પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૧૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
સાઠીનૂં વાઙ્ગમય.

સુંદર થયાં છે. કુમારસમ્ભવની રસમય બાનીની પ્રસાદી લેઇ ન શકતા રસિક વર્ગને ભક્ત કવિના ‘ઈશ્વરવિવાહ’ કરતાં આ નાટક અધિક આનંદદાયી છે.

કાલિદાસ કવિનાં કેટલાંક નાટકોનાં ભાષાન્તર થયા પછી દોઢેક દાયકામાં ભવભૂતિ કવિની બાનીનો એક અનુવાદ સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદી તરફથી રજુ થયો હતો. ભવભૂતિના ‘માલતી માધવ’ નું ભાષાન્તર એમણે પ્રથમ કર્યું હતું. આ મૂળ સંસ્કૃત ‘પ્રકરણ’ ની ઘણી સારી આવૃત્તિ ડા. ભાંડારકરે પ્રકટ કરેલી છે. શુદ્ધ કરેલા પાઠ વગેરેની સારી સોઇ હોવાથી આ ભાષાન્તર સારું નિવડ્યું છે. પદ્યમાં સહજ કર્કશતા આવવા સિવાય બીજું કાંઇ વિશેષ નથી. એકંદરે જોતાં ભાષામાં આ નાટકથી એક સારા ગ્રંથનો ઉમેરો થયો છે. એજ વિદ્વાને થોડા કાળ પછી ભવભૂતિના બીજા નાટકનું ભાષાન્તર ગુજરાતી પ્રજાને આપ્યું હતું. એ ભાષાન્તર વિષે સહજ લંબાણે બોલવાનો વિચાર હોવાથી આ ભાષાન્તરને માટે આટલું જ કહીશું. આ બીજાં ભાષાન્તર માટે આ વિદ્વાને ભવભૂતિના અપૂર્વ નાટક ઉત્તરરામચરિતને પસંદ કર્યું છે. એ નાટક ઘણી ખુબીઓથી ભરેલું છે અને અમે એ પુસ્તકને અંગે સ્હેજ વિસ્તારથી કહીશું. ઉત્તરરામચરિતમાં રસની જમાવટ મનોહર છે, તેમજ તેમાં પાત્રતા યથોચિત જળવાઇ છે. એ સંસ્કૃત નાટકને માટે કહેવાય છે કે ‘उत्तरे रामचरिते भवभूतिर्विशिष्यते’ એ યથાર્થ છે. આવા નાટકની પસંદગી જ અનુવાદકની રસજ્ઞતા બતાવે છે. મૂળ નાટકમાં ઉંચા પ્રકારનાં ભાવનાં ચિત્રો, અવિચ્છિન્ન રસનો પ્રવાહ અને દરેક પાત્રનો ભેદ ઘણા ચાતુર્યથી જળવાયો છે. બેશક વસ્તુની અને કાર્યવેગની ખામી છે, પણ તે મૂળ ગ્રંથની છે. કાર્યવેગની મંદતા કેટલાક અંકો બાદ કરતાં આ નાટકમાં સર્વત્ર વ્યાપી રહી છે. વસ્તુનું પાંખાપણું તો અંકેઅંકમાં જણાય છે. આમ છતાં એ પાત્રભેદ અને રસમાં તો ઉત્તરરામચરિતમાં ભવભૂતિએ હદ જ વાળી છે. ઉચ્ચ શૃંગારનો અદભૂત આદર્શ રામ અને સીતાની રતિમાં આવી રહ્યો છે.

આવા અપૂર્વ ગ્રંથનો અનુવાદ કરવો સરળ નથી. પોતે સંસ્કૃત ભાષાના સારા અભ્યાસી હોવા છતાં, પાઠ મુકરર કરવામાં ભૂલો થવાથી