આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સર્વોદય સમાજની ઝાંખી
 

તેઓ લખે છે કે સર્વોદયના સિદ્ધાંતો હું આમ સમજ્યો :

(૧) બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.
(૨) વકીલ તેમજ વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમકે આજીવિકાનો હક બધાને એકસરખો છે.
(૩) સાદી મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.

પહેલી વસ્તુ હું જાણતો હતો, બીજી હું ઝાંખી જોતો હતો. ત્રીજીનો મેં વિચાર જ નહોતો કર્યો. પહેલીમાં બીજી બંને સમાયેલી છે, એ મને સર્વોદયે દીવા જેવું દેખાડ્યું,

વિનોબાએ સર્વોદયનો સરળ અર્થ સમજાવતાં કહ્યું છે કે :

“પરંતુ આપણે આપણાં જીવન એવા બનાવ્યાં છે કે એકનું હિત સાધવા જતાં બીજાના હિતનો વિરોધ ઊભો થાય છે. ધન વગેરે જે ચીજોને આપણે લાભદાયી માનીએ છીએ તેનો, બીજાની પરવા કર્યા વગર અને કેટલીક વાર તો એની પાસેથી છીનવી લઇને પણ, સંગ્રહ કરીએ છીએ. ધનને એટલે કે સુવર્ણને આપણે પ્રેમથી પણ વધુ મૂલ્યવાન ગણીએ છીએ. એવી સુવર્ણની માયા દુનિયામાં ફેલાઈ ગઈ છે. તેનું પરિણામ એ આવ્યું છે કે પરસ્પર મેળ અથવા સમન્વય, જે સહેલો હોવો જોઈએ તે અઘરો થઈ પડ્યો છે. આ મેળની શોધમાં કેટલાયે રાજકીય, સામાજિક અને આર્થિક શાસ્ત્રો લખાયાં છે, છતાં સૌનું હિત સાધી શકાયું નથી. પરંતુ આપણે એક સાદી વાત સમજી જઈએ, તો એ સધાય. દરેક વ્યક્તિએ બીજાની ચિંતા રાખવી જોઈએ, અને પોતાની ચિંતા પણ એવી ન રાખે જેથી બીજાને તકલીફ થાય. એ પ્રમાણે આપણાં કુટુંબમાં ચાલે છે જ. કુટુંબનો આ ન્યાય સમાજને લાગુ પાડવાનું કઠણ ન લાગવું જોઈએ, ઊલટું સહેલું લાગવું જોઈએ. એને ‘સર્વોદય’ કહે છે.

‘સર્વોદય’નો આ એક બહુ સહેલો અને સીધો અર્થ છે. આપણે જેમજેમ એનો પ્રયોગ કરતા જઈશું, તેમતેમ એના બીજા વધારે અર્થ પણ નીકળશે. પણ એનો ઓછામાં ઓછો સ્પષ્ટ અર્થ એ છે, અને એમાંથી જ આ પ્રેરણા મળે છે કે આપણે બીજાની કમાઈનું ખાવું જોઈએ નહીં. આપણે આપણી પોતાની કમાઈ જ ખાવી જોઈએ. બીજાનું ધન કોઈ રીતે આપણે લઈ લઈએ, તે આપણી કમાઈ ન કહેવાય, કમાઇનો અર્થ પ્રત્યક્ષ પેદાશ, એ છે. આ બે નિયમોનું આપણે પાલન કરીએ તો સર્વોદય સમાજનો પ્રચાર દુનિયામાં થઈ શકે.