આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
सासुवहुनी लढाई
 

પોહોંચે અને તૃપ્તી થાય એવું તે વહેમીબઇરાં માને છે તેથી આપણું જોર ફાવે છે. વળી ડુંગરપરા આપણા પક્ષમાં રહે છે એટલે નાગરોને કોઈ રાંધનાર મળતું નથી માટે દાસ જેવા રેહે છે.

વાઘ કરવાની રૂઢી પ્રથમતો એમનામાં આપણી દેખાદેખીથી પેઠી. સંસારમાં એકનું જોઈને બીજો કરે છે, તેમાં સદાચારની નકલ કરનારા કરતાં દુરાચારની નકલ કરનારા ઝટ વધારે મળે છે, કેમકે અજ્ઞાન લોકનો જથો વિશેષ છે. શું વેદીઆની ધેણ એટલું બધું ઘરેણું પહેરે અને નવીશંદાની ઓછું પહેરે. એમ ચરસા ચરસીથી કામ દિવસે દિવસે વધી પડ્યું.

ચંદા – હુંને તમારી વાતો સાંભળવી બહુ ગમે છે, પણ આજે જમવા જાવું છે તેથી હવે ઉઠીશ. આ ચાર દહાડા કામના છે તે ગયા કેડે વળી આવીશ.

દવે – ભલે આવજો. આપણામાં બીજી નઠારી રૂઢીઓ કઈ કઈ છે, અને તેથી શાં માઠાં ફળ થાય છે તે હું તમને કહીશ.

ચંદા – એ વિશે તમે એક ચોપડી લખો તે અમે વાંચીશું. મારે તો એક છાની વાત પુછવી છે, તમારી સહલા લેવી છે, માટે આવવાની છું.

દવે – ઠીકતો તે વાત કરીશું. આવજો હો.

ચંદા – બારણા લગી જઈને પાછી આવી. ને બોલી દવે જી, સારા મોતીના અને જડાવ દાગીના મારી તારાબેનને પહેરાવવા માટે આણી આપોને; તમારે વગ ઘણો છે. તમારા ભાઈબંધ જમનાદાશ શેઠને ઘેર મોટાં મોતીની માળા છે, ને હીરાકંઠી છે તે લાવો. તમારા જજમાન પ્રીતમલાલ મુનફને કહોતો જોઈએ એટલા મોટા દાગીના મંગાવી આપે. આવતી કાલે સંધ્યાકાળ પહેલાં આવે તો ઠીક.

દવે – તમે છેક જુના વિચારના બઈરાં છો ચંદાગવરી. પારકાં ઘરાણા માગી લાવીને પહેરવામાં મોટાઈ માનવી, સુખમાનવું, એ નાદાની છે. મારી પાસે ને તમારા બાપની પાસે કેટલી દોલત છે તે સહુ જાણે છે. મોટા લોકના દાગીના માગી લાવીને પહેરાવવાથી આપણે વધારે પૈસાદાર કહેવાવાના નથી, અને આપણા ધનમાં વધારો થવાનો નથી. ઘરેણા પહેરવાથી શરીરને શોભાવવું તેના કરતાં સદગુણોથી શોભાવવું વધારે સારૂં છે. કોઈ કહેશે કે ઘરેણા અને સદ્ગુણ બંનેથી તનને શોભાવવું તે સર્વોત્તમ; પણ તેમ નથી. કેમકે વિચારવાન અને સદ્દગુણી માણસ