પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૮
સર્વોદય

વેપારીઓ ભેળવણી કરે છે. જેમકે દૂધમાં ટંકણખાર નાખે છે, આટામાં પટેટાં નાખે છે તેમ જ કૉફીમાં ચીકરી, માખણમાં ચરબી વગેરે. આ પણ ઝેર દઈને પૈસાદાર થવા જેવું છે. આને આપણે પૈસાદાર થવાનો હુન્નર અથવા તેવું શાસ્ત્ર કહીશું ?

પણ અર્થશાસ્ત્રીઓ લૂંટીને પૈસાદાર થવું તદ્દન કહેતા હોય એમ નહિ માનવું જોઈએ. તેઓએ કહેવું જોઈએ કે તેઓનું શાસ્ત્ર 'કાયદેસર અને ન્યાયી' રસ્તે પૈસાદાર થવું એ છે. ઘણી વસ્તુ કાયદેસર હોય છતાં ન્યાયબુદ્ધિથી ઊલટી હોય એવું આ જમાનામાં બને છે. એટલે ન્યાયની રીતે દોલત મેળવવી એ જ ખરો રસ્તો ગણાય. અને જો ન્યાયથી જ દોલત મેળવવી એ ખરું હોય તો માણસનું પ્રથમ કામ ન્યાયબુદ્ધિ શીખવાનું છે. માત્ર આપલેના કાયદાથી કામ લેવું કે વેપાર કરવો એટલું જ નથી. માછલાં, વરુ, ઉંદર એ જ રીતે રહે છે. મોટી માછલી નાની માછલીને ખાય છે, ઉંદર નાનાં જંતુઓને ખાય છે, વરુ માણસ સુધ્ધાંને ખાય છે. તેઓનો એ જ કાયદો છે; તેઓને બીજી સમજ નથી. પણ ખુદાએ માણસને સમજ આપી છે, ન્યાયબુદ્ધિ આપી છે. તેની રૂએ તેણે બીજાઓને ખાઈ જઈ – તેઓને છેતરી, તેઓને ભીખારી કરી પોતે પૈસાદાર થવાનું નથી.