આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૪૫
 

બાએડીઓ જોવા બેઠી હતી તેમાંની કેટલીક સુંદરની બેનપણીઓ હતી તેમની આંખોમાં એ જોઈ આંસુ આવ્યાં. તેઓ કહે આ મુવા દઈત કે એ રોયા રાક્ષસ, મુવાની પાછળ તે શોક હોય કે મીજબાની, ધુળ નાખી જમવું હોય તો નીચે માથે જમી ગયા, ઓછવ હોય તેની ગોડે આ ઉધમાત છે ઘરડું ખોખરૂં મુવું હોય તો છો પીટ્યા ખુશી થતા; જુવાનની પાછળ પણ તેમ ! ધિક્કાર છે નફટ અશુરોને !! શુંરે મારી બાઈ લગન ને કાંણ બધું સરખું, મરણ પાછળ જમાડવાનો ચાલ ન હોત તો સારૂં, ખરે !

બ્રાહ્મણોએ જમવા માંડ્યું ને પવનનું જોર એટલું વધ્યું કે ધુળથી વાદળ છવાઈ ગયું, ને ભાણાં ધુળે ઢંકાઈ ગયાં. તોએ ભટ્ટા જમ્યા ગયા; અંતે જ્યારે છાપરેથી નેવાં (નળીઆં) ઉડી પડવા માંડ્યાં ત્યારે ઉઠી ગયા. બે ચારનાં માથાંએ ફુટ્યાં. અરધુંક જમ્યા ને ઉઠવું પડ્યું. દરેકના પેટમાં ઓછામાં ઓછી પાશેર ધુળ ગઈ હશે. જેવા તેઓ ઉભા થયા કે ઢેડિયાં પડ્યાં. જેનાથી જેમ નસાય તેમ નાઠા. બઇરાં બુમો પાડે ને છોકરાં રોય. અનપુણા છાજી લેવા લાગી, ને કહે અમારા ઉપર આ શો દૈવનો કોપ કે નાગરીનાત ધુળ ખાઈને ભુખી પીડા પામતી ઘેર જાય છે. રમાનંદ કહે હશે ઈશ્વરની ઈચ્છા આગળ માણસનો ઉપાય નહીં. એ બ્રાહ્મણોના કરમમાં આજ ધુળ ખાવી હશે તે કેમ મિથ્યા થાય. કરે તેવું પામે. વીજીઆનંદ કહે ભૂંડી સાસુ ઘરમાં કંકાશ કળશ કરાવે તેની એવી ફજેતી થાય. તે વહુવારૂને એક ઘડી ઝંપવા દીધી નહિ તેનાં ફળ આ થયાં.



સમાપ્ત