પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૬૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧
સાહિત્ય (ચાલુ).

ગણે નભ વાણી,’ ‘અગાધ ઉદધિ ઉપર તરંગો જતા આવતા ચ્હડતાં વ્યોમે,’ ‘વિશ્વ નદીમાં એક શમીતો ઘણીક લહરી બીજી,’ ઈત્યાદિ ઉચ્ચ ભાવગર્ભ ઉક્તિઓથી તેમની કાવ્ય રચનાઓ ભરપૂર છે, તેમ જ ‘નીલ લીલમ સમાં લાલ ગાલે બેઠાં તમે જે તણેરે,’ ‘ઉંચા સોહે પ્રભાતના રંગ રાતારાતા આભમાં રે’ એવી મનોહર રસિક કાવ્ય રચનાઓ પણ કોઈ કોઈ સ્થળે આ ગ્રંથમાં છે. પરંતુ બહુધા તેમની કવિતામાં ગંભીર ભાવની ઉક્તિમાં નીરસતા ભરેલી છે અને તેમની શૈલી ક્લિષ્ટ છે. સ્નેહમુદ્રા પ્રગટ થઇ તેવામાં એક વિદ્વાને હસતાં હસતાં કહેલું અમને યાદ છે કે સ્નેહમુદ્રા છે તો મઝાની પણ બરાબર ઉઠી નથી.

‘પ્રેમભક્તિ’ તખુલ્લસથી પ્રથમ લખનાર કવિ નાનાલાલ દલપતરામે ગુજરાતી કવિતાને નવું જ રૂપ આપવાનો નિશ્ચય કર્યો હોય એમ જણાય છે. કવિતાને કોઇ પણ તરેહનો બંધ–ઝાંઝર (જંજીર–ડસકલાં ?) ન જોઇએ અને માત્ર યથેચ્છ પ્રવાહ વહ્યો જાય એવી એમની ઇચ્છા જણાય છે. એમને જરૂર માત્ર 'આન્દોલન' ઉત્પન્ન થવાની જ જણાય છે. કેટલાક તો એમના કાવ્યને 'આવેશવાળું ગદ્ય’ કહે છે. આન્દોલનની કલ્પના હજી સ્પષ્ટ ન થવાથી એ સંબંધી વધારે લખવાની લાલસાનાં આન્દોલન અમારા હૃદયમાં ઉદ્‌ભવવા દેતા નથી, છતાં પણ એમની કવિતામાં ઓર કવિત્વની મઝા છે એમ ન કહીએ તો એ બોલવું ન્યાય પુરસ્સર નથી.

કવિ નાનાલાલને જેમ આન્દોલન રૂચે છે તેમ માત્ર ‘મિઝાન યાને વઝન’ ની જ રૂચિ કવિતાને અંગે રાખતી બીજી શૈલી ઉત્પન્ન થઇ છે. આના ઉત્પાદકો પારસી ગૃહસ્થો છે અને એમનો પ્રયાસ ઇંગ્રેજી ઢબ ગુજરાતી-પારસી ગુજરાતી–માં દાખલ કરવાનો છે. પહેલી અને ત્રીજી લીંટીનો પ્રાસ, દરબબે લીંટીનો અત્યં પ્રાસ અગર પ્રાસ વગરની એવી કવિતાઓ આ શૈલીની છે. પિંગળ એ એમને કેદખાના જેવું લાગે છે અને કેટલાક તો એ શૈલીની ન હોય તે કવિતા જ નથી એમ કહેવા ધરાધરીની ધૃષ્ટતા કરે છે.

આ સાઠીની શરૂવાતથી તે હાલ સુધીમાં લખનારના આવા અસ્ફુટ