પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૬૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫
સાહિત્ય (ચાલુ).

 ઠાવકાઈથી, સાફ કહે છે તે જાણીને આપણા મનમાં એમને માટે માન ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે એમની પૂર્વે થઈ ગયેલા બધા કવિઓ ગરબીઓનો ઉપયોગ શૃંગારના લખાણને માટે જ કરતા આવ્યા છે. ગરબીઓનો નીતિ પરત્વે વિનિયોગ પ્રથમ એમણે જ કર્યો છે. અનેક જૂદી જૂદી બાબતની અને વ્હેમ વિરૂદ્ધ એમની ગરબીઓ પ્રસિદ્ધ છે. એમની કવિતા જનમંડળમાં બહુ પ્રિય છે. એમના રામ વનવાસની ગરબીઓ ઘણીએ વખત છેક દૂરનાં અને નાનાં ગામડામાં અમે ગવાતી સાંભળી છે. તેમ જ વેનચરિત્રમાંની અમુક બે ગરબીઓ ભક્તની ભજનની મંડળીઓમાં ઘણા ભાવથી ગવાય છે. નર્મદ અને એમના વચ્ચે જન્મારા સુધી અંટસ ચાલુ રહ્યો હતો. મ્હોડે તો અમે બેમાંથી કોઈને બીજાનું ઘસાતું બોલતા સાંભળ્યા નથી. અમારા વાંચનારાઓના વિનોદની ખાતર દલપતરામની સાથે એકવાર થયેલી વાતચીત અહીં લખીશું. નર્મદની કવિતામાં વ્યંગ્યમાં એમની વિરૂદ્ધ લખાણ છે. 'પગે મણિને શિરે કાચ પણ આખર મણિમાં માલ સાહેબો સલામ સૌને હાલ' એ લીંટીઓ વાંચીને એકવાર અમે પુછ્યું હતું કે આપ કેમ કાંઇ લખતા નથી. થોડીવાર સુધી ન બોલીને પછી પોતાની આછી ચોટલી ડાબા હાથમાં પકડી ઉંચી કરીને મને પૂછ્યું કે ડાહ્યાભાઇ, આ શું દેખો છો ! મેં પુછ્યું સાહેબ શેને માટે પૂછો છો ? એઓ કહે આ–આ. મારા હાથમાં શું છે ? મેં કહ્યું આપની ચોટલી. એઓ કહે નાના પણ એનો રંગ કેવો છે ? મેં કહ્યું ધોળો, અને એઓ કહે કે લઢાઈ ચાલતી હોય અને બંધ કરવી હોય તો કેવો વાવટો ધરે છે ? મેં કહ્યું ધોળો; એટલે એઓ બોલ્યા કે ત્યારે જૂવો પરમેશ્વરે આ ધોળો વાવટો ઉભો કર્યો છે. હવે મને ઘટે નહિ. આ બનાવ બન્યા પછી બે ત્રણ વર્ષે દલપતકાવ્ય બહાર પડ્યું હતું. દલપતકાવ્યનું મંગળાચરણના પ્રકરણ પછીનું પ્રકરણ વાંચીને મને ખૂબ હસવું આવ્યું હતું ! આખું પ્રકરણ વ્યંગ્યવાળું અન્યોક્તિથી ભરેલું અને નર્મદ ઉપર હુમલાવાળું છે ! બીજી વાત પણ એવી જ રમુજી છે. રા. ગણેશ શ્રીકૃષ્ણ ખાપડેં તેમના પાઠશાળાના કાળમાં અમારા ઈષ્ટ મિત્ર ડા. હ. હ. ધ્રુવના મિત્ર હતા. એને લીધે અમારે પણ સારો પરિચય હતો. એઓ અહિં એક અઠવાડીયું કોલેજમાંથી આવ્યા