પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૪૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫
સાહિત્ય (ચાલુ).

 સુરત સોદાગરવાળા રા. નગીનદાસે પ્રેમાનંદનો દશમ–શ્રીમદ્ ભાગવતનો દશમ સ્કંધ–પ્રગટ કરવાનો આરંભ કર્યો હતો. સામાન્ય રીતે પુસ્તક વેચનારા જેટલી કાળજીથી પુસ્તક છપાવે છે તેટલી અને તેવા પ્રકારની કાળજીથી આ સુંદર ગ્રંથનો આરંભ થયો હતો. પરંતુ કેળવણી ખાતાની પાસે મદદ માગતાં એવા ગ્રંથને જો સારોદ્ધાર કરીને છપાય તો જ મદદ આપવાની ઈચ્છા જણાવ્યાથી આ કામ રા. નગીનદાસે કવિ નર્મદને જ સોંપ્યું હતું. તેમણે જૂદી જૂદી પ્રતો એકઠી કરીને, સારોદ્ધાર કરીને આ સુંદર ગ્રંથ ગુજરાતી પ્રજાની સમક્ષ મૂક્યો હતો. શ્રીમદ્‌ભાગવત દશમસ્કંધ, અને તેમાંએ પ્રેમાનંદ કવિની નેવું વરસની વયે છેલ્લો લખાયેલો, પછી એમાં કહેવા જેવું શું હોય ? રા. નગીનદાસે આ ગ્રંથની બીજી આવૃત્તિ કરી છે. ઘણી પ્રતો મેળવીને વધારે શ્રમથી સંશોધિત આવૃત્તિની હજુ ખામી છે. પ્રેમાનંદ સિવાય એના શિષ્ય રત્નેશ્વરે પણ ગુજરાતીમાં દશમસ્કંધ લખ્યો છે આ ગ્રંથ પણ આ સાઠીમાં પ્રસિદ્ધ થયો છે. દરેક અધ્યાયને આરંભે પોતે નવો બનાવેલો શ્લોક મૂક્યો છે અને ભાષાન્તર શુદ્ધ અને સારૂં થયું છે. કવિ પ્રેમાનંદના શિષ્ય પણ કેવા વિદ્વાન હતા તેનો ખ્યાલ આપણને આ ગ્રંથથી આવે છે. આ બે સિવાય પાટણના કવિશ્રી ભાલણે પણ પ્રેમાનંદની પહેલાં ‘દશમ' લખ્યો છે. એની સંશોધિત આવૃત્તિ અમારી તરફથી તૈયાર થાય છે. ગુજરાતી પ્રેસમાંથી આખું શ્રીમદ્‌ભાગવત–ગુજરાતી કવિતામાં–બહાર પડ્યું છે. તેમાં પ્રેમાનંદનો દશમ અને બીજા કવિયોના બીજા સ્કંધ એવી ગોઠવણ છે.

કવિ પ્રેમાનંદના શિષ્ય ગીરધરનાં લખેલાં ‘રામાયણ'ને આ સાઠીમાં જૂદા જૂદા માણસોએ પ્રગટ કર્યૂં છે. જે મળ્યો એ ગ્રંથ છાપી નાંખવા સિવાય એમાં બીજી નવીનતા નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી રા. બ. હરગોવિંદદાસે ઉદ્ધવ કૃત 'રામાયણ'ની આવૃત્તિ કાઢી છે. ગીરધરના રામાયણ સંબંધે કહ્યું તે કરતાં અત્રે કશુંએ વધારે કહેવા જેવું નથી. ઘણાં વર્ષ ઉપર ‘અનુપ’ ઉત્તરસંડાના રહીશ અને ભૂજના સ્વ. કુમારશ્રી કલુભા સાહેબ સી. આઈ. ઈ. ના શિક્ષક કવિ શીવલાલ