આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
સરદાર વલ્લભભાઈ
નિર્દય રીતે ઘસડવામાં આવ્યા અને પછી તેમણે પીવાનું પાણી માગ્યું ત્યારે તેમને ફટકા મારવામાં આવ્યા. માણસો બેભાન થઈ જાય ત્યાર પછી પણ તેમને મારવામાં આવે છે. આવા અત્યાચારનો ભાગ થઈ પડેલા માણસોને સારવાર માટે દાખલ કરતી ઇસ્પિતાલો બંધ કરવામાં આવે છે અને તેમાંના દરદીઓને હાંકી કાઢવામાં આવે છે. કેટલીયે કેળવણીની સંસ્થાઓ ગેરકાયદે જાહેર કરવામાં આવી છે. નાના છોકરાઓને પણ ફટકા મારવામાં આવ્યા છે. કેટલાક માણસોને તો તેમના પોતાના ઘરમાં જ પૂરી રાખવામાં આવે છે. એક એંશી વર્ષની વૃદ્ધ બાઈને જેલની સજા કરવામાં આવી છે. અલ્લાહાબાદની સ્વદેશી લીગની મિલકત જબરજસ્તીથી લઈ જવામાં આવી. ગાંધીજી અને સરદાર પટેલને બતાવતી ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચરખા સંઘનાં ઘણાં કાર્યાલયો અને ખાદી ભંડારો ઉપર જપ્તી મૂકવામાં આવી છે. એક ખાદી ભંડારનો વ્યવસ્થાપક રાષ્ટ્રીય વાવટા વેચતો હતો તેટલા માટે તેને પકડવામાં આવ્યો. એક બાર વર્ષના છોકરા પાસે જામીન માગવામાં આવ્યા, અને તે ન આપવામાં આવ્યા એટલે એક વર્ષની સજા કરવામાં આવી. એક મજૂર મહાજનના પ્રમુખને એના ઘરમાં જઈને લાઠીઓ મારી. કૉંગ્રેસ હડતાલમાં ભાગ લેવા માટે એક વિદ્યાર્થીને કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો. તેના તરફ સહાનુભૂતિ બતાવવા માટે કલકત્તાની બેથ્યુન કૉલેજની સાઠ વિદ્યાર્થિનીઓ એક દિવસ કૉલેજમાં ગેરહાજર રહી, તે માટે તેમને પણ કૉલેજમાંથી બરતરફ કરવામાં આવી. અલ્લાહાબાદમાં નિશાળોના હેડમાસ્તર ઉપર ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે એવા હુકમ કાઢ્યા છે કે છોકરાઓને કૉંગ્રેસની સભાઓ તથા સરઘસમાં ભાગ લેતા રોકવા માટે તેમના ઉપર જાસૂસી કરવી. આ બધું છતાં ચળવળમાં જોડાનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જ જાય છે. થોડા વખત પછી શાળાઓ અને કૉલેજોમાં લાંબી રજા પડશે ત્યારે એ લોકો મોટી સંખ્યામાં ચળવળમાં જોડાશે. કાનપુર, અલાહાબાદ અને કલકત્તામાં ત્યાંના વેપારીઓ ઉપર મૅજિસ્ટ્રેટે એવા હુકમ કાઢ્યા છે કે કૉંગ્રેસની હડતાલના દિવસોએ તેમણે પોતાની દુકાનો બંધ રાખવી નહીં. આ હુકમોની અવજ્ઞા થઈ અને પહેલાં કરતાં હડતાલ ઊલટી વધારે સખત થઈ. બધા જ દુકાનદારોએ સંપ કરીને સંયુક્ત પગલું લીધું તેની સામે મૅજિસ્ટ્રેટો પણ લાચાર બન્યા. એવા સમાચાર બહાર આવ્યા છે કે જેલમાં કૉંગ્રેસવાળાઓ પ્રત્યે ગુનેગાર કેદીઓના જેવું વર્તન ચલાવવામાં આવે છે. માણસની ખાનગી મિલકત તેમ જ જાહેર સંસ્થાઓની મિલકત જપ્ત કર્યાના કેટલાય દાખલા બન્યા છે. કૉંગ્રેસના કામ માટે તેનો ઉપયોગ થતો હોવાનો કેવળ વહેમ હોવાથી એ મિલકતનો કશો જ ઉપયોગ ન કરવાના હુકમો કાઢવામાં આવ્યા છે.
“અત્યારે ચાલી રહેલા જુલમોનો પૂરો ખ્યાલ આપો અશક્ય છે. પણ જેલ જનારાઓની સંખ્યા વધતી જ જાય છે. જે રાષ્ટ્રીય કાર્ચકર્તાઓથી ઊભરાઈ જવા માંડી છે. ચળવળના જે થોડા સમાચારો છાપાંમાં આવે છે તે ઉપરથી પણ જણાય છે કે લોકો દબાઈ જવાને બદલે, તેમના ઉપર જેમ જેમ વધારે સખતાઈ અને વધારે જુલમ કરવામાં આવે છે તેમ તેમ તે વધારે અક્કડ થતા જાય છે. તેમના વિરોધનો જુસ્સો એટલો વધે છે કે તેઓ વધારે ને વધારે