પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૯૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
સાઠીનૂં વાઙ્ગમય.

 સ્વ. નવલરામ આ પુસ્તકની ભાષા સંબંધી લખે છે કે 'આવું શુદ્ધ આજ પર્યત કોઈ પારસીએ લખેલું અમે જોયું નથી.' તેઓ વળી ઉમેરે છે કે 'ભાષા એ જ આ ગ્રંથની ખુબી હોય એમ નથી. લખનારની વિદ્વત્તા તથા રસિકતા ડગલે ડગલે જણાઈ આવે છે. એ લખનાર ફક્ત વાર્ત્તાઓનો સંગ્રહ કરનાર જ હોય એમ નથી. જનવાર્ત્તાઓ જે રૂપે ચાલતી હોય તે જ રૂપે પ્રગટ થાય તો સારૂં કે તેમાં તેના સંગ્રહ કરનારે પોતાના વિવેક પ્રમાણે ફેરફાર કરી તેને બીજો આકાર આપવો એ સારૂ એ સવાલ જૂદો છે, પણ આ ગ્રંથકારે તો બીજો માર્ગ પસંદ કીધો છે. અને તેથી તેણે પોતાનું રસજ્ઞાન તથા પાંડિત્ય જાણવાનો વાંચનારને યથાસ્થિત અવકાશ આપ્યો છે. એ કાવ્યશાસ્ત્રનો જાણ, દેશદેશની વાર્ત્તાઓનો સારો અભ્યાસી તથા જાતે રસનો ખરો અનુભવી જણાય છે. એણે જે જે વાર્ત્તાઓ સાંભળી તેના રંગમાં બરાબર ઉતરીને જ તેને પાછી પોતાની વિદ્વતાવાળી વાણીમાં જન્મ આપ્યો છે. ઠેકાણે ઠેકાણે ગ્રંથકારની ઉલટ અને મસ્તી પ્રત્યક્ષ જણાઈ આવે છે. ”

આ ગ્રંથકારે પોતાના સંગ્રહને માટે ફાંકડી પ્રસ્તાવના લખીને પોતાને પડેલી મહેનત વગેરેનું રસિક બયાન કરતાં હિંદુ અને પારસીના જીવન વૈભવની તૂલના પણ કરી છે ! આ પુસ્તકો પ્રગટ થયાં ત્યારે એમાંની શુદ્ધ ગુજરાતીને માટે ઘણી વાહવાહ થઈ હતી.

આ તો નાટકની રંગભૂમિ ઉપરની વાત થઇ. બધા પ્રેક્ષકો આ જોઈ શકે છે. પ્રેક્ષકો, પાત્રવર્ગ જ્યાં પોતાનો શણગાર સજે છે ત્યાં જઈ અગર જોઈ શકતા નથી. વિનોદની ખાતર અમે અમારા વાંચનારાઓને પડદાની પાછળ પાત્ર વર્ગને તૈયાર થવાના ઓરડામાં લઈ જઈશું ! આ પુસ્તકના સંબંધમાં પડદા પાછળ શું બન્યું હતું તે જોવાનો અમને પ્રસંગ મળ્યો હતો ! ગ્રંથકર્તા ગામેગામ ફરીને ભાટ ચારણો અને વાતોડીઆની પાસેથી વાતો સાંભળતા. અને તે તેની ટુંકી નોંધ કરી લેતા. “ એક રાજા–બે રાણીઓ–એક અણમાનીતી–કુંવર થાય નહિ–ફીકર–દુઃખ–કુંવર થયો–ખબર જ નહિ–મોટો થયો–પરાક્રમી–શીકાર–રાજા જોડે અચબુચ મેળાપ–