આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
સરદાર વલ્લભભાઈ


“આપ પોતે ગોળમેજી પરિષદમાં ગયેલા હોઈ હિંદુસ્તાનમાં નહોતા, અને આપ જે વલણ અખત્યાર કરો છો તે જોતાં યુક્ત પ્રાંતોમાં તથા સરહદ પ્રાંતમાં ચાલી રહેલી કૉંગ્રેસની પ્રવૃત્તિ માટે આપ જવાબદાર છો અથવા તો તે પ્રવૃત્તિને આપની પસંદગી છે એવું માનવા નામદાર વાઈસરૉય રાજી નથી. જો હકીકત એ જ પ્રમાણે હોય તો વાઈસરૉય સાહેબ આપને મળવા રાજી છે અને ગોળમેજી પરિષદની કાર્યવાહીમાં જે સહકારની વૃત્તિ દર્શાવવામાં આવેલી છે તે ટકાવી રાખવા માટે આપ આપની લાગવગનો ઉપયોગ વધુમાં વધુ કેવી રીતે કરી શકો, તે બાબતમાં પોતાના વિચારો પણ તે આપને જણાવશે. પરંતુ નામદાર વાઈસરૉય એ વસ્તુ તો ભાર દઈ ને કહેવા ઇચ્છે છે કે બંગાળ, યુક્ત પ્રાંતો તથા સરહદ પ્રાંતમાં નામદાર શહેનશાહની સરકારની સંપૂર્ણ મજૂરીથી હિંદી સરકારને જે ઇલાજો લેવા પડ્યા છે એ બાબત તેઓ આપની સાથે ચર્ચા કરવા તૈયાર નથી. સુરાજ્યને માટે કાયદા અને શાંતિનું સંરક્ષણ આવશ્યક છે. અને તે હેતુથી જ આ ઇલાજો લેવામાં આવ્યા છે, અને એ હેતુ સધાય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં તે અમલમાં રહેશે.”

તે જ દિવસે રાત્રે ગાંધીજીએ વાઈસરૉયના તારનો વિગતવાર જવાબ આપતો લાંબો તાર કર્યો. તેમાં જણાવ્યું કે,

“મારી વિનંતીની કદર કરવાને બદલે મારા મોંઘા સાથીઓનો મારે ઇનકાર કરવો એવી માગણી કરીને વાઈસરૉય સાહેબે તેને અસ્વીકાર કર્યો છે. આવા હીન આચરણનો અપરાધી બનીને હું મુલાકાત લેવા આવું તો પણ મને કહેવામાં આવે છે કે રાષ્ટ્રને માટે જીવનમરણ જેવી મહત્ત્વની આ બધી બાબતો ઉપર હું ચર્ચા પણ ન કરી શકું ! ઑર્ડિનન્સો અને તેની રૂએ થયેલાં કૃત્યોનો જબરો વિરોધ ન કરવામાં આવે તો પ્રજા તદ્દન નિર્માલ્ય થઈ જાય. મારે મન તો ઑર્ડિનન્સો અને જુલમો આગળ રાજ્યબંધારણના સુધારાનો પ્રશ્ન કશી વિસાતમાં રહેતો નથી. સુધારાના લોભમાં પડીને કોઈ પણ સ્વમાનવાળો હિંદી આવી રીતે પ્રજાનો જુસ્સો મારી નાખવાનું જોખમ નહીં ખેડે એવી મારી આશા છે.”

દરમ્યાન કાર્યવાહક સમિતિ તો દરરોજ મળતી જ હતી. તેણે તા. ૩૧મી ડિસેમ્બરના રોજ લાંબો ઠરાવ કરીને, જો સરકાર પાસેથી દાદ ન જ મળે અને સવિનયભંગ ફરી ચલાવવો જ પડે તો, તેની લડતનો બધો કાર્યક્રમ પણ પ્રજા આગળ મૂકવા માટે નક્કી કરી રાખ્યો હતો. એટલે ઉપરના પોતાના તારમાં જ ગાંધીજીએ જણાવ્યું હતું કે,

“સરકાર સાથે સહકાર કરવાની મારી ઇચ્છા અને ખુશી છે. પણ તેની સાથે મારી મર્યાદાઓ પણ વાઈસરૉય સાહેબને મારે જણાવી દેવી જોઈએ. અહિંસા એ મારો પરમ સિદ્ધાંત છે. સવિનય ભંગને હું લોકોનો જન્મસિદ્ધ હક્ક માનું છું. ખાસ કરીને જ્યારે પોતાના દેશના રાજ્યતંત્રમાં અસર પાડે એવો પોતાનો અવાજ ન હોય ત્યારે તેની અસરકારક અવેજી તરીકે પણ હું તેને ગણું છું. એટલે હું મારા સિદ્ધાંતનો કદી ઇન્કાર કરવાનો નથી. એ સિદ્ધાંતને અનુસરીને