આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧. સર્વોદયનો અર્થ
 


આ વસ્તુ ઈંગ્લંડમાં સૌથી વધારે પ્રમાણમાં બની, કારણ યંત્રઉદ્યોગો સ્થાપવામાં તેઓ સૌથી આગળ હતા. મજૂરો ઉપરનો ત્રાસ અને તેમનું અમર્યાદ શોષણ જોઈ ઈંગ્લંડના જ ઘણા વિચારવાન લેખકો આ પ્રથાની સામે થયા. જર્મનીમાં કાલ માર્ક્સ નામના વિચારક અને લેખકે આ અનિષ્ટો જોઈ વ્યક્તિસ્વાતંત્ર્યવાદને બદલે સમાજવાદની ઘોષણા કરી.

ઈંગ્લંડના લેખકોમાં રસ્કિન નામનો લેખક બહુ શક્તિશાળી હતો. તેણે આખી મૂડીદારી પ્રથાનો પ્રબળ વિરોધ કર્યો. તેણે એક પુસ્તક લખ્યું. બાઈબલમાં આવતી એક વાર્તામાં ‘Unto this last’ એટલે ‘આ છેલ્લાને પણ’ એવો શબ્દપ્રયોગ આવે છે, તે ઉપરથી પોતાના પુસ્તકનું નામ તેણે ‘Unto this last’ રાખ્યું.

બાઈબલમાંની એ વાર્તાને ભાવાર્થ સ્વામી આનંદે પોતાની તળપદી કાઠિયાવાડી ભાષામાં બહુ જોરદાર અને અસરકારક રીતે આપ્યો છે. એટલે એ વાતનો ભાવાર્થ એમની જ ભાષામાં અહીં આપીએ છીએ.

રામનો ખેડુ હતા. ઘરે કામ બો’ળાં દા’ડિયા રાખીને પૂરાં કરાવે, દા’ડી[૧] પાલી જારની.

ખેડુએ સવારને પો’ર ચાર દા’ડિયા રાખ્યા. પો’ર ચડ્યો ને બીજા આવ્યા ઈમનેય રાખ્યા બપોર થ્યા સુધી કામ નો’તું મળ્યું એવા હજીય ગામના ચોકમાં ઊભા ભાળ્યા.

“હાલો બાપા ! કામ આલું.”

“આતા ! આટલો દ’ન ગ્યો; હવે દા’ડી ચ્યમ આલશો ?”

“ધરમ માથે રાખીને આલેશ, માથે મારા રામને સમજીને આલેશ; હાલો તમતમારે કામ જો’તું હોય તો.”

ઓલ્યાચ આવ્યા ને કામે વળગ્યા.

તીજે પો’ર વળી બીજા આવ્યા. તીમનેય રાખ્યા. એક બચાડો દ’ન બધો કામની આશાયે ઊભો રયો’તો તે સાવ પાછલે પો’ર આવ્યો.


  1. ૧ દા’ડી = મજૂરી.