આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
 

પણ ખાવાની લાલચુ ને અકરાંતી નહોતી. કામ કરવું બહુ ગમતું હતું. કામકાજમાં સમજ પડે એટલું જ નહીં પણ જે સોપ્યું હોય તેમાં પોતાની ચતુરાઈ લગાવી સારૂં કરવાને મહેનત કરે. અગીઆર વરસની ઉમ્મરે રસોઈ કરવામાં વખણાતી. માની જોડે જજમાનમાં રાંધવા જાય ત્યાં ગોરાણીથી તેની દીકરી વધારે સરસ રાંધે છે એમ સહુ કહેતા. એનામાં જે અપલક્ષણ હતાં તેમાંનું એક એ હતું કે એને ઘરેણા પહેરવાનો અધિથી વધારે શોક હતો. નવા નવા આભુષણ કરાવવાને માબાપને વારે વારે કહે, ને એક કરાવી આપે કે બીજું માગે. એનો પાર કહાં આવે ! પોતાનો બાપ ધનવાન લોકની બરોબરી કરી શકે નહીં માટે ઘરમાં કંકાસ કરે. કોઈનુ દીઠું કે તેવું પોતાને જોઇએ. વળી એને વાતો કરવાનો અને સાંભળવાનો અતીશે ચડસ હતો. કુથલી કરવા બેસે ત્યારે થાકેજ નહીં. તમાકુ (તંબાકુ) ખાવાનુ ગંદુ વ્યસન એને નાનપણથી પડ્યું હતું, ને છીકણી (તપખીર) પણ છાનામાના સુંઘતી. સાસરેથી આણું આવવા સમે પાસે આવ્યો ત્યારે બહુ હરખાઈ. સાસરાના સુખ વિશે મનમાં અનેક વિચાર કરતી. સાસુજી બહુ લાડ લડાવશે, નણંદ જોડે ચોપટ રમવાની ઘણી મજા પડશે, વરની માનીતી થઈશ, વર ઘણું કમાશે ને ઘણા ઘરેણા કરાવશે, સાસરે માલતી થાકીશ ત્યારે વળી થોડા દિવસ પીએર આવી રહીશ, વગેરે સુખી ધારણાઓથી એનુ મન પ્રસન્ન અને પ્રફુલિત રહેતું. પણ હાય હાય ! એના નિરપરાધી મનની આ બધી આશા કેવી ભંગ થવાની છે ! સંસારના સંકટોથી તે હજી કેવળ અજાણી હતી.

એનો બાપ વીરેશ્વર અને મા શિવલખમી શાક્ત હતાં. સુંદર બાર વરસની થઈ ત્યાં સુધી એને આ વાતની પુરી ખબર નહોતી. એના ઘરમાં એ મતના માણસો રાતના દશ વાગ્યા પછી પુનમે પુનમે ભરાતાં, પણ તે વેળા એ હુંગેલી હોય, અથવા જાગતી હોયતો એની મા કહે આ બ્રાહ્મણો ચંદીપાઠ કરવા આવ્યો છે, વગેરે કહી વહેલી જમાડી સુવાડી દે. એનું કારણ એક નાના છઇઆના પેટમાં વાત રહેતી નથી, ને આ વાત તદ્દન છાની રાખવાની જરૂર હતી. વામ માર્ગીઓની સંખ્યા તે કાળે હાલના જેટલી મોટી નહોતી તેથી તેઓ ઉઘાડા પડવાને ઘણા ડરતા હતા. આ રાજમાં એ પંથને ઘણું અનુકુળ પડે છે, ને તેથી દિવસે દિવસે એનો પ્રસાર થતો જાય છે. તે સમે એ ઉપર લોકને હાલના જેટલી રૂચી નહોતી. વીરેશ્વર અને શિવલખમી નૈષ્ઠિક હતાં. તેઓના મનનો નિશ્ચે હતો કે આદશક્તિ વિના બીજું કોઈ આ સંસારનું સુખ અને મુવે મોક્ષ આપી શકે તેવું નહોતું. એ માટે પોતાની દીકરી સમજણી થઈ એટલે દિક્ષા અપાવી.