આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
સરદાર વલ્લભભાઈ
જુદો કાઢીને તેના ઉપર સીલ માર્યાં છે. કેટલીક જગ્યાએ શાંત પિકેટિંગની મદદથી અને ઘેરઘેર જઈને સમજાવટથી આ કામ ચાલી રહ્યું છે. જેટલા જોશથી એ કામ ચાલે છે તે ઉપરથી એટલું કહી શકાય કે લોકોની મનોવૃત્તિમાં ગાંધી–અર્વિન કરારથી જે ફેરફાર કરી શકાયો હતો તેવો ફેરફાર કરવામાં ન આવે તો, સરકારના ગમે તેટલા ઑર્ડિનન્સો નીકળે અને સરકાર દમનનાં ગમે તેટલાં પગલાં લે તોપણ બ્રિટિશ કાપડ અને બીજા માલનું વેચાણ ઘટતું જ જવાનું છે. આ ચળવળમાં સ્ત્રીઓ બહુ મહત્ત્વનો ભાગ ભજવવા લાગી છે.
“બીજી રીતે પણ આ ચળવળ મજબૂત થતી જાય છે. સરકારના અન્યાયી અને જુલમી હુકમોની સામે વિરોધનો જુસ્સો વધારે તીવ્ર અને વ્યાપક થતો જાય છે. ખરી રીતે તો દમનથી જુસ્સાના અગ્નિને પોષણ મળ્યું છે. પોલીસના અને લશ્કરના સંયુક્ત જુલમથી ચળવળના દેખાવો બહુ થતા નથી. પણ પહેલાં કરતાં તેનું ખરું બળ ઘણું વધ્યું છે. જ્યાં જ્યાં પોલીસે વિરોધ કર્યો ત્યાં ત્યાં બિનસત્તાવાર રીતે મીઠું બનાવવાનું ફરી શરૂ થયું છે. આખા દેશમાં મૅજિસ્ટ્રેટોના અને પોલીસના હુકમોનો લોકો છડેચોક ભંગ કરી રહ્યા છે. મૅજિસ્ટ્રેટોના મનાઈ હુકમ છતાં અને લાઠીના હુમલા તથા ગોળીબાર છતાં સભાઓ ભરવાના અને સરઘસ કાઢવાના પ્રયત્નો ચાલુ છે. સરકારી અમલદારોને ખૂબ કામ મળી ગયું છે. ફતવાઓના સારી પેઠે અંકુશોવાળાં વર્તમાનપત્રના રિપોર્ટો પ્રમાણે પણ આજ સુધીમાં જેલમાં પુરાયેલાની સંખ્યા ૪૬,૫૩૧ છે. દેશની અંદરનાં દૂરનાં ગામડાંમાં ઘણાં માણસોની ધરપકડ થઈ છે, તેમની સંખ્યા આમાં આવી જતી નથી. અત્યાર સુધીમાં થયેલી ધરપકડનો કૉંગ્રેસનો અંદાજ ૬૦,૦૦૦ નો છે. સર સેમ્યુઅલ હોરે પોતે કબૂલ કર્યું છે કે કૉંગ્રેસ તરફથી હિંસા થયાના જવલ્લે જ કોઈ દાખલા બન્યા છે. તેમ છતાં સામાન્ય રીતે શાંત હોય એવાં ટોળાં ઉપર છેલ્લા ત્રીસ દિવસમાં પહેલાં કરતાં ઘણા વધારે ગોળીબારો થયા છે. લાઠીના હુમલાનો તો કંઈ હિસાબ નથી. લોકોનો જુસ્સો દાબી દેવામાં તે નિષ્ફળ નીવડ્યા છે, એમ સમજી લઈને સરકારે હવે લાઠી વાપરવાનું ઓછું કરી નાખ્યું છે. હવે તો લાઠીના હુમલા અને જેલની સજાને બદલે લોકોને બહુ હલકી અને ઘાતકી રીતે ત્રાસ આપવાનું અને અપમાનિત કરવાનું ચાલે છે. ભયંકર મારઝૂડ કરીને લોકોનો જુસ્સો દાબી દેવાનો પ્રયત્ન સરકારે શરૂ કર્યો છે. તેના થોડા દાખલા નીચે આપ્યા છે:
“ગુજરાતમાં બે સ્થળે ગ્રામવાસીઓને દિશાએ જતાં પાણી લઈ જતાં અટકાવવામાં આવ્યા હતા. પોલીસોએ તેમનાં કપડાં ફાડી નાખ્યાં અને તેમને નાગા કર્યા. મુંબઈ અને કાનપુરમાં માત્ર એટલા વહેમ ઉ૫રથી જ, કે તેઓ કૉંગ્રેસ સાથે સહાનુભૂતિ રાખે છે — ઘણા આબરૂદાર વેપારીઓ ઉપર એવા અપમાનજનક હુકમો કાઢવામાં આવ્યા કે તેમણે ઘરની અંદર જ રહેવું અથવા અમુક હદથી બહાર જવું નહીં. આ હુકમો માનવાનો તેમણે ઇનકાર કર્યો. એટલે તેમને બહુ લાંબી સજાઓ તથા ભારે દંડ કરવામાં આવ્યા. જેલમાં પણ સામાન્ય ગુનેગારના જેવું જ વર્તન તેમની સાથે રાખવામાં આવે છે. બિહારમાં કેટલાક સ્વયંસેવકોને નાગા કરવામાં આવ્યા અને એક માણસની તો મૂછો