પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૨૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
સાહિત્ય.

સ્વ. કવિ બાલ—બાલાશંકર ઉલ્લાસરામે “મૃચ્છકટિક” નું ભાષાતર કરીને આપણા વાચનમાં એક આનંદદાયી ‘પ્રકરણ’ ઉમેર્યું છે. પોતે જ વિનયમાં એને ‘છાયા મૃચ્છકટિક’ કહ્યું છે. મૂળને બહુ અનુસરતું ન છતાં, એમનું આ નાટક સુંદર છે. મૂળ નાટકના પાઠમાં ઘણો ઘોંટાળો છે. ક્ષેપક ભાગ એટલો બધો પેસી ગયો છે કે તેને પરખી કાઢવો મુશ્કેલ છે. તથાપિ બાલાશંકરની ભાષા પ્રાસાદિક હોવાથી નાટકમાં કોઈ એવી તરેહની સુંદરતા આવી છે કે વાંચનારને આનંદ ઉપજે જ. આ જ ઉત્સાહી લખનારે ‘કર્પુરમંજરી’ નામે ‘સટ્ટક’ નું ભાષાન્તર પણ કર્યું છે. ભ્રષ્ટ મૂળને અંગે થતા સ્વાભાવિક દોષોની અવગણના કરીએ તો આ નાન્હકડું ‘સટ્ટક’ વાંચવાલાયક બન્યું છે. બાલાશંકરની બાની જ એક તરેહની મસ્ત મનોહરતા ઉત્પન્ન કરે છે.

બંગાળી ઉપરથી થયેલા મૂળ હિંદીમાંથી કેટલાક ફેરફાર અને થોડા વધારા સાથે રા. નર્મદાશંકર દેવશંકર મહેતાએ ‘સતી નાટક’ ગુજરાતી પ્રજા રૂબરૂ મુક્યું છે. આ નાટક ઉચ્ચ ભાવનાવાળું, શૈવ પંથીઓને અને સ્ત્રીઓને ખાસ વાંચવાલાયક છે.

‘પ્રિયદર્શિકા’ અને ‘રત્નાવલિ’ નાં બબ્બે ભાષાન્તર ગુજરાતીમાં થયાં છે. રત્નાવલિના એક ભાષાન્તરકર્તાએ તો ગ્રંથના નામ ધરાધરીનું ભાષાન્તર કરીને તેનું નામ ‘મણિમાલા’ રાખ્યું છે !

મરાઠી અગર બીજી ભાષામાંથી ‘પુનર્વિવાહ પક્ષની પૂરેપૂરી સોળે સોળ આના ફજેતી અથવા રૂઢિ દિગ્વિજય’, ‘મોટા માધવરાવ પેશ્વા’ અને ‘ભ્રાંતિસંહાર’ નામનાં નાટકો પણ થયાં છે.

મહાન કવિ સેક્સપીઅરનાં નાટકોનાં ભાષાન્તરો અને રૂપાંતરો ગુજરાતીમાં થયાં છે. સન ૧૮૯૨ માં ‘કોમેડી ઓફ એરર’ ના વસ્તુ ઉપરથી ‘આશ્ચર્યકારક ભૂલવણી’ નામે નાટક થયું છે. ‘કાઠીઆવાડી’ એવા ઉપનામથી લખનારે ‘જૂલિયસ્ સીઝર્’ અને ‘ઓથેલો’ નાં ભાષાન્તર તેમ જ ‘ઓલ્ વેલ્ ધેટ્ એન્ડસ્ વેલ્’ ના વસ્તુ ઉપરથી ‘ચંદ્ર-રમણ’ નામે પ્રતિકૃતિ રૂપ નાટક રચ્યું છે. આ નાટકની ભાષા અપરિચિત લાગે છે