થઈ ગયો. કવિવર રવીન્દ્રનાથ ઠાકુર જેઓ રાજકારણમાં ભાગ લેતા નહોતા તેમણે પણ જાહેર સભામાં આ કૃત્યને વખોડી કાઢતું ભાષણ કર્યું. એટલે સરકારને આ ગોળીબાર માટે તપાસ કરવા એક કમિટી નીમવી પડી. એ કમિટીએ પોતાના રિપોર્ટમાં છાવણીના ગોરા અમલદારોને ગાળીબારમાં સામેલગીરીના આરોપમાંથી મુકત ગણ્યા, છતાં એટલું તો ઠરાવ્યું કે, “ગોળીબાર અને લાઠીઓ તથા સંગીન વડે કરવામાં આવેલા હુમલા માટે કોઈ પણ વાજબી કારણ નહોતું.” આમ તેઓએ સામાન્ય સિપાઈઓને માથે બધો દોષ ઢોળ્યો અને ગોરા અમલદારોને આ કરપીણ હત્યાકાંડની જવાબદારીમાંથી મુક્ત ગણ્યા. પણ સરકારી રિપોર્ટની ભાષામાં ‘કોઈ પણ કારણ વિના જ’ નજરકેદીઓ પ્રત્યે પોલીસો પશુતાથી વર્ત્યા તેનું કારણ શું હોવું જોઈએ ? પોતાના ઉપરી અમલદારો ખુશ થશે એવું લાગવાથી જ તેઓ એ તેમ કર્યું હતું એમ માન્યા સિવાય ચાલતું નથી.

બંગાળના આ અત્યાચારોના સમાચાર ગાંધીજીને લંડનમાં મળતા જ હતા. એટલે એમણે સરદારને તાર કર્યો :

“બંગાળમાં ચાલતા દમનથી અને બીજી બાબતોથી હું પરેશાન છે. અહીં પણ કાંઈ વળે તેમ નથી. છતાં હાજરી આવશ્યક છે એમ જોઉં છું. યુરોપમાં પણ થોડુંક ફરવું આવશ્યક લાગે છે. આનો અર્થ એ થાય કે હું જાન્યુઆરીના મધ્યમાં દેશ આવી શકું. બધું વિચારીને અભિપ્રાય આપો.”

સરદારે વર્કિંગ કમિટીની મીટિંગ બોલાવી, બધાની સાથે મસલત કરી તા. ૮–૧૧–’૩૧ના રોજ તારથી નીચે પ્રમાણે જવાબ આપ્યો :

“આપના તાર ઉપર વર્કિંગ કમિટીએ વિચાર કર્યો. અહીં જે સમાચાર મળે છે તે ઉપરથી લાગે છે કે આ૫તું ત્યાં વધુ રોકાવું વ્યર્થ છે. તેનો અનર્થ પણ